મૂંઝવણ : ધો.9 અને 10 બંનેમાં માસ પ્રમોશનથી વિદ્યાર્થીઓને પાયો કાચો રહેવાનો ડર

0
6

કોરોનાને કારણે ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે, ગત વર્ષે પણ આ વિદ્યાર્થીઓ 9માં ધોરણમાં અભ્યાસ કરતા હતા ત્યારે તેમને માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને 2 વર્ષથી માસ પ્રમોશન આપી દેવામાં આવતા વિદ્યાર્થી પરીક્ષા આપી શકતા નથી જેના કારણે હવે ધોરણ 11માં પ્રવેશ મેળવશે તો તેમને પાયો કાચો રહી જવાનો ડર છે.

2 વર્ષથી કોરોનાના કારણે પરીક્ષાઓ યોજાઈ રહી નથી
2 વર્ષથી સતત માસ પ્રમોશન અપાતું હોવાને કારણે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાઈ રહી નથી જેના કારણે વિદ્યાર્થીઓ પિતાનું જ મૂલ્યાંકન કરી શકતા નથી.વિદ્યાર્થીઓને જ્યારે 10માં ધોરણમાં માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે ત્યારે સમગ્ર વર્ષ દરમિયાન કરેલ મહેનતની પરીક્ષા ના લેવાઈ અને મહેનતનું પરિણામ પણ ના મળ્યું જેને કારણે વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં પોતાનો પાયો કાચો રહેવાની ભીતિ છે. ભવિષ્યમાં ધોરણ 11માં સાયન્સ, કોમર્સ, આર્ટ્સ કે ડિપ્લોમા કરવું તે અંગે પણ મુંઝવણ છે. પરીક્ષા લેવાઈ હોત અને પરિણામ આવ્યું હોત તો વિદ્યાર્થી સ્વમુલ્યાંકન કરી શકતા.

વિદ્યાર્થીઓની ફાઈલ તસવીર

11 અને 12 ધોરણમાં પાયો કાચો રહેવાનો ડર
આ અંગે અનુષ્કા રાજપૂત નામની વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે, અમને ધોરણ 9માં માસ પ્રમોશન મળ્યું હતું અને ધોરણ 10માં પણ માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. સતત 2 વર્ષથી માસ પ્રમોશન આપવામાં આવે છે. 2 વર્ષથી અભ્યાસ પણ ઓનલાઇન ચાલી રહ્યો છે જેમાં એટલું ધ્યાન રહેતું નથી અને કોન્સેપ્ટ જ ખબર પડતી નથી. 2 વર્ષથી ભણવાનું ચાલે છે પણ પરીક્ષા નથી લેવાઈ રહી અને માસ પ્રમોશન આપવામાં આવે છે જેના કારણે ધોરણ 11 અને 12માં પાયો કાચો રહેશે.

પરીક્ષાના લેવાતા મૂલ્યાંકન થઈ શકતું નથી
બંસરી રાજપૂત નામની વિદ્યાર્થિનીએ વાતચીતમાં જણાવ્યું હતું કે ધોરણ 9 અને 10 બંનેમાં માસ પ્રમોશન મળ્યું છે.માસ પ્રમોશન મળવાને કારણે અમે અમારું સ્વમુલ્યાંકન થઈ શકતું નથી.અમારી સ્કૂલ કક્ષાએ પરીક્ષા લેવાઈ હોય તો પણ મૂલ્યાંકન થઈ શકતું.પરીક્ષા ના લેવાઈ તેના કારણે અમારો પાયો કાચો રહી જશે. અત્યારે અમે અસમંજસમાં છીએ કે અમારે હવે સાયન્સ, કોમર્સ કે અન્ય ક્ષેત્રમાં એડમિશન લેવું.

શિક્ષક સમીર ગજ્જર

‘સરકારે ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ આપવો જોઈએ’
સમીર ગજ્જર નામના શિક્ષકે જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગે આરોગ્યની સ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લીધો છે તે યોગ્ય છે પરંતુ સરકારે વિદ્યાર્થીઓને વિકલ્પ આપવા જોઈએ જેમકે ઓનલાઇન પરીક્ષા, MCQ આધારિત પરીક્ષા અથવા સ્કૂલ કક્ષાએ તબક્કાવાર પરીક્ષા યોજવી.પરીક્ષા લેવાઈ હોત તો વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન થઈ શકતું. 9 અને 10 બંનેમાં માસ પ્રમોશન મળ્યું છે હવે વિદ્યાર્થીઓ પોતાનું જ મૂલ્યાંકન કેવી રીતે કરી શકશે અને સાયન્સ, કોમર્સ કે આર્ટસમાં એડમિશન કેવી રીતે મેળવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here