Wednesday, September 22, 2021
Homeકોરોના કવચ : ગુજરાતમાં 18+ના 55 હજાર યુવાનોએ ડોઝ લીધો
Array

કોરોના કવચ : ગુજરાતમાં 18+ના 55 હજાર યુવાનોએ ડોઝ લીધો

ગુજરાતમાં 18થી 45 વર્ષના નાગરિકોને કોરોના સામેની રસી આપવાનું શનિવારથી શરૂ થઇ ગયું અને આ હેઠળ આવરી લેવાયેલાં દસ જિલ્લાઓમાં કુલ 55,235 લોકોએ રસીનો પહેલો ડોઝ લઇ લીધો હતો. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી 1.24 કરોડ લોકો કોરોના કવચ મેળવી ચૂક્યા છે. ગુજરાતે પ્રથમ દિવસે 60 હજાર લોકોને રસી આપવાનું લક્ષ્યાંક સેવ્યું હતું જે પૈકી 92 ટકા જેટલી સિદ્ધિ હાંસલ કરી છે.

દેશના 9 રાજ્યો મહારાષ્ટ્ર, ઓડિશા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ, કર્ણાટક, દિલ્હી, જમ્મુ અને કાશ્મીર, પંજાબ, તમિલનાડુમાં રસીકરણ શરૂ થયું છે, તેમાં ગુજરાત સૌથી વધુ લક્ષ્યાંક સિદ્ધિ સાથે પ્રથમ રહ્યું હતું. ગુજરાતે કોરોનાના સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતાં 7 મહાનગરો તેમજ 3 જિલ્લા મહેસાણા, કચ્છ તેમજ ભરૂચમાં 18 થી 45 ની વયજૂથના નાગરિકો માટે રસીકરણની કામગીરી શરૂ કરી છે. આ પૈકી સૌથી વધુ રસી અમદાવાદ શહેરમાં 12 હજાર કરતાં વધુ નાગરિકોએ લીધી હતી. સરકાર પાસે હાલ 3 લાખ ડોઝ આ માટે ઉપલબ્ધ છે. આ જોતાં મહત્તમ આગામી ગુરુવાર સુધી આ રસીકરણ ચાલી શકે છે.

રાજ્ય સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્ય સરકારે વધુ રસીના ડોઝ માટે જણાવ્યું છે અને તે આવતાં દિવસોમાં આવી પહોંચે તો યુવાન નાગરિકોને રસીકરણની પ્રક્રિયા સતત ચાલું રહેશે. જો કે 15મી મે સુધીમાં દરેક જિલ્લાને આવરી લઇ રસીકરણ શરૂ થાય તેવી શક્યતા છે. આ લક્ષ્યાંક સિદ્ધિ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આરોગ્યકર્મીઓને અભિનંદન આપ્યાં હતાં.

લોકો રજિસ્ટ્રેશન પછી એસએમએસ ન આવ્યો હોવાની ફરિયાદો લઇને કેન્દ્રો પર પહોંચ્યાં
વારંવારની સૂચના છતાં ઘણાં રસીકરણ કેન્દ્રો પર લોકો મોબાઇલમાં રજિસ્ટ્રેશન કરાવ્યું છતાં એસએમએસ નહીં આવ્યો હોવાની ફરિયાદો લઇને પહોંચ્યા હતાં. જો કે રસીકરણ માટે રજિસ્ટ્રેશન બાદ તેનું શિડ્યુલ નક્કી કરવાનું જરૂરી છે, જે કોવિન વેબસાઇટ અને આરોગ્ય સેતુ એપ્લિકેશન પર છે. શિડ્યુલિંગ માટે નાગરિકો પોતાના વિસ્તારના પિનકોડ એન્ટર કરીને રસીકરણ કેન્દ્રોની માહિતી મેળવે છે. તેમાંથી કોઇ એક કેન્દ્ર પસંદ કરી રસીકરણ માટેનો સમયગાળો પસંદ કરાવી શિડ્યુલિંગ પ્રક્રિયા પૂર્ણ થયે જ એસએમએસ મળે છે.

યુવાનોને રસી અપાતાં રસીકરણ તેજ બન્યું, શનિવારે 2.17 લાખ ડોઝ અપાયાં
છેલ્લાં કેટલાંક દિવસથી રસીકરણનો દૈનિક આંકડો 1.60 લાખ આસપાસ રહેતો હતો. પરંતુ યુવાન નાગરિકોનું રસીકરણ શરૂ થતાં આ આંકડો શનિવારે 2.17 લાખે પહોંચ્યો છે. 18થી 45 વર્ષના નાગરિકોને 55 હજારથી વધુ તેમજ 45થી વધુ વયના નાગરિકો ઉપરાંત હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટ લાઇન વર્કર્સને અપાયેલી રસીના પ્રથમ અને બીજો ડોઝ મળીને કુલ ૧,૬૧,૮૫૮ રસીના ડોઝ આપવામાં આવેલ છે.

ગુજરાતમાં વેક્સિનેશન

18 થી 44નાંને રસી 55,235
શનિવારે કુલ 2,17,093
રાજ્યમાં કુલ 1,23,04,359
પહેલો ડોઝ 98,11,863
બીજો ડોઝ 24,92,496

​​​​​​​ગુજરાતમાં 18 વર્ષથી 44 વર્ષ સુધીના લોકો માટે કોરોના વેક્સિનેશનના પહેલા દિવસે વેક્સિન લેવા યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો પણ આ ઉત્સાહમાં ઘણી બેદરકારી પણ દેખાઇ. 18 વર્ષથી વધુનાને રસીના પહેલા દિવસે અંકલેશ્વરના નોબરિયા સ્કૂલ વેક્સિનેશન સેન્ટર ખાતે અરાજકતાનો માહોલ સર્જાયો. વેક્સિન લેવા લોકોએ સવારે 7 વાગ્યાથી લાઈનો લગાવી હતી. જોકે, મોડા પડેલા કર્મચારીઓ આવતાં લોકોએ હલ્લાબોલ કરીને ટોકન મેળવવા તેમ જ પોતાનું રજિસ્ટ્રેશન ચેક કરવા ભારે ધક્કામુક્કી કરી હતી. કેટલાક યુવકો દરવાજા પર ચઢી જતાં અરાજકતા સર્જાઈ હતી, જેને પગલે પોલીસ બોલાવવી પડી હતી. આખરે પોલીસે લોકોને સમજાવ્યા હતા. દોઢેક કલાક સુધી ચાલેલા આ ઘટનાક્રમને કારણે રસીકરણ મોડું શરૂ થયું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments