દેશમાં કોરોનાના કેસ : પંજાબ સહિત અનેક રાજ્યોમાં નાઈટ કરફ્યૂ

0
3

દેશમાં કોરોનાના કેસમાં સતત થઈ રહેલા વધારાથી કેન્દ્ર અને રાજ્ય સરકારોની ચિંતા વધી ગઈ છે. ભારતમાં શનિવારે કોરોનાના નવા ૨૫,૦૦૦ જેટલા કેસ નોંધાયા હતા, જે આ વર્ષે એક દિવસમાં સૌથી વધુ કેસ છે. આ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા ૧.૧૩ કરોડને પાર થઈ ગઈ છે. દેશમાં ૫૩ દિવસમાં પહેલી વખત એક્ટિવ કેસની સંખ્યા બે લાખને પાર થઈ છે. વધુમાં દેશના છ રાજ્યો મહારાષ્ટ્ર, પંજાબ, કેરળ, ગુજરાત, તામિલનાડુ અને કર્ણાટકમાં કોરોનાના સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં નાપગુરમાં એક સપ્તાહના લોકડાઉન પછી હવે પંજાબ, મધ્ય પ્રદેશ સહિતના રાજ્યોમાં નાઈટ કરફ્યુ લાદવાનો નિર્ણય લેવાયો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે, દેશમાં શનિવારે કોરોનાના નવા ૨૪,૮૮૨ કેસ નોંધાયા હતા, જે આ વર્ષે અત્યાર સુધીમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. દેશમાં છેલ્લા ૮૩ દિવસમાં કોરોનાના કેસ પહેલી વખત ૨૫,૦૦૦ નજીક પહોંચ્યા છે. આ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા ૧,૧૩,૩૩,૭૨૮ થઈ છે. દેશમાં શનિવારે કોરોનાથી વધુ ૧૪૦નાં મોત સાથે કુલ મૃત્યુઆંક ૧,૫૮,૪૪૬ થયો હતો.

ભારતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૨,૦૨,૦૨૨ થઈ હતી, જે કુલ કેસના ૧.૭૪ ટકા જેટલા છે. દેશમાં છેલ્લા ૫૩ દિવસમાં પહેલી વખત કોરોનાના એક્ટિવ કેસ બે લાખને પાર ગયા છે. ભારતમાં કોરોનાથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૧,૦૯,૭૩,૨૬૦ થઈ છે. પહેલી વખત રીકવરી રેટ ઘટીને ૯૬.૮૨ ટકા થયો છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યા મુજબ દેશમાં શુક્રવારે ૮,૪૦,૬૩૫ સહિત શુક્રવાર સુધીમાં કોરોનાની તપાસ માટે કુલ ૨૨,૫૮,૩૯,૨૭૩ લોકોના સેમ્પલ લેવાયા છે.

દેશમાં કોરોના મહામારી સામેની લડાઈમાં શનિવારે એક જ દિવસમાં કોરોનાની રસીના ૨૦ લાખથી વધુ ડોઝ અપાયા હતા, જે અત્યાર સુધીમાં રસીકરણ અભિયાનમાં એક દિવસમાં સૌથી વધુ અપાયેલા ડોઝ છે. આ સાથે દેશમાં કુલ ૪,૮૬,૩૧૪ સત્રો મારફત કુલ ૨.૮૨ કરોડથી વધુ (૨,૮૨,૧૮,૪૫૭) રસીના ડોઝ અપાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૦.૫૪ લાખ ડોઝમાંથી ૭૪ ટકા ડોઝ આઠ રાજ્યોમાં અપાયા.

નાગપુરમાં લોકડાઉન પૂર્વે બજારમાં લોકોની ભીડ ઉમટી હતી.

દેશમાં કોરોનાની સ્થિતિ વકરી છે અને છેલ્લા કેટલાક દિવસમાં કેસ સતત વધી રહ્યા છે. જોકે, કોરોનાના કેસ છ રાજ્યો મહારાષ્ટ્ર, પંજાબ, કેરળ, ગુજરાત, તામિલનાડુ અને કર્ણાટકમાં સૌથી વધુ વધી રહ્યા છે. દિલ્હીમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. મહારાષ્ટ્રમાં નાગપુરમાં ફરી એક વખત સોમવારથી એક સપ્તાહનું લોકડાઉન લાગુ કરાશે. મહારાષ્ટ્રમાં પરભણી અને અકોલા પછી હવે ઔરંગાબાદ અને નાસિકમાં પણ સપ્તાહના અંતે નાઈટ કરફ્યુ લાદવામાં આવ્યો છે.

મહારાષ્ટ્ર પછી હવે પંજાબ અને મધ્ય પ્રદેશના અનેક વિસ્તારોમાં પણ નાઈટ કરફ્યૂ લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે. પંજાબે કોરોનાના વધતા કેસને પગલે રાજ્યમાં ફરી એક વખત બધી જ સ્કૂલ-કોલેજો બંધ કરવાનો આદેશ આપ્યો છે. શનિવારથી જ આ આદેશનો અમલ શરૂ થઈ ગયો છે. મધ્ય પ્રદેશમાં પણ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે સોમવારથી ઈન્દોર અને ભોપાલમાં નાઈટ કરફ્યૂ લાગુ કરવાની આશંકા વ્યક્ત કરી છે. રાજ્યમાં શુક્રવારે કોરોનાની સ્થિતિની સમિક્ષા કર્યા પછી તેમણે આ સંકેતો આપ્યા હતા.

રાજધાની દિલ્હીમાં પણ કોરોનાના કેસ વધવા લાગ્યા છે. દિલ્હીમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૪૩૧ નવા કેસ સામે આવ્યા છે. શુક્રવારે દિલ્હીમાં દક્ષિણ આફ્રિકી કોરોના વાઈરસનો શંકાસ્પદ દર્દી મળ્યો હતો. કેરળનો ૩૫ વર્ષીય રહેવાસી બુધવારે જ દક્ષિણ આફ્રિકાથી પાછો ફર્યો હતો. નવા સ્ટ્રેનની તપાસ માટે તેના સેમ્પલ દિલ્હી સ્થિત નેશનલ સેન્ટર ફોર ડિસીસ કંટ્રોલ લેબને મોકલી અપાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here