કોરોના અપડેટ અમદાવાદ : હોટ સ્પોટ અમદાવાદમાં 7 વર્ષની બાળકી સહિત 7 કોરોના પોઝિટિવ કેસ, કુલ આંક 38

0
37

અમદાવાદ. હોટસ્પોટ અમદાવાદમાં કોરોના પોઝિટિવ કેસો વધુ 7 કેસો નોંધાયા છે. અમદાવાદમાં જે કેસ નોંધાયા છે તેમાં 7 વર્ષની બાળકી પણ પોઝિટિવ છે. ગઈકાલે રામનવમી પર એકેય કેસ નોંધાયો ન હતો. રાજ્યમાં સામે આવેલા કોરોના પોઝિટિવના આજના તમામે તમામ કેસ અમદાવાદના છે. આ સાથે જ અમદાવાદમાં કોરોના પોઝિટિવનો આંક 38 થયો છે અને કોરોનાથી મોતને ભેટનાર દર્દીઓ 3 છે.

Corona Update LIVE Ahmedabad 3rd april 2020
તાવ આવે તો જ ટેસ્ટ થાય છે

સમગ્ર દેશ અને રાજ્યની સરખામણીમાં અમદાવાદમાં પોઝિટિવ કેસની ટકાવારી સૌથી વધુ છે. ગુરુવારના આંકડા મુજબ દેશભરમાં થયેલા કુલ ટેસ્ટ અને તેમાં પોઝિટિવ કેસની ટકાવારી 4.72 ટકા છે. જ્યારે રાજ્યમાં આ ટકાવારી 4.78 ટકા છે. પરંતુ અમદાવાદમાં આ ટકાવારી 5 ટકા છે. આ ટકાવારી વધુ હોવા અંગે એક ઉચ્ચ અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું કે,હાલમાં શહેરમાં કોઈપણ વ્યક્તિને તાવ આવે તે પછી જ કોરોનાનો ટેસ્ટ કરવામાં આવે છે. તાવ સિવાયના શરદી-ખાંસી જેવા લક્ષણો હોય તો ટેસ્ટ થતો નથી. માત્ર સારવાર અપાય છે.

પોલીસ 12 કલાક ડ્યૂટીમાં

કોરોના વાઈરસને પગલે લાગુ કરાયેલા લોકડાઉનમાં 80 ટકા પોલીસકર્મીઓ 8ના બદલે 12 કલાક સુધી ડ્યૂટી કરી રહ્યા છે. ગઈકાલે પોલીસ કંન્ટ્રોલ રૂમથી તમામ ડીસીપીઓને સૂચના અપાઈ હતી કે, પોલીસકર્મીઓ પાસેથી 3 શિફ્ટને બદલે બે જ શિફ્ટમાં બંદોબસ્ત ગોઠવવાનો રહેશે. બે શિફ્ટમાં કામ થવાથી ગઈકાલથી જ પોલીસ 12 કલાક કામ કરતી થઈ ગઈ છે.

SVPમાં એક જ દિવસમાં 54 શંકાસ્પદ દર્દીઓ દાખલ

ગઈકાલે એક જ દિવસમાં 54 જેટલા શંકાસ્પદ કોરોનાના દર્દીઓ દાખલ થયા હતા. અત્યાર સુધી આ હોસ્પિટલમાં દાખલ થયેલા 464 દર્દીઓ પૈકી 403નો રિપોર્ટ નેગેટિવ અને 20નો પોઝિટિવ આવ્યો છે.  41 દર્દીઓના રિપોર્ટ પેન્ડિંગ છે. અહીં દાખલ થયેલા એક દર્દીનું મોત નિપજ્યું છે. જ્યારે અહીં સારવાર લીધેલા 3 દર્દીઓ સાજા થયા છે.

WHOના 3 સભ્યોની ટીમે નવી સિવિલની મુલાકાત લીધી

સિવિલ હોસ્પિટલ કંપાઉન્ડમાં ઊભી કરાયેલી 1200 બેડની કોવિડ-19 હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સારવાર કરાઈ રહી છે. ત્યારે ગુરૂવારે પોણા 3 વાગ્યાના અરસામાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની 3 સભ્યોની ટીમે તેની મુલાકાત લીધી હતી. ટીમે કોરોનાના કેસો, દર્દીઓને અપાતી સારવાર સહિતની માહિતી મેળવી હતી.

