કોરોના પોઝિટિવ નીતુ સિંહ, મનીષ પોલ મુંબઈમાં તો વરુણ ધવન-ફિલ્મ ડિરેક્ટર રાજ મહેતા ચંદીગઢમાં આઇસોલેશનમાં

0
0

‘જુગ જુગ જિયો’ના સેટ પર ત્રણ કલાકારો તથા ડિરેક્ટર એમ ચાર સેલેબ કોરોના પોઝિટિવ આવ્યા છે. અનિલ કપૂર તથા કિઆરા અડવાણીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. નીતુ સિંહ, વરુણ ધવન તથા મનિષ પોલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને ડિરેક્ટર રાજ મહેતા પણ કોરોના પોઝિટિવ છે. વરુણ ધવને હાલમાં જ સોશિયલ મીડિયામાં કોરોના પોઝિટિવ હોવાની વાત કહી હતી. ફિલ્મની ટીમ ગયા મહિનાથી ચંદીગઢમાં ફિલ્મનું શૂટિંગ કરતી હતી. સેટ પર કોરોનાના ચાર કેસ આવતા હાલ પૂરતું શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું છે.

વરુણ ધવને કહ્યું, કાળજી રાખો

વરુણ ધવને કહ્યું હતું, ‘વિટામિન ફ્રેન્ડ્સ, મહામારીના સમયમાં હું કામ પર પરત ફર્યો અને મને કોવિડ 19નો ચેપ લાગ્યો. પ્રોડક્શને તમામ પ્રકારની સાવધાની રાખી હોવા છતાંય જીવનમાં કંઈ જ નક્કી હોતું નથી અને તેમાંય ખાસ કરીને કોવિડ 19. મહેરબાની કરીને વધુ પડતી કાળજી લો. હું માનું છું કે મારે હજી વધુ સાવચેતી રાખવાની જરૂર હતી. રોજ મને જલદી સાજા થઈ જવાના મેસેજ આવે છે અને મારો ઉત્સાહ વધારે છે. આભાર.’ વરુણ ધવન તથા ડિરેક્ટર રાજ મહેતાએ ચંદીગઢમાં જ આઈસોલેશનમાં રહેવાનો નિર્ણય કર્યો હતો.

મનિષ પોલ હાલમાં મુંબઈ

મનિષ પોલને તાવ આવતો હોવાથી તે મુંબઈ પરત ફર્યો હતો. અહીંયા આવીને તેણે ટેસ્ટ કરાવ્યો હતો અને તે પોઝિટિવ આવ્યો હતો.

નીતુ સિંહ સ્પેશિયલ એર એબ્યુલન્સમાં મુંબઈ આવ્યા

કોરોના પોઝિટિવ આવ્યા બાદ નીતુ સિંહ ચંદીગઢમાં જ ક્વૉરન્ટીન થયા હતા. જોકે, તેમના દીકરા રણબીર કપૂરે સ્પેશિયલ એર એમ્બ્યુલન્સથી નીતુ સિંહને મુંબઈ બોલાવી લીધા હતા. હાલમાં નીતુ સિંહ મુંબઈમાં જ હોમ આઈસોલેશનમાં છે.

અનિલ કપૂરે કહ્યું હતું, મારો રિપોર્ટ નેગેટિવ છે

પહેલાં એવી ચર્ચા હતી કે અનિલ કપૂર પણ કોરોના પોઝિટિવ છે. જોકે, અનિલ કપૂરે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને કહ્યું હતું, ‘તમામ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકવા માટે. મારો કોવિડ 19નો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. તમારી ચિંતા તથા શુભકામનાઓ માટે આભાર.’ શૂટિંગ બંધ હોવાને કારણે અનિલ કપૂર મુંબઈ પરત ફર્યાં હતાં.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here