દિલ્હી બાદ હવે હરિયાણામાં પણ કોંગ્રેસ અને AAPના રસ્તા અલગ થઇ ગયા છે. મળતી માહિતી અનુસાર પૂર્વ મુખ્યમંત્રી અને વિરોધ પક્ષના નેતા ભૂપિન્દર સિંહ હુડ્ડાએ જાહેરાત કરતા કહ્યું કે હરિયાણા વિધાનસભા ચૂંટણી કોંગ્રેસ એકલા જ લડશે. મહત્ત્વપૂર્ણ છે કે દિલ્હી લીકર કેસમાં AAPના સંયોજક અરવિંદ કેજરીવાલ અત્યારે જેલમાં છે.
એક દિવસ પહેલા આમ આદમી પાર્ટી (AAP) પણ હરિયાણામાં એકલા જ વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી ચુક્યુ છે. ગઠબંધન તૂટવાના સંકેત કેટલાક દિવસ પહેલા જ મળી ચુક્યા હતા. જ્યારે કોંગ્રેસના સાંસદ દીપેન્દર હુડ્ડાએ ઇન્ડિયા ગઠબંધનને લઇને નિવેદન આપ્યું હતું. દીપેન્દર હુડ્ડાએ કહ્યું હતું કે આમ આદમી પાર્ટી સાથે અમારૂ ગઠબંધન લોકસભા ચૂંટણી સુધી જ સીમિત હતું.
હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દર હુડ્ડાએ કહ્યું કે, “કોંગ્રેસની વોટ ટકાવારીમાં લગભગ 20 ટકાનો વધારો થયો છે. આ સ્પષ્ટ સંકેત છે કે લોકોએ કોંગ્રેસની સરકાર લાવવાનું મન બનાવી લીધું છે. અમે આમ આદમી પાર્ટી સાથે રાષ્ટ્રીય સ્તરે ગઠબંધન કર્યું છે રાજ્ય સ્તરે નથી કર્યું.”
લોકસભા ચૂંટણી 2024માં રાજ્યની 10 લોકસભા બેઠકમાંથી કોંગ્રેસનો 5 પર જ્યારે ભાજપનો 5 પર કબ્જો છે. એવામાં આ વખતે કાંટાની ટક્કર જોવા મળી શકે છે. ભાજપે લોકસભા ચૂંટણી પહેલા મોટુ પરિવર્તન કરતા JJP સાથે ગઠબંધન તોડી નાખ્યુ હતું અને અપક્ષોના દમ પર સરકાર ચલાવવાની વાત કહી હતી. પાર્ટીએ આ સાથે જ રાજ્યમાં 9 વર્ષથી સત્તામાં રહેલા મનોહરલાલ ખટ્ટરની જગ્યાએ નાયબ સિંહ સૈનીને નવા મુખ્યમંત્રી બનાવ્યા હતા.
મહત્ત્વપૂર્ણ છે કે 90 બેઠક ધરાવતી હરિયાણા વિધાનસભાની ચૂંટણીની જાહેરાત સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં કરવામાં આવી શકે છે. હરિયાણા વિધાનસભાનો કાર્યકાળ 3 નવેમ્બર 2024એ પૂર્ણ થઇ રહ્યો છે. હરિયાણાં છેલ્લા 10 વર્ષથી ભાજપની સરકાર છે.