સુરત શહેર જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો ઘટાડો થઈ રહ્યો છે. જોકે, કેસ 10ની નીચે હોવાથી થોડી રાહત છે. બીજી તરફ રસીકરણ પણ તેજ કરી દેવામાં આવ્યું છે. આજે માત્ર બીજો ડોઝ લેનારને રસી આપવામાં આવી રહી છે. કોવિન એપ અને વેબમાંથી એપાઈન્ટમેન્ટ લેનારા માટે અલગ વ્યવસ્થા પાલિકા દ્વારા કરવામાં આવી છે. કોરોના પોઝિટિવ કેસનો આંક 1,43,555 પહોંચી ગયો છે. આ સાથે દરરોજ મ્યુકોરમાઇકોસિસના કેસ પણ નોંધાઈ રહ્યા છે. મ્યુકોરના નવો 1 દર્દી હોસ્પિટલમાં દાખલ થયો હતો. હાલ કોરોના રિક્વરી રેટ 98.50 ટકા થયો છે.
કુલ પોઝિટિવની સંખ્યા 1,43,555 થઈ
ગતરોજ શહેરના રાંદેરમાં 2 અને લિંબાયત-અઠવા 1-1 કેસ સાથે 4 અને જિલ્લામાં એક પણ કેસ સામે આવ્યો નથી. જેને પગલે શહેર જિલ્લામાં કુલ પોઝિટિવની સંખ્યા 1,43,555 પર પહોંચી ગઈ છે. એકપણ વ્યક્તિએ કોરોનામાં જીવ ખોયો ન હતો. અત્યાર સુધીમાં 2114 લોકોના મોત કોરોનાને લીધે થયા હોવાનું સરકારી ચોપડે નોંધાયું છે. શહેરમાં ગત રોજ 2 લોકો કોરોના મુક્ત બન્યા હતા. હાલ શહેર જિલ્લામાં કોરોનાના કુલ 55 એક્ટિવ કેસ છે.
7.97 લાખ લોકોને સેકન્ડ ડોઝ અપાયો
શહેરમાં 53014નું રસીકરણ થયું છે. આ સાથે શહેરમાં પ્રથમ ડોઝ મુકાવનારની સંખ્યા 25 લાખને પાર થઇ છે. શહેરમાં 33,53,904ને રસી મુકવાનો ટાર્ગેટ છે. જેની સામે 25,33,316 મુજબ 75 ટકાને પ્રથમ ડોઝ મુકાયો છે. જ્યારે 7.97 લાખ લોકોને સેકન્ડ ડોઝ અપાયો છે. શહેરમાં પ્રથમ અને બીજા ડોઝ મળી કુલ 33,30,833 ડોઝ અપાયા છે. શહેરમાં 2011ની વસ્તી ગણતરી મુજબ 18થી 44 વર્ષમાં 21,05,594 અને 45થી વધુ વયના 12,48,310ને રસી આપવાનો ટાર્ગેટ છે.શહેરમાં છેલ્લા બે વીકથી કામગીરી પૂરજોશમાં ચાલું છે. દૈનિક 45 હજારથી લઇ 50 હજાર સુધી ડોઝ અપાઈ રહ્યા છે. આજે શહેરના 99 સેન્ટર પરબીજા ડોઝ માટે રસીકરણની વ્યવસ્થા કરવામાં આવી છે.
મ્યુકોરમાં સામાન્ય વધારો
મ્યુકોરમાઇકોસિસમાં નવી સિવિલમાં વધુ એક દર્દી મળી 12 દર્દી દાખલ છે.જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં નવા એક દર્દી સાથે 3 દર્દી સારવાર હેઠળ છે. અત્યાર સુધીમાં સિવિલમાં 45 અને સ્મીમેરમાં 25 મળી કુલ 70 દર્દીઓ મોતને ભેટ્યાં છે.