કોરોના નડયો : ભારતના તિરંદાજોની ઓલિમ્પિક માટેની શક્યતા ધૂંધળી બનતી જાય છે

0
8

ભારતમાં કોરોનાના ભયજનક રીતે વધતા કેસથી વિશ્વના દેશો સાવધ થઇ ગયા છે. જેની સીધી અસર ઓલિમ્પિક માટે તૈયારી કરવા માટે જે ખેલાડીઓ વિદેશ ટ્રેનિંગ કે ક્વોલિફાઇંગ ટુર્નામેન્ટમાં રમવા જવા માંગે છે તેને વિદેશી એમ્બેસી વિઝા નથી અપાતા તે રીતે પડી છે.

ભારતના તિરંદાજો (આર્ચરી)ની ટીમ સ્વીત્ઝર્લેન્ડના લાઉસાનેમાં યોજાનાર વર્લ્ડકપ સ્ટેજ ટુ ટુર્નામેન્ટમાં ભાગ લેવા જવાની હતી પણ ભારતના પ્રવાસીઓ અમારા માટે ભયજનક છે તેવું કારણ આપીને તેઓને વિઝા આપવામાં નથી આવ્યા. આ કારણે હવે ભારતના તિરંદાજોની ઓલિમ્પિક માટેની શક્યતા ધૂંધળી બનતી જાય છે.

હવે ભારતના તિરંદાજોને આગામી ૨૩ જૂનથી પેરિસમાં યોજાનાર સ્ટેજ થ્રી વર્લ્ડકપમાં ભાગ લેવો પડશે અને તેમાં વધુ ચઢિયાતો દેખાવ કરવાનો રહેશે. જો કે પેરિસ માટે પણ વિઝા મળે છે કે કેમ તે પ્રશ્નાર્થ તો રહેશે જ.

આર્ચરી એસોસિએશનના સેક્રેટરી જનરલ પ્રમોદ ચાંદુહરે કહ્યું હતું કે ૧૭-૨૩ મે દરમ્યાન લુઆસાનેની સ્ટેજ ટુ વર્લ્ડ કપ માટે અમારે શોર્ટ વિઝા જ જોઇતા હતા જે અમને નથી મળ્યા.

ટોકિયો ઓલિમ્પિક માટે ભારતની મેન્સ ટીમ અને વિમેન્સ ઈન્ડિવિડયુઅલ ઈવેન્ટ માટે ક્વોલિફિકેશન મળ્યું છે પણ મહિલા ટીમને આ વિઝા રદ થતા ઓલિમ્પિક બર્થ માટે પેરિસ માટેના વિઝા અને વધુ પોઇન્ટ મેળવવા સંઘર્ષ કરવો પડશે. હવે એસોસિએશને ફ્રાંસ ફેડરેશનને લખવાનું વિચાર્યું છે કે તેઓને ૧૦ દિવસના ક્વોરન્ટાઇનમાં પ્રેકટિસ કરવાની છૂટ આપવામાં આવે.

વર્લ્ડકપના સ્ટેજ વનમાં ટીમના હેડ કોચનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા જ ભારતને સ્પર્ધામાંથી બહાર કરાયું હતું પણ પછીથી ફેરચકાસણીમાં બહાર આવ્યું હતું કે આ રીપોર્ટ ખોટો હતો. કોચ નેગેટિવ જ હતા પણ તે દરમ્યાન ટુર્નામેન્ટમાંથી ભારત બહાર થઇ ગયું હતું.

ભારતની રીઝર્વ ટીમે ગયા મહિને વર્લ્ડકપમાં ત્રણ ગોલ્ડ અને એક બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here