ગુરુવારે એક પણ પોઝિટિવ નહીં, 11 માસના બાળકનું મોત, રિપોર્ટ નેગેટિવ

અમદાવાદમાં કોરોનાના અત્યાર સુધીમાં કુલ 31 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી અત્યાર સુધી 5 લોકો સાજા થઈ જતાં તેમને રજા આપી દેવાઈ છે. એક મહિલા અને એક પુરુષની સ્થિતિ સૌથી વધુ ગંભીર છે. આ બંને વ્યક્તિ એસવીપી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેમને વેન્ટિલેટર પર રખાયા છે. ગુરુવારે શહેરમાં એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. પરંતુ સિવિલમાં બુધવારે મોડી રાત્રે દાખલ કરાયેલા દસ્ક્રોઈના સિંગરવા ગામના 11 માસના બાળકનું મૃત્યુ થયું હતું. કોરોના શંકાસ્પદ લાગતા તેના સેમ્પલ લેવાયા હતા. જો કે તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.ગુરુવારે 13 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. બીજી તરફ અમદાવાદ માટે સારા સમાચાર એ છે કે, કુલ 31 પોઝિટિવ કેસમાંથી પાંચ લોકો સાજા થઈ ગયા છે જેમને રજા આપી દેવાઈ છે. રાજ્યની તુલનામાં ટકાવારીની દૃષ્ટિએ આ સંખ્યા બે ગણી વધુ છે. અમદાવાદને બાદ કરતાં રાજ્યમાં પોઝિટિવ કેસની સંખ્યા 56 છે જેમાંથી 5 દર્દી સાજા થતાં રજા અપાઈ છે.

ચાંદખેડાના જનતાનગરના રહીશોએ ક્હ્યું, લૉકડાઉનના પાલનથી નવો કેસ નહીં મળે

ચાંદખેડામાં આવેલી જનતાનગર સોસાયટીમાં રહેતા રમીલાબેન સૂર્યવંશીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સોસાયટીએ ગેટ પર જ લખાણ મૂકને તમામને તેની જાણ કરી છે. જો કે, સ્થાનિક રહીશોનું કહેવું છે, કે અમે લૉકડાઉનનું પૂરું પાલન કરીએ છીએ તેથી અમે નિશ્ચિંત છીએ. જનતાનગર સોસાયટીમાં રહેતાં અને કોરોના પોઝિટિવ કેસ આવ્યો તે મકાનની બાજુની ગલીમાં રહેતા સુરેશભાઇ જીત્યા અને દિનેશભાઇ શેને જણાવ્યું હતું કે, અમારી સોસાયટીમાં કોરોનાનો કેસ નોંધાશે તેવી કોઈ શક્યતા દેખાતી ન હતી. પરંતુ પોઝિટિવ કેસ છતાં અમે નિશ્ચિંત છીએ, કેમકે અમે લૉકડાઉનનું પૂરું પાલન કરીએ છીએ. આ ઉપરાંત છેલ્લા લાંબા સમયથી અમે સોશિયલ ડિસ્ટન્સિંગ અમલમાં મૂકી દીધું હોવથી સોસાયટીમાંથી વધુ કેસ મળવાની કોઇ શક્યતા નથી.

ડોર ટુ ડોર સર્વેની કામગીરી માટે વધુ 50 ટીમો બહારથી બોલાવાઈ

શહેરભરમાં કોર્પોરેશન દ્વારા ડોર ટુ ડોર સર્વે કરવાની કામગીરી શરૂ કરાઈ છે. જો કે, હજુ પણ ચોક્કસાઈપૂર્વક સરવે થાય તે માટે અમદાવાદ બહારથી પણ 50 જેટલી ટીમોને રાજ્ય સરકાર દ્વારા નિયુક્તિ કરવામાં આવી છે. પ્રત્યેક ટીમમાં 2 ડોક્ટર, 1 ફાર્માસિસ્ટ અને 1 ફી મેલ હેલ્થ વર્કરનો સમાવેશ કરવામાં આવ્યો છે. મોટાભાગે આ ટીમો ભીડભાડવાળી જગ્યામાં સરવે માટે જશે. આયુષ તબીબોને પણ સરવેની કામગીરીમાં લગાવવામાં આવ્યા છે. જ્યારે મ્યુનિ.ની 200 જેટલી ટીમો ડોર ટુ ડોર સરવેમાં કામે લગાડવામાં આવી છે. ખાસ કરીને શંકાસ્પદ અને પોઝિટિવ દર્દીઓ મળ્યા છે તે વિસ્તારમાં સઘન રીતે સરવે કરવામાં આવી રહ્યો છે.

સિવિલમાં 7 શંકાસ્પદને રજા અપાઈ

સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયેલા શંકાસ્પદ પૈકી 7 લોકોને રજા આપી દેવામાં આવી હતી. આ તમામના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યા છે. ગુરુવારે સિવિલમાં વધુ 12 શંકાસ્પદ કેસ આવ્યા છે.

હાલમાં હોમ ક્વોરન્ટીન હેઠળ વ્યક્તિ 1135

શહેરમાં 669 ટેસ્ટ કરાયા રાજ્યભરમાં અત્યાર સુધી 1862 લોકોના ટેસ્ટ થયા છે જેમાંથી 88 કેસ પોઝિટિવ મળ્યા છે. જ્યારે અમદાવાદમાં 669 કેસ થયા છે. જેની સામે પોઝિટિવ કેસની સંખ્યા 31 છે. દેશભરમાં અત્યાર સુધી કુલ 47,951 ટેસ્ટ થયા છે જેમાં 2230 કેસ પોઝિટિવ મળ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here