કોંગ્રેસના નેતાઓએ મંગળવારના રોજ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના સાથે મુલાકાત મળ્યા હતા. કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે, દિલ્હી સરકાર શહેરમાં જાહેર શૌચાલય સંચાલન NGOઓના બદલે એક પ્રતિબંધિત કંપનીને સોંપવાની યોજના બનાવી રહી છે. દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ અનિલ કુમારની અધ્યક્ષતામાં પાર્ટી નેતાઓના એક પ્રતિનિધિમંડળે બિન-લાભકારી જૂથોને તેમના મેનેજમેન્ટમાંથી દૂર કરીને એક કંપનીને શૌચાલયોની જવાબદારી સોંપવાની દિલ્હી સરકારની યોજનામાં ભ્રષ્ટાચારનો દાવો કર્યો હતો.
દિલ્હી કોંગ્રેસના એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, પ્રતિનિધિમંડળે લેફ્ટનન્ટ ગવર્નરને એક મેમોરેન્ડમ સુપરત કર્યું હતું અને જાહેર શૌચાલયોમાં વેસ્ટર્ન ટોયલેટ સીટ સ્થાપિત કરવા માટ દિલ્હી સરકારના કોન્ટ્રાક્ટના તપાસની માંગણી કરી હતી. દિલ્હી કોંગ્રેસના વડાએ આરોપ લગાવ્યો હતો કે, શહેરી વિકાસ મંત્રી મનીષ સિસોદીયાએ શૌચાલય સંકુલના બાંધકામ અને જાળવણીનો કોન્ટ્રાક્ટ એક પ્રતિબંધિત કંપનીને સોંપવાની યોજના બનાવી છે.
અનિલ કુમારે સિસોદિયા ઉપર આરોપ લગાવ્યો હતો કે, તેમણે પોતે જ જે કંપીની ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. તેને હવે ટેન્ડર કેમ આપવામાં આવી રહ્યું છે. કુમારે આંકડાઓ આપતા જણાવ્યું હતું કે, ’18 ઓગસ્ટના રોજ, 559 જાહેર સુવિધા સંકુલમાં 18,620 શૌચાલયોના બાંધકામ માચે એક ડેબાર્ડ કંપનીને કોન્ટ્રાક્ટ સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. દિલ્હી સરકાર ટેન્ડર જારી કરવા માટે પારંપરિક ઈ-પ્રોક્યોરમેન્ટ વેબસાઈટના બદલે GeM પોર્ટલ ઉપર ગઈ અને એક પ્રતિબંધિત કંપનીને સીધો જ કોન્ટ્રાક્ટ આપવાની ઓફર કરી હતી.’
કુમારે આગળ આરોપ લગાવ્યો હતો કે, સિસોદિયાએ પોતે જ 2021માં કંપનીને તેના ખરાબ પ્રદર્શનના કારણે 2 વર્ષ માટે પ્રતિબંધિત કરી હતી. હાઈકોર્ટે પણ આ કંપનીને તેના ખરાબ રેકોર્ડ માટે ક્લીનચીટ આપી નથી. 8 જૂનના આદેશમાં GeM પોર્ટલ ઉપર ટેન્ડર અંગેની શરતોમાં કહેવામાં આવ્યું હતું કે, ખરાબ પ્રદર્શનનો ટ્રેક રેકોર્ડ ધરાવતી કંપનીઓ ટેન્ડર બિડમાં ભાગ લઈ શકશે નહી. તો પછી આ કંપનીને ટેન્ડર બિડમાં ભાગ લેવાની પરવાનગી કેવી રીતે આપવામાં આવી હતી? દિલ્હીના અર્બન શેલ્ટર ઈમ્પ્રૂવમેન્ટ બોર્ડ (DUSIB)ના સૂત્રોએ જણાવ્યું હતું કે, જાહેર સુવિધા સંકુલમાં શૌચાલયોના બાંધકામ માટે એક કંપનીને કોન્ટ્રાક્ટ સોંપવાની યોજના અનેક NGOઓના ગેરવહીવટને કારણે હાથ ધરવામાં આવી છે. આ આરોપો ઉપર દિલ્હી સરકારના અધિકારીઓ તરફથી તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આવી નથી.