ભારત બંધને કોંગ્રેસ, તૃણમૂલ અને TRSનું સમર્થન : નવી રણનીતિ અંગે ખેડૂત સંગઠનોની બેઠક શરૂ.

0
18

નવા ખેડૂત કાયદાના વિરોધમાં ચાલી રહેલા આંદોલનને રવિવારે 11મો દિવસ છે. આ બધાની વચ્ચે કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ અને તેલંગાણા રાષ્ટ્ર સમિતિએ 8 ડિસેમ્બરે ખેડૂતોના ભારત બંધને સમર્થન આપવાની જાહેરાત કરી છે. તો આ તરફ નવી રણનીતિ અંગે ખેડૂત સંગઠનો વચ્ચે મહત્વની બેઠક ચાલી રહી છે.જેમાં આગળની યોજનાઓ અંગે ચર્ચા ચાલી રહી છે. સાથે જ પંજાબી સિંગર-એક્ટર દિલજીત દોસાંઝ દ્વારા ખેડૂતોને એક કરોડ રૂપિયાની મદદ કરવાના સમાચાર સામે આવ્યા છે. પંજાબી સિંગર સિંગાએ આ વાતનો ખુલાસો કર્યો છે.

અપડેટ્સ

  • ઓલમ્પિક મેડલિસ્ટ ભારતીય બોક્સર વિજેન્દર સિંહ સિંધૂએ બોર્ડર પહોંચીને ખેડૂત આંદોલનનું સમર્થન કર્યું. તેમણે કહ્યું કે, જો સરકાર કાળો કાયદો પાછો નહીં લે, તો હું મારો રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર પરત કરી દઈશ
  • મુંબઈમાં શિરોમણિ અકાલી દળના પ્રતિનિધિમંડળે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી. મુલાકાત પછી પ્રતિનિધિમંડળે જણાવ્યું કે, ઉદ્ધવે આંદોલન દરમિયાન ખેડૂતોના તમામ કાર્યક્રમોમાં સમર્થન કરવાનો વિશ્વાસ અપાવ્યો છે. તે બે સપ્તાહ પછી દિલ્હીમાં યોજાનારી બેઠકમાં પણ ભાગ લેશે. તેમણે ખેડૂત આંદોલનના સમર્થનની વાત પણ કહી છે.

આંદોલન સાથે વિપક્ષ

કોંગ્રેસે 8 ડિસેમ્બરે ભારત બંધમાં ખેડૂતોના સમર્થનની જાહેરાત કરી છે. પાર્ટી પ્રવક્તા પવન ખેડાએ જણાવ્યું કે, અમે આંદોલનના સપોર્ટમાં અમારી પાર્ટી ઓફિસમાં પ્રદર્શન કરીશું. આનાથી રાહુલ ગાંધીના ખેડૂત પ્રત્યેના સપોર્ટને મજબૂતાઈ મળશે. સાથે જ તેલંગાણાના મુખ્યમંત્રી અને તેલંગાણા રાષ્ટ્રીય સમિતિના અધ્યક્ષ કે ચંદ્રશેખર રાવે પણ ભારત બંધના સપોર્ટની જાહેરાત કરી. આ પહેલા TMC સાંસદ સુદીપ બંદોપાધ્યાયે કહ્યું હતું કે, પાર્ટી મજબૂતાઈ સાથે ખેડૂતોના સાથે ઊભી છે અને ભારત બંધમાં તેમનું પુરુ સમર્થન કરશે.

સિંગાએ સોશિયલ મીડિયા પર દિલજીતને સેલ્યૂટ કરી કહ્યું કે, ખેડૂતોના ગરમ કપડાં માટે દિલજીતે એક કરોડ રૂપિયા દાન કર્યા છે. આજકાલ તો લોકો 10 રૂપિયાનું દાન આપ્યા પછી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા માંડે છે, પણ આવડી મોટી મદદ કર્યા પછી પણ મેં આ વિશે અત્યાર સુધી કોઈ પોસ્ટ જોઈ નથી.

વડાપ્રધાન સાથે ચર્ચા પછી નિર્ણય લેવાશે

રાષ્ટ્રીય ખેડૂત મજૂર મહાસંઘના સંદીપ ગિડ્ડેએ કહ્યું કે, શનિવારે ખેડૂતો અને સરકાર વચ્ચે થયેલી વાતચીતમાં અમને ચેતવણી આપી કે જો કાયદો પાછો નહીં લેવામાં આવે, તો ખેડૂત મીટિંગનો બોયકોટ કરી દેશે. ત્યારપછી કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, કોમર્સ મિનિસ્ટર પીયૂષ ગોયલ અને રાજ્ય મંત્રી સોમ પ્રકાશે કહ્યું કે, તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરશે.ત્યારપછી તેમની અધ્યક્ષતામાં કેબિનેટ આ અંગે નિર્ણય લેશે.

મહારાષ્ટ્ર સાથેની બેઠકમાં સામેલ થવા આવેલા ગિડ્ડેના જણાવ્યા પ્રમાણે, મંત્રીઓએ કહ્યું કે, 9 ડિસેમ્બરે યોજાનારી બીજા તબક્કાની વાતચીત પહેલા વડાપ્રધાન સાથે ચર્ચાનો પ્રસ્તાવ તૈયાર કરી લેવામાં આવે અને મીટિંગમાં ખેડૂતો સાથે તેને શેર કરવામાં આવે.

