લોકસભામાં આજે ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન 6 મહિના વધારવા માટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ ઉપરાંત અમિત શાહે જમ્મુ-કાશ્મીર આરક્ષણ બિલ પણ સંસદમાં મુક્યું હતું. ત્યારે કોંગ્રેસ સાંસદ મનિષ તિવારીએ જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન વધારવાના સરકારના પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો.
કોંગ્રેસ સાંસદ મનિષ તિવારીએ કહ્યું કે, આજે કાશ્મીરમાં જે હાલત છે, તેના માટે ઈતિહાસમાં પાછળ જવાની જરૂર છે. 1990માં વીપી સિંહની સરકાર હતી, જેને બીજેપી અને લેફ્ટનું સમર્થન હાંસલ હતું. અને ત્યારથી જ જમ્મુ-કાશ્મીરની સ્થિતિ બગડવાનું શરૂ થયું હતું. આ ઉપરાંત તેમણે કહ્યું કે, 2005થી 2008 સુધી કાશ્મીરમાં ગોલ્ડન ટાઈમ હતો, કેમ કે, કોંગ્રેસની સરકારે વાજપેયીની નીતિઓને આગળ વધારી હતી. 2014માં એનડીએની સરકાર બની ત્યારે અમે પ્રગતિશીલ પ્રદેશ બીજેપી સરકારને સોંપ્યું હતું. આઝે કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન વધારવાના હાલત બીજેપી અને પીડીપી ગઠબંધનને કારણે બન્યા છે.
મનિષ તિવારીએ કહ્યું કે, જો જમ્મુ-કાશ્મીરમાં શાંતિપુર્ણ લોકસભા મતદાન કરાવી શકે છે, તો વિધાનસભા ચૂંટણી કેમ નથી કરાવી શકતા. તેમણે કહ્યું કે, પાડોશી દેશ સામેના પડકારો ખતમ થવાના નથી. સરકાર લોકોને વિશ્વાસમાં લેવામાં નિષ્ફળ નીવડી છે. અને તે જ કારણે કાશ્મીરના હાલત બગડ્યા છે. આ સાથે તિવારીએ કહ્યું કે, અમે રાષ્ટ્રપતિ શાસન વધારવાના પ્રસ્તાવનો વિરોધ કર્યો છે.
તો આરક્ષણ બિલના પ્રસ્તાવ અંગે તિવારીએ કહ્યું કે, પ્રસ્તાવનો વિષય વિધાનસભાના અધિકારમાં આવે છે, અને આ વિધેયકને લાવવાનો હક વિધાનસભાનો હોવો જોઈએ. સીમા પર રહેવા લોકોનું દર્દ અમે સમજીએ છીએ અને આરક્ષણ પર અમને કોઈ આપત્તિ નથી, પણ તેને લાવવાની રીત પણ આપત્તિ જરૂર છે.