Tuesday, October 26, 2021
Homeચોમાસુ સત્ર પહેલા ગુજરાતના તમામ ધારાસભ્યોના કોરોના ટેસ્ટ, કોંગ્રેસના 4 અને ભાજપના...
Array

ચોમાસુ સત્ર પહેલા ગુજરાતના તમામ ધારાસભ્યોના કોરોના ટેસ્ટ, કોંગ્રેસના 4 અને ભાજપના 2 MLA સહિત 6ના રિપોર્ટ પોઝિટિવ

કોરોનાની મહામારી વચ્ચે 21મી સપ્ટેમ્બરથી વિધાનસભાના ચોમાસુ સત્ર શરૂ થશે. આ સત્રમાં 24 જેટલા સરકાકરી વિધેયક પસાર થશે. જો કે સત્ર પહેલા મંત્રીઓ સહિત તમામ ધારાસભ્યોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં કોંગ્રેસના ચાર અને ભાજપના બે ધારાસભ્યના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ટેસ્ટિંગમાં કોંગ્રેસના ચાર ધારાસભ્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં પુનાભાઈ ગામીત(વ્યારા), નાથાભાઈ પટેલ(ધાનેરા) અને વિરજીભાઈ ઠુંમર(લાઠી), જશુ પટેલ(બાયડ-માલપુર)નો સમાવેશ થાય છે. જ્યારે ભાજપના પારડીના ધારાસભ્ય કનુ દેસાઈ અને સાણંદના ધારાસભ્ય કનુ પટેલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ આ તમામ ધારાસભ્યોને વિધાનસભામાં એન્ટ્રી નહીં આપવામાં આવે અને તેમને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.

CMOમાં 4, વિધાનસભા અને મંત્રીઓના સ્ટાફમાં 5-5ને કોરોના સંક્રમણ

જ્યારે શનિવારે થયેલા ટેસ્ટ માટેના રાઉન્ડમાં જ વિધાનસભા, સીએમ કાર્યાલય અને મંત્રીઓના સ્ટાફ મળીને કુલ 14 કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. સ્વર્ણિમ સંકુલ-1 અને 2માં કોરોના સંક્રમણને લઇને કર્મચારીઓમાં પણ ચિંતા વ્યાપી છે. જેમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં 4, વિધાનસભા અને મંત્રીઓના સ્ટાફના 5-5 કર્મચારીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.

કોંગ્રેસના ધારાસભ્યોએ પ્રેક્ષક ગેલેરીમાં બેસવું પડશે

વિધાનસભામાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, તમામ મંત્રીઓ સહિત 171 ધારાસભ્યો માટે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાંથી કોંગ્રેસના 79 ધારાસભ્યની સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને પ્રેક્ષક ગેલેરીમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ વખતે પ્રેક્ષક ગેલેરીમાં બેઠેલા ધારાસભ્યએ પ્રેક્ષક ગેલેરીમાંથી કોઈ પણ પ્રશ્નની રજૂઆત કરવી પડશે.

5 દિવસમાં કુલ 6 બેઠકો યોજવામાં આવશે

કોરોનાની મહામારીને કારણે વિધાનસભામાં સંક્રમણ અટકાવવા માટે પ્રશ્નોતરીકાળને રદ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આ સત્રમાં વિધાનસભાની કાર્યવાહી 5 દિવસ ચાલશે. જેમાં 6 બેઠકો યોજવામાં આવશે. જેમાં કુલ 21 જેટલા વિધેયક પસાર કરવામાં આવશે. પ્રથમ દિવસની બીજી બેઠકમાં 2 કલાકનો સમય કોરોના વોરિયર્સની ચર્ચા માટે ફાળવવામાં આવ્યો છે.

દરરોજ 10 કલાક સુધી સત્રની કામગીરી ચાલશે

ચોમાસુ સત્રમાં પાંચ દિવસ માટે દરરોજ 10 કલાક વિધાનસભાની કામગીરી ચાલશે. પ્રવર્તમાન કોરોનાની સ્થિતિને કારણે સમગ્ર વહીવટી તંત્ર અને સચિવોને વિવિધ જિલ્લામાં સંક્રમણ અટકે તેની જવાબદારી આપવામાં આવી છે. તેથી સચિવો પણ સંકલનમાં જિલ્લાના હેડક્વાર્ટરમાં ફરજ પર છે. તેથી વિધાનસભા અધ્યક્ષને વિનંતી કરાઈ છે કે તરાંકિત પ્રશ્નોતરી ના આવે, અધ્યક્ષ સૂચવશે તો ટૂંકી મુદતના પ્રશ્નોનો સમાવેશ થશે.

આરોગ્ય મંત્રી નીતિન પટેલ કોરોના વોરિયર્સની કામગીરીને બિરદાવશે

રાજ્યમાં કોરોના કાળના વિપરીત સંજોગોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કોરોના વોરિયર્સની કામગીરીને બિરદાવવા માટે નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલ દ્વારા સરકારી સંકલ્પ રજૂ કરાશે. જે 24 વિધેયકો રજૂ થવાના છે તેમાં મુખ્યત્વે ગુંડા ધારા એક્ટ, પાસાના કાયદામાં સુધારો, ભૂમાફિયા એક્ટ અને મહેસૂલી સેવાના રજિસ્ટર એક્ટ અંગેના વિધેયકો પસાર કરીને જનહિત લક્ષી નિર્ણય લેવાશે.

વિધાનસભામાં ધારાસભ્યોના ડ્રાઇવર અને પીએને પ્રવેશ પર પ્રતિબંધ

ગેલેરી 1માં 26 ધારાસભ્યો, ગેલેરી 2માં 21, ગેલેરી 3માં 13 અને ગેલેરી 4માં 19 ધારાસભ્યોની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. બીજી તરફ, આ સત્રમાં અધ્યક્ષે એવો નિર્ણય કર્યો છે કે વિધાનસભાની કાર્યવાહી દરમિયાન મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત રાજ્ય પ્રધાનમંડળમાં મંત્રીઓના કોઈપણ મુલાકાતીને વિધાનસભામાં પ્રવેશ આપવામાં નહીં આવે. એટલું જ નહીં, ધારાસભ્યોના અંગત મદદનીશ (પી.એ) તેમના ડ્રાઈવર કે અન્ય કોઈપણ વ્યક્તિને વિધાનસભામાં પ્રવેશ આપવામાં નહીં આવે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments