સાંસદ મોહન ડેલકરે કરેલી આત્મહત્યાના મામલામાં કોંગ્રેસે સ્ફોટક દાવો કર્યો

0
7

દાદરા નગર હવેલીના લોકસભા સાંસદ મોહન ડેલકરે કરેલી આત્મહત્યાના મામલામાં કોંગ્રેસે સ્ફોટક દાવો કર્યો છે કે, ભાજપના આગેવાનો તેમજ કેન્દ્રના અધિકારીઓ દ્વારા થતી હેરાનગતિના કારણે મોહન ડેલકરે આત્મહત્યા કરી હતી.

કોંગ્રેસના નેતા સચિન સાવંતે કહ્યુ હતુ કે, ડેલકરે પીએમ મોદી સહિતના ભાજપના મોટા નેતાઓ પાસે મદદ માંગી હતી પણ મોહન ડેલકરને નજર અંદાજ કરવામાં આવ્યા હતા અને તેના કારણે તેમણે આપઘાત કરવાનો નિર્ણય લીધો હતો.

તેમણે પત્રકારોને કહ્યુ હતુ કે, દાદા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લા ખેડા પટેલ અને બીજા અધિકારીઓ દ્વારા ડેલકરને હેરાન કરવામાં આવ્યા હતા અને અપમાનિત કરાયા હતા.તેઓ ડેલકરને ગુનાઈત કેસમાં ફસાવી દેવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા અને તેમને ધમકી અપાઈ હતી કે, તેમને અને તેમના પરિવારને જેલમાં નાંખી દેવામાં આવશે.

કોંગ્રેસના કહેવા પ્રમાણે આત્મહત્યા કરતા પહેલા ડેલકરે પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ તથા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને સંખ્યાબંધ વખત પત્ર લખીને મદદ માંગી હતી પણ તેમની ઉપેક્ષા કરવામાં આવી હતી.જો પીએમ મોદી અને અમિત શાહે ધાર્યુ હોત તો તેઓ તરત જ ડેલકરની મદદ કરી શકત, આખરે એક સાંસદના જીવન અને મોતનો સવાલ હતો પણ શું તેમણે જાણી જોઈને ડેલકરની મદદ કરી નહોતી તે પણ એક પ્રશ્ન છે.

સાવંતે કહ્યુ હતુ કે, ગયા વર્ષે બે વખત ડેલકરે પીએમ મોદીને પત્ર લખ્યા હતા અને આવા જ બે પત્ર અમિત શાહને અને ત્રણ પત્ર ઓમ બિરલાને પણ લખ્યા હતા. ડેલકરે આત્મહત્યાના બે સપ્તાહ પહેલા લોકસભાની સમિતિને પણ કહ્યુ હતુ કે મારા પર દબાણ છે અને મારી પાસે બે જ વિક્લ્પ છે કે કાં તો હું આત્મહત્યા કરુ અથવા તો સંસદમાંથી રાજીનામુ આપુ.

સાવંતે કહ્યુ હતુ કે, જો મોદી સરકારે કાર્યવાહી કરી હોત તો ડેલકરને બચાવી શકાયા હતો. મુંબઈમાં આત્મહત્યા કરવા પાછળનુ કારણ એ હતુ કે તેઓ ભાજપથી નારાજ હતા. ઉલ્લેખનીય છે કે આ મામલામાં મુંબઈ પોલીસે પ્રફુલ્લ પટેલ સામે ફરિયાદ નોંધીને તપાસ શરુ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here