રાજકોટ – વિવાદાસ્પદ બિલ્ડર કમલેશ રામાણીએ પૈસાની ઉઘરાણી મુદ્દે કર્યું ફાયરિંગ, ત્રણ સામે ફરિયાદ

0
0

ન્યૂઝ ડેસ્ક, સી એન 24 , રાજકોટ


રાજકોટ : 
વિવાદાસ્પદ બિલ્ડર કમલેશ રામાણી ફરીવાર ચર્ચામાં આવ્યો છે. રૂપિયાની લેતીદેતી મુદ્દે રામાણીને મૂળ સુરેન્દ્રનગરના અને હાલ રાજકોટ રહેતા 28 વર્ષીય દલિત યુવક ચેતન રાઠોડ સાથે બોલાચાલી થઈ હતી. જેને લઈ યુનિવર્સિટી રોડ પરના પેટ્રોલપંપ નજીક રામાણીએ હવામાં ફાયરિંગ કર્યું હતું. આ અંગે ભોગ બનનારે હત્યાનો પ્રયાસ તેમજ જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કર્યાની ફરિયાદ નોંધાવી છે. જેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.ચેતને ફરિયાદમાં જણાવ્યા મુજબ, દોઢેક વર્ષ પહેલા હું કમલેશ રામાણીની ગાડીનું ડ્રાઇવીંગ કરતો હતો. તે વખતે મને મારા ડ્રાઇવીંગના પૈસા નહિ અપાતાં મેં નોકરી મુકી દીધી હતી. ત્યારથી હું તેની પાસે મારા પૈસાની વારંવાર ઉઘરાણી કરતો હતો. અગાઉ પણ ફોન પર આ બાબતે બોલાચાલી થઇ હતી. ત્યારે પણ કમલેશે ગાળો આપી જ્ઞાતિ પ્રત્યે જેમ તેમ બોલી પતાવી દેવો છે તેવી ધમકી આપી હતી.

ગતરાત્રે હું અને મારો મિત્ર રવિ વાળા મારા ઘર પાસે બેઠા હતાં. એ વખતે લગભગ બાર વાગ્યે મેં કમલેશ રામાણીને લેણા પૈસા માટે ફોન કરતાં મને તેણે ગાળો દીધી હતી. એ પછી તેણે ‘તું કયાં છો?’ તેમ પુછતાં મેં તેને સામું કહ્યું હતું કે ‘તું કયાં છો?’ એ જણાવ એટલે આવી જાવ. એ પછી તેણે યુનિવર્સિટી રોડ પર આવેલા એચપી પેટ્રોલ પંપ પાસે રોડ પર આવી જવા કહેતાં હું અને મારો મિત્ર રવિ બંને એકટીવા જીજે૩જેજી-૦૮૪૫ ઉપર બેસીને પંપ પાસે ગયા હતાં.

બાદમાં કમલશ સિલ્વર કલરની ક્રેટા ગાડી સાથે આવ્યો હતો. અને તેની સાથે બીજા બે શખ્સો પણ હતાં. આ લોકો મને મારશે તેવી બીક લાગતાં હું એકટીવા લઇ મારા મિત્ર સાથે ત્યાંથી રવાના થઇ ગયો હતો. તે વખતે કારમાં બેઠેલા એક શખ્સે મને મારી નાંખવાના ઇરાદે ફાયરીંગ કર્યાનો અવાજ સંભળાયો હતો. પંચાયત ચોક પહોંચ્યા બાદ ગભરાઇ ગયો હોઇ મારુ એકટીવા સ્લપી થઇ જતાં હું રોડ પર પડી ગયો હતો. એ વખતે કાર આકાશવાણી ચોક તરફ જતી રહી હતી.

હું પડી ગયો હોવાથી મને જમણા ખભે અને જમણા ગાલે તથા હાથે-પગે ઇજા થઇ હતી. એ પછી હું પેટ્રોલ પંપે જતાં પોલીસ આવી હોવાની ખબર પડી હતી. દરમિયાન મારો મિત્ર રવિ વાળા પણ આવી ગયો હતો. કારમાં બેઠેલા ત્રણમાંથી કોઇ એકે પિસ્તોલ કે રિવોલ્વરથી ફાયરીંગ કર્યુ હતું. મારે કમલેશ રામાણી પાસે પૈસા લેવાના થતાં હોઇ તેની ઉઘરાણી માટે માથાકુટ થતાં મારી નાંખવાના ઇરાદે ફાયરીંગ કરાયું હોવાનો આક્ષેપ પણ તેણે કર્યો છે. જોકે તપાસમાં ફુટેલું કારટીસ ન મળતા પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here