દેશમાં કોરોનાની સ્થિતિ : છેલ્લા 24 કલાકમાં 1.95 લાખ નવા કેસ નોંધાયા, જે છેલ્લા 42 દિવસમાં સૌથી ઓછા

0
6

દેશમાં કોરોનાની બીજી લહેર નબળી પડી રહી છે. સોમવારે 1 લાખ 95 હજાર 685 લોકોમાં સંક્રમણની પુષ્ટિ થઈ હતી. આ આંકડો છેલ્લા 42 દિવસમાં સૌથી ઓછો છે. આ પહેલાં 13 એપ્રિલ 1 લાખ 85 હજાર 306 લોકો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું.

જોકે મૃત્યુઆંક સરકાર અને લોકો માટે ચિંતાનું કારણ છે. સોમવારે દેશમાં 3,496 લોકોએ કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. રાહતની વાત છે કે આ દરમિયાન 3 લાખ 26 હજાર 671 લોકોએ કોરોનાને માત આપી હતી. આ રીતે એક્ટિવ કેસની સંખ્યામાં, એટલે કે સારવાર લઈ રહેલા દર્દીઓમાં 1 લાખ 34 હજાર 572નો ઘટાડો નોંધવામાં આવ્યો છે.

દેશમાં કોરોના મહામારીના આંકડા…

છેલ્લા 24 કલાકમાં કુલ નવા કેસ આવ્યા:

1.95 લાખ

છેલ્લા 24 કલાકમાં કુલ સાજા થયા:

3.26 લાખ

છેલ્લા 24 કલાકમાં કુલ મૃત્યુ:

3,496

અત્યારસુધીમાં કુલ કેસ: 

2.69 કરોડ

અત્યારસુધી સાજા થયા:

2.40 કરોડ

અત્યારસુધીમાં કુલ મૃત્યુ:

3.07 લાખ

હાલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની કુલ સંખ્યા: 

25.81 લાખ

19 રાજ્યમાં લોકડાઉન જેવા પ્રતિબંધો

દેશનાં 19 રાજ્યમાં પૂર્ણ લોકડાઉન જેવા પ્રતિબંધો છે. તેમાં હિમાચલ પ્રદેશ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તામિલનાડુ, મિઝોરમ, ગોવા, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને પુડુચેરી સામેલ છે. અહીં અગાઉના લોકડાઉન જેવા જ કડક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે.

13 રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન

દેશનાં 13 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન છે, એટલે કે અહીં પ્રતિબંધો તો છે જ, જોકે છૂટ પણ છે. એમાં પંજાબ, જમ્મુ-કાશ્મીર, લદાખ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, મેઘાલય, નાગાલેન્ડ, આસામ, મણિપુર, આંધ્રપ્રદેશ અને ગુજરાત સામેલ છે.

કોરોનાં અપડેટ્સ…

નબળી પડી રહેલી કોરોનાની બીજી લહેર વચ્ચે એક અન્ય રાહતપૂર્ણ સમાચાર છે. સરકારના જણાવ્યા અનુસાર, હજી સુધી એવા કોઈ સંકેત નથી કે કોરોનાની ત્રીજી લહેરની બાળકો પર ગંભીર અસર થશે. અત્યારસુધી એવું કહેવામાં આવી રહ્યું હતું કે આનાથી બાળકોને સૌથી વધુ અસર થશે.

બ્લેક ફંગસ વિશે દિલ્હી AIIMSના ડિરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે કોરોના સાથે બ્લેક ફંગસના કેસ સામે આવી રહ્યા છે. બ્લેક ફંગસની સારવાર લાંબા સમય સુધી ચાલુ રહે છે. ઘણી વખત સર્જરી પણ કરાવવી પડે છે. ઘણા લોકો કોરોના પોઝિટિવ પણ હોય છે. સારવાર દરમિયાન તેમનો રિપોર્ટ નેગેટિવ આવે છે. આવી સ્થિતિમાં હોસ્પિટલ સમક્ષ પડકાર એ છે કે આવા દર્દીઓ માટે બે વોર્ડ બનાવવા પડી રહ્યા છે.

ડો.ગુલેરિયાએ કહ્યું હતું કે બ્લેક ફંગસ સંક્રમિત નથી. આનાં કેટલાંક લક્ષણો છે, જે કોરોના પછી જોવા મળે છે. જો લક્ષણો 4-12 અઠવાડિયાં સુધી જોવામાં આવે છે, તો પછી એને ગોઇંગ સિમ્પ્ટોમેટિક અથવા પોસ્ટ-એક્યૂટ કોવિડ સિન્ડ્રોમ કહે છે. જો લક્ષણો 12 અઠવાડિયાંથી વધુ સમય સુધી દેખાય છે, તો એને પોસ્ટ કોવિડ સિન્ડ્રોમ કહેવામાં આવે છે.

મુખ્ય રાજ્યોની સ્થિતિ…

1. મહારાષ્ટ્ર

અહીં સોમવારે, 22,122 લોકો પોઝિટિવ મળી આવ્યા હતા. 42,320 લોકો સાજા થયા અને 361 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં 56.02 લાખ લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે. તેમાંથી 51.82 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 89,212 લોકો મૃત્યુ પામ્યા છે. હાલમાં 3.27 લાખ દર્દી સારવાર લઈ રહ્યા છે.

2. ઉત્તરપ્રદેશ

સોમવારે અહીં 3,894 લોકોને સંક્રમણ લાગ્યું હતું. 11,918 લોકો સાજા થયા અને 153 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં 16.73 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 15.77 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 19,362 દર્દી મૃત્યુ પામ્યા હતા. અહીં 76,703 દર્દીની સારવાર કરવામાં આવી રહી છે.

3. દિલ્હી

દિલ્હીમાં સોમવારે 1550 લોકોમાં કોરોના પોઝિટિવ જોવા મળ્યો હતો. 4375 લોકો સાજા થયા અને 207 લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં 14.18 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 13.70 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 23,409 દર્દી મૃત્યુ પામ્યા છે. 24,578ની સારવાર અહીં કરવામાં આવી રહી છે.

4. છત્તીસગઢ

સોમવારે 4,162 લોકોને કોરોના સંક્રમણ લાગ્યું હતું. 8,715 લોકો સ્વસ્થ થયા અને 59 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં 9.53 લાખ લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે. તેમાંથી 8.79 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 12,645 દર્દી મૃત્યુ પામ્યા છે.

5. ગુજરાત

સોમવારે રાજ્યમાં 3,187 લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા હતા. 9,305 લોકો સાજા થયા અને 45 લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં 7.91 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 7.13 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 9,621 દર્દી મૃત્યુ પામ્યા છે. અહીં 68,971 લોકોની સારવાર કરવામાં આવી રહી છે.

6. મધ્યપ્રદેશ

​​​​​​​સોમવારે રાજ્યમાં 2,936 લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા હતા. 6,989 લોકો સ્વસ્થ થયા અને 60 લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં 7.67 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 7.06 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 7,618 લોકો મૃત્યુ પામ્યા છે. અહીં 53,653 દર્દી સારવાર લઈ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here