દેશમાં ટૂંક સમયમાં તૈયાર થશે કોરોનાની દવા, જીવલેણ વાયરસ સામે કારગત નીવડશે

0
7

દેશમાં કોરોનાનો કહેર યથાવત્ છે. પહેલી વખત એક દિવસમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 21 હજારની નજીક પહોંચી છે. આરોગ્ય મંત્રાલયેના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 20,903 નવા કેસ સામે આવ્યાં છે. જ્યારે 379 દર્દીઓના મૃત્યું થયા છે.

ઝડપથી વધતા કોરોના વાયરસના સંક્રમણની વચ્ચે સારા સમાચાર આવી રહ્યા છે. સ્વાસ્થય મંત્રાલયના સૂત્રો મુજબ, દેશમાં ટૂંક સમયમાં કોવૈક્સીન (COVAXIN) લૉન્ચ થઈ શકે છે. આ વેક્સીનને ફાર્માસ્યૂટિકલ કંપની ભારત બાયોટેકએ તૈયાર કરી છે. ICMRએ ભારત બાયોટેકને કહ્યું છે કે ક્લિનિકલ ટ્રાયલના તમામ એપ્રૂવલ વહેલી તકે લઈ લેવામાં આવે અને 7 જુલાઈથી ટ્રાયલ માટે રજિસ્ટ્રેશન શરૂ કરી દો. તે બાદ જો તમામ ટ્રાયલ યોગ્ય રીતે થયાં તો આશા છે કે 15 ઓગસ્ટ સુધી કોવેક્સિન લૉન્ચ કરવામાં આવે. સૌપ્રથમ ભારત બાયોટેકની વેક્સીન માર્કેટમાં આવી શકે છે.

નોંધનીય છે કે, હૈદરાબાદની ફાર્મા કંપની ભારત બાયોટેક તરફથી જણાવવામાં આવ્યું છે કે તેને COVAXINના ફેઝ-1 અને ફેઝ-2ના હ્યૂમન ટ્રાયલ માટે DCGIની પણ મંજૂરી મળી ગઈ છે. કંપનીએ જણાવ્યું કે અમારા તરફથી તૈયારી પૂરી થઈ ગઈ છે અને અમે ટૂંક સમયમાં હ્યૂમન ટ્રાયલ શરૂ કરીશું. કંપનીએ જણાવ્યું કે ટ્રાયલનું કામ જુલાઈના પહેલા સપ્તાહમાં જ શરૂ કરી દેવામાં આવશે.

દેશમાં કોરોનાના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ગુરૂવારે દેશમાં સૌથી વધુ 21 હજાર 947 જેટલા કેસ સામે આવ્યા છે, તો અત્યાર સુધીમાં 6 લાખ 27 હજાર 168 કેસ નોંધાયા છે. અને 18 હજાર 225 જેટલા લોકોના મોત થયા.. દેશમાં સૌથી વધુ 1 લાખ 86 હજાર જેટલા કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. તો 8 હજાર 178 જેટલા લોકોના મોત થયા છે. મહારાષ્ટ્ર બાદ તમિલનાડુમાં 98 હજાર 392 કેસ તો દિલ્હીમાં 92 હજાર જેટલા કેસ નોંધાયા છે. આ ઉપરાંત ગુજરાત, ઉત્તર પ્રદેશ, પશ્વિમ બંગળ સહિતના રાજ્યોમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે.