કાર્ટૂન વિવાદ : વિવાદિત ફ્રેન્ચ મેગેઝિન શાર્લી હેબ્દોએ ફરી મોહમ્મદ પયગંબરનું કાર્ટૂન છાપ્યું, રાષ્ટ્રપતિએ હાથ ઉંચા કરી દીધા

0
16

વર્તમાન ઘટનાઓ અંગે વ્યંગચિત્રો અને કટાક્ષો માટે જાણીતા ફ્રેન્ચ મેગેઝિન શાર્લી હેબ્દોથી ફરીથી ઈસ્લામ ધર્મના પ્રવર્તક મોહમ્મદ પયગંબરનું કાર્ટુન પ્રકાશિત કરતાં વિવાદ સર્જાયો છે. અગાઉ 2015માં શાર્લી હેબ્દોએ પયગંબરનું કાર્ટુન પ્રસિદ્ધ કર્યું હતું એ પછી તેની ઓફિસ પર જીવલેણ આતંકી હુમલો થયો હતો. ઉલ્લેખનીય છે કે, ઈસ્લામમાં અલ્લાહ કે પયગંબરના ચિત્રણની મનાઈ છે અને આ પ્રકારની ચેષ્ટાને નાપાક તેમજ ધર્મવિરોધી માનવામાં આવે છે.

શું કર્યું શાર્લી હેબ્દોએ?

હાલ પ્રકાશિત થયેલ મેગેઝિનના કવર પેજ પર મોહમ્મદ પયગંબરના 12 કાર્ટૂન છાપવામાં આવ્યા છે, જે શાર્લી હેબ્દોમાં પ્રકાશિત થતાં પહેલાં ડેનમાર્કના એક ન્યૂઝ પેપરમાં છાપવામાં આવ્યા હતા. તેમાંથી એક કાર્ટૂનમાં મોહમ્મદ પયગંબરને પાઘડીની જગ્યાએ બોમ્બ પહેરેલા બતાવવામાં આવ્યા હતા. ચિત્રની ઉપર ફ્રેન્ચ હેડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે, ‘આ એક કાર્ટૂન માટે આટલું બધું?’

આ હુમલા પછી લગભગ છ મહિના સુધી ફ્રાન્સમાં જેહાદી હુમલાઓની હારમાળા ચાલી હતી
(આ હુમલા પછી લગભગ છ મહિના સુધી ફ્રાન્સમાં જેહાદી હુમલાઓની હારમાળા ચાલી હતી)

 

આજે જરૂરી હતું તેથી આ કાર્ટૂન ફરી છાપ્યું: તંત્રી

તંત્રી લેખમાં લખવામાં આવ્યું છે કે, વર્ષ 2015માં થયેલા હુમલા પછી લોકો પયગંબરના તે કાર્ટૂનને ફરી પ્રકાશિત કરવાની માગંણી કરતાં હતા. મેગેઝિનના તંત્રીએ લખ્યું છે કે, અમે હંમેશા તે કાર્ટૂન ફરી છાપવાની ના પાડી હતી. જોકે એ માટે પ્રતિબંધનો કોઈ મુદ્દો જ ન હતો. કાયદાએ તો અમને છૂટ આપેલી જ છે. પરંતુ કોઈ યોગ્ય કારણ હોય ત્યારે જ અમે એ પબ્લિશ કરવા માંગતા હતા જેથી અમારા પર અકારણ પબ્લિસિટીનો આરોપ ન લાગે. અગાઉ થયેલ હુમલાની હાલ ટ્રાયલ શરૂ થઈ રહી છે તો અમને કાર્ટુનના પુનઃ પ્રકાશન માટે આ યોગ્ય સમય લાગ્યો. આ પ્રકાશનથી અમે દુનિયાભરમાં એક સ્વસ્થ ચર્ચા શરૂ કરવા માંગીએ છીએ.

ફ્રાન્સના રાષ્ટ્રપતિએ કહ્યું- નો કમેન્ટ્સ

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોંએ કહ્યું છે કે, મેગેઝિનમાં કાર્ટૂન ફરી પ્રકાશિત કરવાના નિર્ણય વિશે તેઓ કોઈ ટીપ્પણી નહીં કરી. મેંક્રોએ કહ્યું કે, ફ્રાન્સે હંમેશા અભિવ્યક્તિની આઝાદી આપી છે. તેમણે કહ્યું કે, કોઈ પત્રકાર અથવા ન્યૂઝરૂમની સમાચાર પસંદગી વિશે ટીપ્પણી કરવી રાષ્ટ્રપતિ માટે યોગ્ય ન કહેવાય. કારણ કે અમારા દેશમાં પ્રેસને સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવેલી છે. જોકે ફ્રાન્સના નાગરિકોએ એકબીજા પ્રત્યે સન્માન દાખવીને નફરત ફેલાવે તેવા નિવેદનોથી બચવું જોઈએ.

2015માં થયેલા આ આતંકી હુમલામાં 12 કાર્ટૂનિસ્ટના મોત થયા હતા
(2015માં થયેલા આ આતંકી હુમલામાં 12 કાર્ટૂનિસ્ટના મોત થયા હતા)

 

અગાઉ શું થયું હતું?

વર્ષ 2015માં પયગંબરનું ચિત્ર છાપ્યા પછી શાર્લી હેબ્દોની ઓફિસ પર આતંકી હુમલો થયો હતો. એ કેસમાં ઝડપાયેલા 14 આરોપીઓ પર બુધવારે અદાલતી કાર્યવાહી શરૂ થવાની છે ત્યારે મંગળવારે શાર્લી હેબ્દોએ ફરીથી આવી ચેષ્ટા કરી છે. 2015ના હુમલામાં મેગેઝિનના કાર્ટુનિસ્ટ સહિત 12 લોકોના મોત થયા હતા. એ પછી તરત જ પેરિસમાં પણ આતંકી હુમલો થયો હતો જેમાં 5 લોકોએ જીવ ગુમાવ્યો હતો. એ હુમલાના તાર પણ શાર્લી હેબ્દોના ચિત્રણ સાથે જોડાયેલા હતા. એ પછી લગભગ છ મહિના સુધી ફ્રાન્સમાં જેહાદી હુમલાઓની હારમાળા ચાલી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here