નવી દિલ્હી: રાહુલ ગાંધીના કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ પદેથી રાજીનામુ આપ્યા પછી રાજકીય હલચલ વધી ગઈ છે. હવે ગુરુવારે સવારે તેમની બહેન અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ આ વિશે ટ્વિટ કરીને પ્રતિક્રિયા આપી છે. પ્રિયંકા ગાંધીએ લખ્યું છે કે, રાહુલ ગાંધીએ રાજીનામું આપીને હિમ્મત બતાવી છે. આવુ કરવાની તાકાત અમુક લોકોમાં જ હોય છે. હું તેમના નિર્ણયનું દિલથી સન્માન કરુ છું. નોંધનીય છે કે, રાહુલ ગાંધીએ બુધવારે લોકસભા ચૂંટણીમાં મળેલી હારની જવાબદારી લઈને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું.
Few have the courage that you do @rahulgandhi. Deepest respect for your decision. https://t.co/dh5JMSB63P
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) July 4, 2019
રાહુલ ગાંધીએ 23મેના રોજ આવેલી લોકસભા ચૂંટણીના પરિણામો પછી રાજીનામું આપવાની રજૂઆત કરી હતી. પરંતુ પાર્ટી સભ્યો તેમને સતત ના પાડી રહ્યા હતા અને રાજીનામું પરત લેવાની વાત કરતા હતા. જોકે રાહુલ ગાંધી તેમની વાત પર અડગ રહ્યા અને બુધવારે ટ્વિટર પર ચાર પેજનો લેટર લખીને તેમના રાજીનામાની વાત સાર્વજનિક કરી દીધી હતી.
કોંગ્રેસ અધ્યક્ષ પદ છોડવાની સાથે જ રાહુલ ગાંધીએ ઘણી જાહેરાત પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પાર્ટીએ ખૂબ જલદી અધ્યક્ષ પદની ચૂંટણી કરવી જોઈએ અને પાર્ટીની આ પ્રક્રિયામાં મારી કોઈ ભૂમિકા નહીં રહે. આ ઉપરાંત રાહુલ ગાંધી છેલ્લા ઘણાં સમયથી એવું પણ કહી રહ્યા છે કે, પાર્ટીના નવા અધ્યક્ષ ગાંધી પરિવારથી અલગ હોવા જોઈએ.
રાહુલ ગાંધીની ચિઠ્ઠીમાં શું હતું?
ચાર પેજની ચિઠ્ઠીમાં રાહુલ ગાંધીએ લખ્યું હતું કે, મેં રાજીનામું આપ્યા પછી કોંગ્રેસ વર્કિંગ કમિટીને સૂચન આપ્યું છે કે, તેઓ અમુક લોકો આ વિશે જવાબદારી લે અને અને એક નવા અધ્યક્ષની ચૂંટણી કરે. મારો સંઘર્ષ કદી વ્યર્થ નહીં જાય. ભાજપનો મેં હંમેશા વિરોધ કર્યો છે અને હું છેલ્લા દમ સુધી ભાજપનો વિરોધ કરતો રહીશ. મારો આ વિરોધ અંગત નહીં પરંતુ ભારતની વિચારધારા પર આધારિત છે. આ કોઈ નવી લડાઈ નથી.
નોંધનીય છે કે લોકસભા ચૂંટણીમાં સતત બીજીવાર પોતાના કાર્યકાળમાં ઈતિહાસની સૌથી મોટી હારનો સામનો કરવો પડ્યો છે. આ વખતે માત્ર 52 સીટ પર સમેટાઈ ગયેલી કોંગ્રેસ ફરી એક વાર લોકસભામાં વિપક્ષનું પદ મેળવી શકી નથી. રાહુલ ગાંધીએ હારની જવાબદારી સ્વીકારીને રાજીનામાની રજૂઆત કરી હતી અને અમુક નેતાઓ સામે નારાજગી પણ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, તેમના દ્વારા રાજીનામાની જાહેરાત પછી કોઈ પણ નેતા સામે નથી આવ્યું જેણે હારની જવાબદારી સ્વીકારી હોય.