પાંચમી વખતની મીટિંગનું પણ કોઈ પરિણામ નહીં
આ પહેલા આંદોલનના 10માં દિવસે શનિવારે ખેડૂત નેતાઓ સાથે સરકાર દિલ્હીના વિજ્ઞાન ભવનમાં બેઠક યોજાઈ હતી. પાંચમાં તબક્કાની બેઠક પછી પણ સરકાર અને ખેડૂતો વચ્ચે કોઈ નિવેડો ન આવ્યો અને સરકારે તેમનો પ્રસ્તાવ તૈયાર કરવા માટે 4 દિવસ વધુ માંગ્યા હતા. હવે આગામી બેઠક 9 ડિસેમ્બર થશે.

બેઠક દરમિયાન નેતા 3 સવાલો પર હાં અથવા નામાં જવાબ જાણવા માટે અડી ગયા હતા. તો આ તરફ બેઠક પછી સરકાર કહેવા લાગી કે અમે દરેક ગેરસમજણ દૂર કરવા માટે તૈયાર છીએ, પણ ખેડૂત સૂચન આપી દેતા તો સારુ રહેતું.

દિલ્હીની વિજ્ઞાન ભવનમાં યોજાયેલી મીટિંગમાં 40 ખેડૂત નેતા પહોંચ્યા હતા. જ્યારે ચાર કલાકની બેઠક થઈ તો છેલ્લા એક કલાકમાં ખેડૂતોએ મૌન સાધી લીધું હતું. મોઢા પર આંગળી રાખીને બેસી ગયા હતા. તેમણે સરકારને ત્રણ સવાલ કર્યા હતા અને કહ્યું કે, તેનો હા કે નામાં જવાબ આપો. પહેલો- સરકાર એ જણાવે કે તે કૃષિ કાયદાને ખતમ કરશે કે નહી? MSP ને આખા દેશમાં ચાલું રાખવામાં આવશે કે નહીં? અને નવા વીજળી કાયદાને બદલશે કે નહીં?

ખેડૂતોનું સરકારને અલ્ટીમેટમ

  • બેઠક દરમિયાન એક વખત વાત એટલી બગડી ગઈ કે ખેડૂત નેતાઓએ કહ્યું કે, સરકાર અમારી માંગ પુરી કરે, નહીં તો અમે મીટિંગ છોડીને જતા રહીશું.
  • ખેડૂતો સરકારને કહ્યું કે, અમે કોર્પોરેટ ફાર્મિંગ નથી ઈચ્છતા. આ કાયદાથી સરકારને ફાયદો થશે, ખેડૂતોને નહીં.
  • તેમણે કહ્યું કે, અમે છેલ્લા ઘણા સમયથી રસ્તા પર છીએ. અમારી પાસે એક વર્ષની વ્યવસ્થા છે. જો સરકાર એવું જ ઈચ્છે છે તો અમને કોઈ પ્રોબ્લેમ નથી.
  • લંચ બ્રેકમાં ખેડૂતોએ આજે પણ સરકારી ભોજન નહોતું લીધું, પણ પોતે લાવ્યા તે જ જમ્યાં હતા. તે પાણી અને ચા પણ સાથે લઈને આવ્યા હતા.

બેઠક પછી સરકારે કહ્યું- સૂચન મળ્યા હોત તો સારુ રહેતું
શનિવારે લગભગ પાંચ કલાકની બેઠક ખતમ થયા પછી કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે MSP અને APMC પર છેલ્લી બેઠકમાં કહેવી વાત ફરી કહી.

MSP- કૃષિ મંત્રીએ કહ્યું કે, મિનિમમ સપોર્ટ પ્રાઈઝની વ્યવસ્થા ચાલું રહેશે. આની પર કોઈ પણ પ્રકારનું જોખમ નથી. તેમ છતા કોઈના મનમાં શંકા છે તો સરકાર સમાધાન માટે પુરી રીતે તૈયાર છે.

APMC- તોમરે કહ્યું કે, આ એક્ટ રાજ્યનો છે અને APMC મંડીને કોઈ પણ પ્રકારે પ્રભાવિત કરવાનો અમારો ઈરાદો નથી. કાયદાકીય રીતે પણ તે પ્રભાવિત નહીં થાય. આના માટે ગેરસમજણ હોય તો સરકાર સમાધાન માટે તૈયાર છે.

સૂચન પણ જોઈએઃ કૃષિ મંત્રીએ કહ્યું કે, અમે ખેડૂતોને કહ્યું કે, સમાધાનનો રસ્તો શોધવાના પ્રયાસમાં જો ખેડૂતો પાસેથી સૂચન મળી જાય તો તે ઉચિત રહેશે. અમે રાહ જોઈશું.

વૃદ્ધ-બાળકોને ઘરે મોકલો- સરકારે કહ્યું કે, શિયાળાની ઋતુ છે. કોરોના સંકટ છે, એટલા માટે વૃદ્ધ અને બાળકોને ખેડૂત નેતા ઘરે મોકલી દે તો સારું રહેશે. ખેડૂતોને દિલથી આભાર માનું છું કે, તે અનુશાસન સાથે આંદોલન કરી રહ્યાં છે.

મોદી સરકારની સિદ્ધી ગણાવી- તોમરે કહ્યું કે, મોદી સરકાર ખેડૂતો પ્રત્યે પુરી રીતે પ્રતિબદ્ધ હતી, છે અને રહેશે. જો તમે મોદીજીના છ વર્ષની કામગીરીને જોશો તો ખેડૂતોની આવકમાં વધારો થયો છે. MSP વધી ગઈ છે. એક વર્ષમાં અમે 75 હજાર કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં મોકલ્યા છે. 10 કરોડ ખેડૂતોને 1 લાખ કરોડથી વધુ પૈસા આપી ચુક્યા છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here