વિપક્ષી નેતાના રાજીનામા પાછળ કોંગ્રેસનો આંતરકલહ જવાબદાર

0
16

અમદાવાદ મહાનગરપાલિકાના વિપક્ષ નેતા દિનેશ શર્માએ રાજીનામું આપી દીધુ છે. કોર્પોરેશનની ચૂંટણીને આડે ગણતરીના મહિનાઓ જ બાકી છે ત્યારે દિનેશ શર્માના રાજીનામાથી ચૂંટણી પર તેની ચોક્કસ અસર જોવા મળશે. એવું માનવામાં આવી રહ્યું છે કે દિનેશ શર્માએ આંતરિક કલહને કારણે રાજીનામું ધરી દીધું છે. જોકે, તેમણે રાજીનામું આપ્યા બાદ જણાવ્યું છે કે, તેઓ કૉંગ્રેસના સૈનિક હતા અને સૈનિક તરીકે કાર્ય કરતા રહેશે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા કૉંગ્રેસના જ અમુક નેતાઓએ મોવડી મંડળ સમક્ષ એવી રજુઆત કરી હતી કે ચૂંટણી પહેલા દિનેશ શર્માને હટાવી દેવામાં આવે.

સુત્રો તરફથી એવી પણ માહિતી મળી રહી છે કે, AMCના વિપક્ષ નેતા દિનેશ શર્માને બદલવાની માંગ બાપુનગરના ધારાસભ્ય હિંમતસિંહ પટેલ અને દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારે કરી હતી. આ બન્ને ધારાસભ્યો દ્વારા દિનેશ શર્માનો વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે એવી પણ ચર્ચા થઇ રહી છે કે, બન્ને ધારાસભ્યો માત્ર અહમના કારણે વિરોધ કરી રહ્યા હતા. જોકે વિરોધ બાદ હવે દિનેશ શર્માએ રાજીનામું ધરી દીધું છે.

રાજયસભાની ચૂંટણી વખતે ધારાસભ્યો શૈલેષ પરમાર તથા હિંમતસિંહ પટેલને આપેલું પ્રોમિસ કોંગ્રેસ હાઇકમાન્ડે પાળ્યું છે. જો તેઓએ આ પ્રોમિસ ના આપ્યું હોત તો આઠ ધારાસભ્યોના બદલે 10 ધારાસભ્યોના રાજીનામાં પડયાં હોત તેવું સૂત્રોએ જણાવ્યું છે. આ પ્રોમિસના ભાગરુપે જ કોંગ્રેસ હાઇ કમાન્ડે બંને ધારાસભ્યોની વાત માનીને દિનેશ શર્માનું રાજીનામું સ્વીકારી લીધું છે.

રાજીનામા પાછળ કોંગ્રેસના બે ધારાસભ્યો હિંમતસિંહ પટેલ તથા શૈલેષ પરમારની માંગણી હોવાની વાતો જોરશોરથી ચર્ચાઇ રહી છે.

દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કહ્યું- રાજયસભાની ચૂંટણી વખતે ગુજરાતના ધારાસભ્યોને જયપુર લઇ જવાયા ત્યારે આ બે ધારાસભ્યોએ પક્ષના ઉમેદવારોનું સમર્થન કરવા દિનેશ શર્માને દૂર કરવાની શરત મૂકી હતી અને હવે રાજીનામું લેવાયું છે.

આ અંગે ધારાસભ્ય હિંમતસિંહ પટેલે આ વાતનું ખંડન કરતાં કહ્યું હતું કે, હું આ બાબતમાં કાંઇ જાણતો નથી, કહેવા પણ માંગતો નથી. આ તો પાર્ટીની પ્રક્રિયા છે પ્રદેશ પ્રમુખ સંગઠનના વડા છે. અમે કોઇ રાજયસભા ચૂંટણી સમયે રાજીનામાંની વાત કરી નથી. અમે પક્ષમાં વફાદાર રહ્યા છીએ. અમે કોઇ આવી વાત કરી નથી. અમે રાજીનામાંની પણ માંગ કરી નથી. બધી ખોટી વાત છે. બધાં ખોટી વાત ચલાવે છે. કોર્પોરેશનનો ઇસ્યુ કોર્પોરેશન કક્ષાએ ચાલે છે. અમારું નામ કેમ ચાલે છે તે જ સમજાતું નથી.

