રસોઈ ગેસના ભાવમાં ફરી 25 રૂપિયા વધ્યા : આ વર્ષે અત્યારસુધીમાં 125 રૂપિયા મોંઘું થયું ગેસ-સિલિન્ડર.

0
4

સરકારી ઓઈલ કંપનીઓએ આજે ગેસ-સિલિન્ડરની કિંમતોમાં વધારો કર્યો છે. 14.2 કિલોગ્રામના સબસિડી વગરના સિલિન્ડરના ભાવમાં 25 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં સબસિડી વગરનું LPG સિલિન્ડર હવે 25 રૂપિયા મોંઘું થઈને 819 રૂપિયા થયું છે. પહેલાં એની કિંમત 794 રૂપિયા હતી. 2021માં જ રસોઈ ગેસ-સિલિન્ડર 125 રૂપિયા મોંઘું થયું છે. 1 જાન્યુઆરીએ એની કિંમત 694 રૂપિયા હતી, જે હવે 819 રૂપિયા થઈ છે.

ફેબ્રુઆરીમાં ત્રણ વખત મોંઘું થયું ગેસ-સિલિન્ડર

ફેબ્રુઆરીમાં ઘરેલું LPG સિલિન્ડરના ભાવ 3 વખત વધ્યા હતા. સરકારે 4 ફેબ્રુઆરીએ LPGના ભાવમાં 25 રૂપિયાનો વધારો કર્યો હતો. એ પછી 15 ફેબ્રુઆરીએ 50 રૂપિયા અને 25 ફેબ્રુઆરીએ 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

1 ડિસેમ્બરથી અત્યારસુધી 225 રૂપિયાનો વધારો થયો

1 ડિસેમ્બરે ઘરેલું ગેસ-સિલિન્ડર 594 રૂપિયાથી વધીને 644 રૂપિયા થયું હતું. 1 જાન્યુઆરીએ ફરીથી 50 રૂપિયા વધારવામાં આવ્યા, જે પછી 644 રૂપિયાવાળું સિલિન્ડર 694 રૂપિયા થયું. 4 ફેબ્રુઆરીએ કરવામાં આવેલા વધારા પછી એની કિંમત 644 રૂપિયાથી વધારીને 719 રૂપિયા થઈ છે. 15 ફેબ્રુઆરીએ 719 રૂપિયાથી 769 રૂપિયા થઈ અને 25 ફેબ્રુઆરીએ 25 રૂપિયા ભાવ વધવાથી એની કિંમત 769 રૂપિયા થઈ હતી. હવે આજના વધારા પછી એની કિંમત 819 રૂપિયાએ પહોંચી ગઈ છે.

ડિસેમ્બરમાં બે વખત ભાવ વધ્યા હતા

જાન્યુઆરીમાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ LPGની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી. જોકે ડિસેમ્બરમાં બે વખત કમર્શિયલ અને ઘરેલું ગેસ-સિલિન્ડરની કિંમતોમાં વધારો થયો હતો. ડિસેમ્બરમાં દિલ્હીમાં કમર્શિયલ ગેસ-સિલિન્ડર 91.50 રૂપિયા મોંઘો થયું હતું, જ્યારે ઘરેલું ગેસ-સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો વધારો થયો હતો.

સરકાર 12 ગેસ-સિલિન્ડર પર સબસિડી આપે છે

સરકાર એક વર્ષમાં પ્રત્યેક ગેસ-કનેક્શન માટે 14.2 કિલોગ્રામનાં 12 સિલિન્ડરો પર સબસિડી આપે છે. ગ્રાહકે દરેક સિલિન્ડર પર સબસિડી સહિત કિંમત ચૂકવવાની હોય છે. પછીથી સબસિડીના પૈસા ખાતામાં પરત જાય છે. જો ગ્રાહક આના કરતાં વધુ સિલિન્ડર લેવા માગે છે તો તેણે બજારમૂલ્ય પર ખરીદવા પડે છે.

ઓઈલ કંપનીઓ દર મહિને LPG સિલિન્ડરની કિંમતોની સમીક્ષા કરે છે. એમાં વધારા કે ઘટાડાનો આધાર ઈન્ટરનેશનલ બજારમાં ક્રૂડની કિંમત અને અમેરિકન ડોલરના એક્સચેન્જ રેટ પર નિર્ભર કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here