દિલ્હીમાં કોરોનાથી 24 કલાકમાં 118 લોકોના મોત, આજથી 2 હજારનો દંડ ફટકારાશે, નોઈડા-ગુરુગ્રામમાં એલર્ટ.

0
5

દિલ્હીમાં કોરોના સંક્રમણ પર કાબૂ મેળવવાના દરેક પ્રયાસ નિષ્ફળ સાબિત થઈ રહ્યાં છે. દેશની રાજધાનીમાં દર દિવસે કોરોનાના આંકડા વધી રહ્યાં છે. સ્થિતિ એવી છે કે દિલ્હીનું સંક્રમણ હવે NCRના વિસ્તાર પર પણ અસર દેખાડવા લાગ્યું છે. નોઈડા અને ગુરુગ્રામ બોર્ડર પર રેન્ડમ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.શુક્રવારે મોડી રાત સુધીના આંકડાઓ પ્રમાણે 24 કલાકામાં કોરોનાથી 118 લોકોના મોત થયા છે જ્યારે 6608 કોરોનાના નવા દર્દી નોંધાયા છે.

મૃતકઆંક 8 હજારને પાર

દિલ્હીમાં દરરોજ કોરોનાના નવા આંકડા જોખમને નોતરી રહ્યાં છે. અહીંયા હવે કોરોનાથી મરનાર લોકોનો આંકડો 8 હજાર 159 સુધી પહોંચી ગયો છે. શુક્રવારે મોડી રાત સુધીના આંકડાઓ પ્રમાણે 24 કલાકામાં કોરોનાથી 118 લોકોના મોત થયા છે જ્યારે 6608 કોરોનાના નવા દર્દી નોંધાયા છે જેની સાથે જ સંક્રમિતોનો આંકડો 5.17 લાખથી વધુ થઈ ગયો છે. દિલ્હીમાં કોરોનાના વધતા આંકડાથી NCRમાં પણ મહામારીનો પગપેસારો થવાની આશંકા છે.

શુક્રવારે સામે આવેલા આંકડાઓના જણાવ્યા પ્રમાણે, નોઈડામાં હાલ કોરોનાના 1400થી વધુ એક્ટિવ કેસ છે. નોઈડામાં અત્યાર સુધી કોરોનાના 21,000થી વધુ કેસ નોંધાઈ ચુક્યા છે, જ્યારે 74 લોકોના મોત થયા છે. કોરોનાના સંક્રમણને અટકાવવા માટે નોઈડા અને ગુરુગ્રામ બોર્ડર પર રેન્ડમ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.

બચાવના પ્રયાસ શરૂ

દિલ્હીમાં કોરોનાના વધતી જીવલેણ અસરને ધ્યાનમાં રાખી બચાવના પ્રયાસ કરાઈ રહ્યાં છે. તો આ તરફ સારવાર માટે હોસ્પિટલમાં ICU અને બીજી અન્ય સુવિધાઓ પર પણ કામ ચાલી રહ્યું છે. દિલ્હીમાં માત્ર કોરોના કેસ નથી વધી રહ્યાં પણ કોરોનાથી જીવ ગુમાવી રહેલા લોકોનો આંકડો પણ રેકોર્ડ તોડી રહ્યો છે. આ જ કારણે દિલ્હીના સ્મશાન ઘાટમાં ચિતાને અગ્નિદાહ આપવા માટે વેઈટિંગ ચાલી રહ્યું છે, તો કબ્રસ્તાનમાં પણ આ જ સ્થિતિ છે.

નિયમોને નજરઅંદાજ કરશો તો 2000નો દંડ

દિલ્હીમાં વધી રહેલા કોરોના સંક્રમણને જોતા રાજ્ય સરકારે નિયમો સખત કર્યા છે. દિલ્હીમાં કોરોના ગાઈડલાઈન્સને નજરઅંદાજ કરવા માટે 2000 રૂપિયાના દંડની જોગવાઈ કરી છે. પહેલા આ દંડ 500 રૂપિયા હતો. માસ્ક ન પહેરવું, ક્વોરન્ટિનના નિયમોનો ભંગ કરવો. સોશિયલ ડિસટન્સિંગનું પાલન ન કરવું અને સાર્વજનિક સ્થળો પર થૂંકવા અંગે હવે 2 હજાર રૂપિયાનો દંડ થશે.

દિલ્હી બોર્ડર પર રેન્ડમ ટેસ્ટિંગ કરાશે

હરિયાણા સરકારે દિલ્હીની સરહદ પાસે આવેલા શહેરોમાં બોર્ડર પર ટેસ્ટ કરાવવાનો નિર્ણય કર્યો છે. ગુરુગ્રામમાં દાખલ થઈ રહેલા વાહન ચાલકોને ટોલ ટેક્સ પર કોવિડ ટેસ્ટ થઈ રહ્યો છે. સાઈબર સિટીના ભીડ વાળા વિસ્તારથી માંડી મોલ, સરકારી ઓફિસમાં રેન્ડમ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. ગુરુગ્રામમાં માત્ર નવેમ્બરમાં 11,000 કોરોનાના કેસ નોંધાઈ ચુક્યાં છે. જેમાંથી 63 લોકોના મોત થઈ ચુક્યા છે.

તો આ તરફ કોરોના સામે જંગ લડી રહેલા મુંબઈમાં પણ દિલ્હીના નવા સંક્રમણથી બચવા માટે વિચારણા કરવામાં આવી રહી છે. જેના માટે મહારાષ્ટ્ર સરકાર મુંબઈથી દિલ્હી વચ્ચે ટ્રેન અને એર સર્વિસને અટકાવવાની તૈયારી કરી રહી છે. મુંબઈમાં BMCએ ડિસેમ્બર સુધી શાળા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.