વડોદરા : ગેસ રિફિલિંગ કૌભાંડને પગલે ભાજપના MLA જીતુ સુખડિયાના પુત્રની ગેસ એજન્સી બંધ કરવા કોંગ્રેસની માંગ, કલેક્ટરને આવેદનપત્ર

0
3

વડોદરા. અવારનવાર ગેસ સિલિન્ડર્સમાંથી ગેસ ચોરી કરવાના વિવાદમાં આવતી હેપ્પી હોમ ગેસ એજન્સી તાત્કાલિક બંધ કરવાની માંગ સાથે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આ ગેસ એજન્સી ભાજપના ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયાના પુત્ર હિરેશ સુખડિયાની છે.

MLAના પુત્રની ગેસ એજન્સીના સિલિન્ડરમાંથી ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપાયું હતું
વડોદરાના સયાજીગંજ મત વિસ્તારના ભાજપના ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયાના પુત્ર હિરેન સુખડિયાની હેપ્પી હોમ ગેસ એજન્સી આવેલી છે. તાજેતરમાં તેઓની ગેસ એજન્સીના સિલિન્ડર્સમાંથી ગેસ ચોરી કરવાનું મસમોટુ કૌભાંડ વડોદરા શહેર SOGએ ઝડપી પાડ્યું હતું. હેપ્પી હોમ ગેસ એજન્સીનું કૌભાંડ પકડાતા પુત્રના બચાવમાં ધારાસભ્ય મેદાનમાં આવી ગયા હતા અને ગેસ ચોરી કરતા તમામના નાર્કોટેસ્ટ કરાવવા માટેની માંગણી કરતો પત્ર પોલીસ કમિશનરને લખ્યો હતો.

એજન્સી બંધ કરીને તમામ ગ્રાહકોને અન્ય એજન્સીમાં તબદીલ કરવા માંગ
છેલ્લા એક સપ્તાહથી ચાલી રહેલા આ વિવાદ વચ્ચે વડોદરા શહેર કોંગ્રેસ પણ હેપ્પી હોમ ગેસ એજન્સીને બંધ કરાવવાની માંગણી સાથે મેદાનમાં આવી ગયું છે. આજે શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલની આગેવાનીમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં હેપ્પી હોમ ગેસ એજન્સી તાત્કાલિક અસરથી કાયમી બંધ કરવાની માંગણી કરવામાં આવી છે અને આ એજન્સીના તમામ ગ્રાહકોને અન્ય એજન્સીમાં તબદીલ કરવા જણાવ્યું છે.

સિલિન્ડર્સમાંથી ગેસની ચોરીથી ગ્રાહકોને નુકસાન ભોગવવાનો વારો આવે છે
વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે જણાવ્યું હતું કે, ભાજપના ધારાસભ્યના પુત્રની ગેસ એજન્સી છે. ભૂતકાળમાં પણ ગેસ ચોરીની ઘટનામાં ગેસ એજન્સીઓ બંધ કરવામાં આવી છે. ગેસ એજન્સીના ગેસ સિલિન્ડર્સમાંથી ગેસની થઇ રહેલી ચોરીમાં ગ્રાહકોને નુકસાન ભોગવવાનો વખત આવે છે. આથી જે ગેસ એજન્સીના સિલિન્ડર્સમાંથી ગેસ ચોરીનું કૌભાંડ બહાર આવ્યું છે. તે ગેસ એજન્સીને તાત્કાલિક બંધ કરવા અને આ ગેસ એજન્સીના ગ્રાહકોને બીજી ગેસ એજન્સીમાં ટ્રાન્સફર કરીને ગ્રાહકોને ન્યાય અપાવવા માંગણી કરી છે.