રાજસ્થાનનો ચર્ચાસ્પદ ગેંગરેપ કેસ : પતિની નજર સામે પત્નીને જંગલમાં ખેંચી જઈ બળાત્કાર કરનારા ચારેય દોષિતોને આજીવન કેદ,

0
9

રાજસ્થાનના અલવર જિલ્લાના થાનાગાજી ગેંગરેપ કેસમાં મંગળવારે કોર્ટે તમામ પાંચ આરોપીને દોષી જાહેર કર્યા છે, જેમાંથી 4 દોષિતને આજીવન કેદ તો ઘટનાનો વિડિયો વાઇરલ કરનારા પાંચમા દોષિતને 5 વર્ષની સજા સંભળાવાઈ છે. કોર્ટે ચુકાદામાં કહ્યું હતું કે ગેંગરેપની આ ઘટના દ્રૌપદીના ચીરહરણ જેવી છે. એમાં સજા એવી હોવી જોઈએ કે દુષ્કર્મની ઘટનાઓની અમરવેલ (પરોપજીવી વેલ પણ અહીં સતત બની રહેલી ઘટનાઓના સંદર્ભમાં ઉલ્લેખિત છે)ને કાપી શકાય. આ ઘટના 26 એપ્રિલ, 2019ના રોજ ધોળા દિવસે બની હતી. એમાં પતિની સામે જ પત્ની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો. દોષિતોએ આ ઘટનાનો વિડિયો પણ બનાવ્યો હતો. વિડિયો વાઇરલ થયા પછી 2 મે એટલે કે 6 દિવસ પછી થાનાગાજી પોલીસ સ્ટેશનમાં એનો કેસ નોંધાયો હતો.

પોલીસે 16 દિવસમાં કોર્ટમાં ચલણ રજૂ કર્યું હતું

કોર્ટે ચાર દોષિત- ઈન્દ્રાજ, અશોક, છોટેલાલ અને હંસરાજને આજીવન કેદની સજા ફટકારી છે. આ ચારેય પર 1-1 લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. વિડિયો વાઇરલ કરવાના દોષિત મુકેશને 5 વર્ષની સજા મળી છે. આ કેસમાં પોલીસે એફઆઈઆર નોંધ્યાના 16 દિવસમાં જ કોર્ટમાં ચલણ રજૂ કર્યું હતું. આ કેસમાં કિશોરવયનો પણ અપરાધી છે. તેની વિરુદ્ધ અલવરના જુવેનાઈલ બોર્ડમાં સુનાવણી ચાલી રહી છે.

થાનાગાજી ગેંગરેપ કેસ

થાનાગાજીનું રહેવાસી યુગલ બાઈક પર જઈ રહ્યું હતું ત્યારે પાંચ યુવકોએ તેમનો પીછો કર્યો અને તેમને અટકાવ્યાં હતાં. તેના પછી દોષિતો પતિ-પત્નીને જબરદસ્તીથી જંગલમાં લઈ ગયા હતા. ત્યાં મહિલાની સાથે પતિની નજર સામે ગેંગરેપ કર્યો હતો. આ ઘટના પછી પીડિત પતિ-પત્ની પોલીસ સ્ટેશન પહોંચ્યાં હતાં, પરંતુ પોલીસે ચૂંટણીમાં વ્યસ્ત હોવાની વાત કરીને કેસ નોંધ્યો નહોતો.

પીડિતાને મળવા માટે રાહુલ ગાંધી ગયા હતા

ગેંગરેપની ઘટનાનો વિડિયો વાઇરલ થયા પછી દેશભરમાં એ અંગે જોરદાર પ્રતિક્રિયાઓ આવી હતી. એ પછી ગેહલોત સરકારે ઉતાવળે કાર્યવાહી કરી હતી. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ થાનાગાજી ગેંગરેપ પીડિતને મળવા તેના ઘરે પહોંચ્યા હતા. રાહુલે પીડિતના ઘરે જ એક પ્રેસ-કોન્ફરન્સ પણ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here