અમરોલી સાયણ રોડ ઉપર આજે મંગળવારે સવારે કેમિકલ કમ એસિડના ડ્રેમ ભરેલા કન્ટેનર અચાનક પલ્ટી થયુ હતું. જેના લીધે રોડ ઉપર એસિડ ઢોળાતા ઘુમાડો નીકળતા ત્યાં ગભરાઇ ગયેલા લોકોમાં નાસભાગ અને ભયનો માહોલ જોવા મળ્યો હતો.
ફાયર સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ અંકલેશ્વર થી કન્ટેનરમાં કેમિકલ કમ એસીડના ડ્રેમ મુકીને હજીરા તરફ જવા નીકળ્યા હતા.તે સમયે આજે મંગળારે સવારે અમરોલી સાયણ રોડ પર વેદાંત સર્કલ પાસે કન્ટેનર અચાનક પલ્ટી થતા અકસ્માત સર્જાયો હતો. જેના લીધે કન્ટેનર માંથી એસિડ ભરેલા કેટલાક બેરેલ ફાટી ગયા હતા અને એસિડ રોડ ઉપર ઢોળાતા ત્યાં ઘુમાડો ફેલાઇ ગયો હતો.જેથી ત્યાં હાજર લોકોમાં એસિડને કારણે આંખોમાં બળતરા થવા અને શ્વાસ લેવામાં તકલીફ થવાની ફરિયાદો પણ ઉઠી હોવાનું સુત્રો કહ્યુ હતું. કોલ મળતા ફાયર લાશ્કરો ત્યાં પહોચીને પાણીનો છંટકાવ કરીને એસિડને ધોવાની કામગીરી શરૃ કરી હતી. બાદમાં પલ્ટી ગયેલા કન્ટેનરને ક્રેઇન વેડ ઉભુ કરીને સાઇડમાં મુક્યુ હતુ. જયારે ડ્રાઈવર અને ક્લીનર બચી ગયા હતા.જયારે ત્યાં જામ થયેલો ટ્રાફિક પોલીસે હળવો કર્યો હતો. એવુ ફાયર સુત્રો જણાવ્યું હતું.