તો બીજી તરફ એએમસીની ચૂંટણી નજીક આવી રહી હોવાથી પાર્ટી હિતને ધ્યાને રાખીને વિપક્ષ નેતા દિનેશ શર્માએ રાજીનામુ આપ્યુ હોવાની વાત કરી છે. જણાવી દઇએ, દિનેશ શર્મા ની કોર્પોરેટર તરીકે ત્રીજી ટર્મ છે. તેઓ હાલ ઇન્ડિયા કોલોની ના કોર્પોરેટર છે. દિનેશ શર્માએ કહ્યું કે હું કોંગ્રેસ સાથે છું અને રહીશ, મે મારી વાત પ્રદેશ અધ્યક્ષને રજૂ કરી છે. કોઈ આંતરિક વિખવાદ નથી પણ મતભેદ છે,,આ સિવાય દિનેશ શર્માએ કહ્યું કે રાજીનામાંથી પેટા ચૂંટણી પર કોઈ અસર નહીં થાય.

વિપક્ષ નેતા પદેથી રાજીનામું ધરી દીધા બાદ દિનેશ શર્માએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, “કૉંગ્રેસ પાર્ટી વર્ષો જૂની પાર્ટી છે. કૉંગ્રેસની વિચારધારાથી પ્રેરિત થઈને હું 2015માં પાર્ટી સાથે જોડાયો હતો અને વિપક્ષ નેતા તરીકે કાર્ય કરી રહ્યો હતો. પાર્ટીને નુકસાન ન થાય તે માટે મેં વિપક્ષ નેતા પદેથી રાજીનામું ધરી દીધું છે. મેં રાજીનામું આપ્યું તે યોગ્ય છે. ભવિષ્યમાં હું કૉંગ્રેસને સૈનિક તરીકે કાર્ય કરતો રહીશ. ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વાદ-વિવાદ હોય તે સ્વાભાવિક છે. આ વાદ-વિવાદથી પાર્ટીને કોઈ નુકસાન ન થાય તે માટે મેં રાજીનામું મોવડી મંડળને મોકલી દીધું છે. મને લાગે છે કે તેમણે મારું રાજીનામું સ્વીકારી પણ લીધું હશે. મારા રાજીનામાથી ચૂંટણીમાં કોઈ નુકસાન થશે કે નહીં તેના વિશે મોવડી મંડળ અને પાર્ટી વિચારશે. અમારી વચ્ચે મનદુઃખ હોઈ શકે છે પરંતુ મનભેદ નથી. હું ભવિષ્યમાં કૉંગ્રેસના સૈનિક તરીકે કામ કરતો રહીશ.”

નોંધનિય છે કે, અંદરખાને ચાલતી ચર્ચા અનુસાર કોંગ્રેસના જ બે ધારાસભ્યો દિનેશ શર્માને વિપક્ષના પદેથી હટાવવા માગતા હતા અને તેઓએ આ અંગેની રજૂઆત પ્રદેશ કક્ષાએ પણ કરી હતી. આ ઉપરાંત વિપક્ષના નેતાનો કાર્યકાળ પર પૂર્ણ થવાને આરે હતો અને પાછલા 4 વર્ષથી તેઓ આ પદ પર હતા. આપને જાણીને નવાઇ લાગશે કે, થોડા સમય અગાઉ જ દિનેશ શર્માએ કહ્યું હતું કે, તેમેને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. દિનેશ શર્માના રાજીનામા બાદ કોંગ્રેસમાં આંતરિક કલેહ વકરે તેવી શક્યતા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here