નવી દિલ્હી,તા.7.જુલાઈ,2019 રવિવાર
વર્લ્ડકપમાં ભારતના ખેલાડીઓએ ઈંગ્લેન્ડ સામેની મેચમાં ભગવા રંગની જર્સી પહેરી હતી.જેના પર પણ કેટલાક રાજકીય નેતાઓને વાંધો પડી ગયો હતો.
જેમ કે કોંગ્રેસના નેતા નસીમ ખાને કહ્યુ હતુ કે, મોદી સરકાર દરેક ચીનજુ ભગવાકરણ કરી રહી છે.બીજી તરફ તૃણમુલ કોંગ્રેસના સાંસદે સૌગત રાયે તો ભાજપ સરકાર રમતનુ પણ ભગવાકરણ કરી રહી હોવાનો આરોપ મુક્યો હતો.જોકે ભાજપે ટીમ ઈન્ડિયાની જર્સીના રંગ સાથે સરકારને કશી લેવા દેવા નહી હોવાનુ કહીને હાથ ખંખેરી નાંખ્યા હતા.
જોકે હવે કોંગ્રેસના સાંસદ શશી થરુર ટીમ ઈન્ડિયાની જર્સીના બચાવમાં આવ્યા છે.થરુરનુ કહેવુ છે કે, ભારતીય ટીમે આઈસીસીના નિયમો હેઠળ જર્સીની પસંદગી કરી છે અને ભગવો રંગ ભારતીયો માટે ગર્વનો રંગ છે.
ચેન્નાઈમાં યોજાયેલા એક કાર્યક્રમમાં થરુરે કહ્યુ હતુ કે, જ્યારે બે ટીમોની જર્સીના રંગ એક જેવા હોય ત્યારે યજમાન ટીમને પોતાની જર્સીનો રંગ જાળવી રાખવાનો અધિકાર હોય છે.ભારતે જર્સીનો રંગ બદલવાનો હતો અને ટીમે ભગવો અને બ્લ્યુ રંગ જર્સી માટે પસંદ કર્યો હતો.મેં ભગવા જેકેટ પહેરી છે અને તેના ગજવામાં બ્લુ રુમાલ રાખ્યો છે.જે ભારતીય ટીમના સમર્થનમાં છે.
થરુરે કહ્યુ હતુ કે, મારે ભગવા રંગને રાજનીતિ સાથે નથી જોડવો.તે ભારતના ધ્વજના ત્રણ રંગો પૈકીનો એક છે.ભારત માટે ગર્વનો રંગ છે અને હું ભગવા કુર્તો પહેરીને ખુશ છું.