મોરબી : કોંગ્રેસે ડુંગળી-બટેટાની લારી કાઢી મોંઘવારીની યાદ અપાવી, કોંગ્રેસને મત આપવા અપીલ કરી

0
0

મોરબી વિધાનસભાની પેટાચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાજપ-કોંગ્રેસ બંને પક્ષોએ દિગ્ગજ નેતાઓને પ્રચાર માટે મેદાને ઉતાર્યા છે. મોરબી બેઠક પાટીદારોનો ગઢ ગણવામાં આવે છે. આજે મંગળવારે મોરબીમાં કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં મોરબીના વોર્ડ નં. 12 અને 13ના કોંગ્રેસના ઈન્ચાર્જ રહીમ સોરા અને રણજીત મુંધવાએ તેલના ખાલી ડબ્બા અને ડુંગળી-બટેટાના લારી કાઢી લોકોને મોંઘવારીની યાદ અપાવી કોંગ્રેસને મત આપવા અપીલ કરી હતી. હાલ ડુંગળી અને બટેટાનો ભાવ સફરજનના ભાવ કરતા પણ વધી ગયો છે.

પ્રચારમાં કોંગ્રેસના કાર્યકરો માસ્ક પહેર્યા વગર જોવા મળ્યાં

આ નવતર પ્રચારમાં મોરબી કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકરો પણ જોડાયા હતા. કોરોના મહામારીમાં કોંગ્રેસના કાર્યકરો માસ્ક વગર જોવા મળ્યાં હતા. સામાન્ય લોકો માસ્ક ન પહેરે તો તેમની પાસેથી પ્રશાસન દંડ ઉઘરાવે છે. જ્યારે રાજકીય પક્ષોના નેતાઓ અને કાર્યકરો પ્રચાર કરવા નીકળે અને તેઓ માસ્ક વગર જોવા મળે તો પ્રશાસન તેમની સામે વામણું સાબિત થાય છે તેવી ચર્ચા લોકોમાં થઈ રહી છે.

પાંચ દિવસ પહેલા સ્ટાર પ્રચારક સ્મૃતિ ઈરાનીની સભા યોજાઈ હતી

મોરબીમાં પેટા ચૂંટણીમાં સ્ટાર પ્રચારકો દ્વારા સભા ગજાવવાની શરૂઆત કરી છે. પાંચ દિવસ પહેલા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ સભા ગજવી હતી. સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું. કોંગ્રેસ ડૂબી રહી છે અને જે ડૂબે છે તે હવે પ્રજાને શું તારશે? તેવા સવાલ કર્યા હતા. આ ઉપરાંત કોરોના સામે લડતી વ્યવસ્થા સામે વિપક્ષ સવાલ ઉઠાવી રહી છે. કોંગ્રેસ કોરોના સામે લડવાને બદલે ભારતની મનસા સામે જંગ છેડી ખોખલો વિરોધ કરે છે. જો કે આ સભામાં ભાજપ દ્વારા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવ્યું હતું. જો કે સ્ટાર પ્રચારક સ્મૃતિ ઈરાની જ માસ્ક વગર જોવા મળ્યાં હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here