મહેસાણામાં કોરોના : 16 દિવસમાં સંક્રમણ દર 18.41% ઘટ્યો

0
4

મહેસાણા જિલ્લામાં કોરોનાનું પીકઅપ આવ્યા બાદ હવે સંક્રમણ ઘટી રહ્યું છે. સોમવારે માત્ર 37 કેસ નોંધાયા હતા. જેમાં રાહતની બાબત એ છે કે, મહેસાણા અને વિસનગર શહેરને બાદ કરતાં જિલ્લાના અન્ય 5 શહેરો તેમજ 10 પૈકી જોટાણા, ખેરાલુ, સતલાસણા અને વડનગર એમ 4 તાલુકામાં એકપણ કેસ નોંધાયો નથી.

કોરોનાના કેસ ઘટવા પાછળ આરોગ્ય વિભાગ તેમજ તબીબોના મતે લોકોની સંક્રમણને લઇ જાગૃતિ જવાબદાર છે. 37 કેસમાં શહેરી વિસ્તારના 19 અને ગ્રામ્યના 18 કેસ છે. જ્યારે 269 દર્દીઓ સાજા થતાં રજા અપાઇ હતી. જ્યારે એક્ટિવ કેસ ઘટીને 1765 થયા છે. સોમવારે 674 લોકોના કોરોના સેમ્પલ લેવાયાં હતાં.

જિલ્લામાં છેલ્લા 8 દિવસની સ્થિતિ જોઇએ તો આરોગ્ય વિભાગ દ્વારા લેવાયેલા 3957 સેમ્પલમાંથી 290 કેસ સામે આવ્યા છે. એટલે કે સંક્રમિતોનો રેશિયો માત્ર 7.32%નો રહ્યો છે. જોકે, આ 8 દિવસમાં ખાનગી લેબમાં 461 કેસ નોંધાયા હતા. જે જોતાં કુલ 721 કેસ સામે આવ્યા છે.

આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં ગત તા.9 થી 16 મે સુધીમાં 5673 સેમ્પલ લેવાયા હતા. જે પૈકી 1460 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. એટલે કે સરકારી સેમ્પલિંગમાં પોઝિટિવ રેશિયો 25.73%નો રહ્યો છે. જેની સામે ગત તા.17 થી 24 મે સુધીના 8 દિવસમાં વિભાગ દ્વારા 3957 સેમ્પલ લેવાયા છે. જે પૈકી 290 પોઝિટિવ કેસ આવ્યા છે. એટલે કે પોઝિટિવ કેસનો રેશિયો 7.32% નો રહ્યો છે. એટલે કે, પ્રથમ 8 દિવસની સરખામણીમાં છેલ્લા 8 દિવસમાં સંક્રમણનો રેશિયો 18.41% જેટલો ઘટ્યો છે. તબીબોના મતે, આંશિક લોકડાઉન અને લોકોની જાગૃતતાને કારણે સંક્રમણ પર નિયંત્રણ આવી રહ્યું છે. આ સ્થિતિ યથાવત રહેશે તો હજુ પણ કેસ ઘટશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here