રાજકોટમાં કોરોના : ગઈકાલે 24 અને આજે 31 દર્દીઓનાં મોત જયારે સરકારી ચોપડે માત્ર 5 ના મોત

0
6

રાજકોટમાં કોરોના કેસની સંખ્યાની સાથોસાથ મોતની સંખ્યામાં પણ જેટ ગતિએ વધારો નોંધાઇ રહ્યો છે. હોસ્પિટલોમાં દર એક કલાકે એક દર્દીનું મોત નીપજી રહ્યું છે. પણ તંત્ર દ્વારા સત્ય છુપાવવાની કોશિષ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે શહેરમાં 24 દર્દીના મોત અને આજે 31 દર્દીઓના મોત નિપજ્યા છે, જયારે સરકારી ચોપડે માત્ર 5 દર્દીઓના મૃત્યુ થયાનું નોંધવામાં આવ્યા છે. જેમાં રાજકોટના સ્મશાનમાં કોવીડથી મૃત્યુ પામેલા દર્દીઓની અંતિમવિધિના આંકડા તપાસતા ભારે વિસંગતતા જોવા મળી છે, જે મુજબ ગઈકાલે રાજકોટના સ્મશાન અને કબ્રસ્તાનમાં કુલ 53 અંતિમવિધિ કોરોના ગાઈડલાઈન મુજબ કરવામાં આવી છે, જેમાં બાપુનગર સ્મશાનમાં 18, મોટા મોવા સ્મશાનમાં 12,મવડી સ્મશાનમાં 11, રામનાથપરા સ્મશાનમાં 9, અને કબ્રસ્તાનમાં કોરોના ગાઈડલાઈન મુજબ 3 અંતિમવિધિ કરવામાં આવી છે. જોકે આ મોત અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે. પરંતુ તંત્રની આંકડાની માયાજાળ અહીં સ્પષ્ટપણે જોવા મળે છે.હાલ તંત્ર દ્વારા છેલ્લા ચાર દિવસથી મોતનો આંક વધતા ઇલેટ્રિક સ્મશાનમાં મૃતકના પરિવારજનોએ વેઇટિંગમાં રહેવું પડે છે, જેના કારણે મૃતકના પરિવારજનોને લાકડા થી અંતિમ સંસ્કાર કરવાની પરવાનગી આપવામાં આવી છે

રાજકોટમાં ઓક્સિજનની જરૂરિયાતવાળા 230 દર્દીઓની ડેડિકેટેડ કોરોના હેલ્થ કેર સેન્ટરમાં સારવાર

રાજકોટ શહેર તથા જિલ્લામાં ઓક્સિજનની જરૂરિયાતવાળા કુલ 230 દર્દીની ડેડિકેટેડ કોરોના હેલ્થ કેર સેન્ટર અને કોવિડ કેર સેન્ટર ખાતે સારવાર કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારના અને રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કેન્સર હોસ્પિટલ ખાતે ડેડિકેટેડ કોરોના હેલ્થ કેર યુનિટ ચલાવવામાં આવી રહ્યું છે. અહીં ઓક્સિજનની જરૂરિયાતવાળા 177 દર્દીઓ અને ઓક્સિજનની જરૂરિયાત ન હોય તેવા 15 દર્દીઓની સમાવેશ ક્ષમતા છે. આ યુનિટ ખાતે પંડિત દીનદયાળ હોસ્પિટલ ખાતેથી ભલામણ કરાયેલા દર્દીઓને કોરોનાની સારવાર આપવામાં આવે છે. અહીં હાલ 180 દર્દીઓને કોરોનાની સારવાર અપાઇ રહી છે, તેમ ડો. ઇલ્યાસ જુણેજાએ જણાવ્યું હતું.

સમરસ હોસ્ટેલમાં 124 ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓ માટે બેડ ઉપલબ્ધ

જ્યારે સમરસ હોસ્ટેલ ખાતે કોરોનાની સારવાર માટે બે સરકારી એકમો કાર્યરત કરાયા છે. ડેડિકેટેડ કોરોના હેલ્થ કેર યુનિટ અને કોવિડ કેર સેન્ટર સમરસ હોસ્ટેલ ખાતે હાલ બે માળ પર મળીને કુલ 124 ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓ માટે બેડ ઉપલબ્ધ છે, જે પૈકી પંડિત દીનદયાળ હોસ્પિટલ ખાતેથી ભલામણ કરાયેલા 50 દર્દીઓને કોરોનાની સારવાર આપવામાં આવી રહી છે. બે દિવસમાં સમરસ હોસ્ટેલ ખાતે વધારાના બે માળ પર અન્ય 112 દર્દીઓ માટે ઓક્સિજનસભર બેડની સુવિધા પ્રાપ્ત થઇ શકશે. આથી અહીં કુલ 236 ઓક્સિજનવાળા બેડ ઉપલબ્ધ થઇ શકશે તેમ ડો. મેહુલ પરમારે જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here