સંક્રમણ : દાદરા નગર હવેલીમાં કોરોના વિસ્ફોટ, દવા બનાવતી સનફાર્મા કંપનીના 14 કર્મચારીઓ પોઝિટિવ ,પ્લાન્ટ કરાયો બંધ

0
10

વલસાડ. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં કોરોના વિસ્ફોટ થયો છે. દવા બનાવતી કંપની સન ફાર્માના ક્વોલિટી કંટ્રોલ વિભાગમાં ફરજ બજાવતો ગણદેવી તાલુકાને યુવાન ગઈકાલે સંક્રમીત થયો હતો. બાદમાં આજે 14 કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેથી દાદરા ખાતે આવેલા પ્લાન્ટને બંધ કરી દેવામાં આવ્યો છે. તમામ પોઝિટિવ દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. સાથે જ તેમના સંપર્કમાં આવેલા અન્ય લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે. તંત્ર દ્વારા અન્ય કર્મચારીઓને ચેપ ન લાગે તે માટે પ્લાન્ટ બંધ કરી દઈને સેનિટાઈઝેશન સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.

પ્લાન્ટમાં હાઈડ્રોક્લોરોક્વિન દવા બનાવતા હતાં
દાદરા ખાતે આવેલા સનફાર્માના આ પ્લાન્ટમાં કોરોના માટે વપરાતી હોઈડ્રોક્લોરોક્વિન દવા બનાવવામાં આવતી હતી. અહિં અન્ય પણ દવાઓ બનાવવામાં આવતી હતી. જો કે, હાલ કર્મચારીઓમાં આવેલા કોરોના રિપોર્ટને લઈને દવાના આ યુનિટને બંધ કરી દેવામાં આવ્યું છે. તંત્ર દ્વારા ફરતી પ્લાસ્ટિકની પટ્ટી મારી દઈને આવન જાવન પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.

કર્મચારીઓના પરિવારને ક્વોરન્ટીન કરાયા
સનફાર્મા કંપનીના જે 14 કર્મચારીઓમાં કોરોના પોઝિટિવ આવ્યો છે તેમના પરિવારને પણ ક્વોરન્ટીન કરી દેવામાં આવ્યાં છે. તંત્ર દ્વારા કર્મચારીઓના ઘરે પણ સેનિટાઈઝેશન કરવામાં આવ્યું છે. કર્મચારીઓના પરિવારજનો પણ અન્ય કોઈ જગ્યાએ ટ્રાવેલિંગ ન કરે અને તેમના સ્થાને જ રહે તથા તેમને પણ કોઈ અસર જણાય કે કોરોનાના લક્ષણો દેખાય તો રિપોર્ટ કરાવવા તાકીદ કરવામાં આવી છે.