ગુજરાતમાં કોંગો ફિવરના વધુ એક દર્દીનું થયેલું મોત

0
34

(અહેવાલ : રવિકુમાર કાયસ્થ)

અમદાવાદ : ગુજરાતમાં કોંગો ફિવરના નવા નવા કેસ સપાટી ઉપર આવી રહ્યા છે જેથી ભારે ખળભળાટ મચી ગયો છે. એકબાજુ સિઝનલ રોગચાળાએ આતંક મચાવ્યો છે જ્યારે બીજી બાજુ કોંગો ફિવરે પણ દહેશત ફેલાવી દીધી છે. ઉત્તરપ્રદેશ અને બિહારના દર્દીઓના કેસો સપાટી ઉપર આવતા સનસનાટી મચી ગઈ છે. બીજી બાજુ અમદાવાદ સિવિલમાં એક કેસ પોઝિટિવ આવ્યો છે જ્યારે એકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. સત્તાવારરીતે ત્રણના મોત થઇ ચુક્યા છે અને આજે વધુ એક મોત નિપજ્યું હતું જ્યારે મોટી સંખ્યામાં કેસો હોવાના બિનસત્તાવાર અહેવાલ આવી રહ્યા છે. કોંગો રોગચાળાના ફેલાવવાને રોકવા ગુજરાત સરકાર દ્વારા વિવિધ પગલા લેવામાં આવ્યા છે. રાજકોટમાં ભારે વરસાદ બાદ શહેરમાં રોગચાળો વકર્યો છે.

સૌથી વધુ તાવ-શરદી અને ઝાડા-ઉલ્ટીના કેસમાં સતત વધારો થયો છે. છેલ્લા એક જ અઠવાડિયામાં ૩૫૦થી વધુ દર્દીઓ સરકારી ચોપડે નોંધાયા છે. જ્યારે ગોંડલ રોડ ચોકડી પાસે પીરવાડીમાં રહેતાં ૨૪ વર્ષના મુસ્લિમ યુવાનનું ડેન્ગ્યુથી મોત નીપજતાં ભારે ચકચાર મચી ગઇ છે. બીજીબાજુ, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોંગો ફિવરના ૧૨ શંકાસ્પદ કેસ નોંધાતાં સમગ્ર સરકારી તંત્ર ખાસ કરીને સ્થાનિક આરોગ્ય વિભાગ દોડતુ થઇ ગયુ છે. ઉત્તર પ્રદેશના રહેવાસી એવા આ તમામ દર્દીના લોહીના નમૂના પરીક્ષણ માટે પૂના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે અને રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.

કોંગો ફિવરના શંકાસ્પદ ૧૨ દર્દીઓ હાલ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ છે. તમામ દર્દી ઉત્તરપ્રદેશના રહેવાસી છે. હળવદ પોલિમર્સ યુનિટમાં કામ કરતા ૧૫ વ્યક્તિ શંકાસ્પદ જણાતા ત્રણ દર્દીને અમદાવાદ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જેમાં બે કેસ પોઝિટીવ આવતા તંત્ર હરકતમાં આવ્યું છે. બાકીના ૧૨ દર્દી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મોરબી આરોગ્ય તંત્ર દ્વારા પોલીમર્સ પાસેથી ઇતરડીના પણ સેમ્પલ લેવામાં આવ્યા છે અને આસપાસમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર પીરવાડીમાં રહેતાં હુસૈન ઇબ્રાહીમભાઇ જૂણેજા (ઉં.વ. ૨૪)ને તાવ આવતો હોવાથી ચાર દિવસ પહેલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં યુવકનાં લોહીના નમુના લેતા તેને ડેન્ગ્યુ થયો હોવાના રિપોર્ટ આવતા તબીબોએ સારવાર શરૂ કરી હતી. ચાર દિવસની સારવાર બાદ આજે પરિવારજનો હોસ્પિટલમાંથી રજા લઇ હુસૈનને ઘરે લઇને જતાં હતાં. ત્યારે રસ્તામાં ફરીથી તે બેભાન થઇ જતાં પરત સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો.

પરંતુ તબીબો દ્વારા તેને મૃત જાહેર કરાયો હતો. બીજીબાજુ, રાજકોટ આરોગ્ય તંત્ર દ્વારા રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે શહેરના અલગ અલગ ૫૫થી વધુ પાણી ભરાયેલી કે ખાડાવાળી જગ્યાઓ અને સ્થાનો પર દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. તો, આ સાથે જ ૪૨૩૮ ઘરોમાં પોરાનાશક દવાનો છંટકાવ અને ૭૫૭ ઘરોમાં ફોગીંગની કાર્યવાહી કરવામાં આવી હતી. અલગ અલગ વિસ્તારમાં આવેલા ખાડા, અવેળા, કુવા સહિતના ૩૦૩ સ્થળોએ પોરાભક્ષક ગપ્પી માછલી પણ તરતી મૂકવામાં આવી હતી તેમજ વોકળાઓમાં ઓઇલનો છંટકાવ કરવામાં આવ્યો હતો. તંત્રના અનેક પ્રયાસો છતાં રાજકોટમાં રોગચાળો વકરતાં સ્થાનિક લોકોમાં પણ ફફડાટની લાગણી ફેલાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here