કોરોના અપડેટ સુરત : બે દિવસમાં 6 પોઝિટિવ કેસથી ગંભીરતા વધી, સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ દંડ કરાયો

0
7

સુરત. શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસમાં 6 પોઝિટિવ કેસ સામે આવતા આંકડો 19 પર પહોંચી ગયો છે. બે દિવસથી ત્રણ-ત્રણ કેસ સામે આવતા પાલિકા કમિશનરે ગંભીરતા વધી જતા ચેતવણી આપી છે કે, જો આમ જ કેસ વધશો તો આવનાર દિવસોમાં કપરા દિવસો આવી શકે છે. જ્યારે હવે સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ પણ દંડ ફટકારવાનું શરૂ કરવામાં આવ્યું છે.

ગત રોજ ત્રણ કેસ સામે આવ્યા

શહેરના રાંદેર વિસ્તારમાંથી વધુ બે કેસ સાથે શહેરમાં વધુ ત્રણ કેસ પોઝિટિવ સામે આવ્યા છે. ન્યુ રાંદેર રોડની અલઅમીન રેસિડન્સી ખાતે રહેતા આધેડ અને ન્યુ રાંદેર રોડના જ અલ્વી રો હાઉસ ખાતે રહેતી મહિલા તેમજ બેગમપુરા ખાતે રહેતી વૃદ્ધાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે શહેર જિલ્લામાં પોઝિટિવ કેસોની કુલ સંખ્યા 19 થઈ ગઈ છે. વધુ 13 શંકાસ્પદ કેસ સામે આવ્યા હતા જ્યારે 11નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હાલ 5નો રિપોર્ટ પેન્ડીંગ છે.

સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગ બદલ દંડ કરાયો 

સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગ બદલ એકેડેમિક ડિસીઝ એક્ટ-1897 હેઠળ દંડાત્મક કાર્યવાહી કરવાની શરૂઆત કરાઈ છે. અત્યાર સુધીમાં સોશિયલ  ડિસ્ટન્સિંગના ભંગ બદલ 247 લોકો પાસેથી 100 રૂપિયા લેખે 24,700 કુલ દંડ વસૂલાયો છે.

પહેલા એક એક કેસ આવતો હવે દરરોજ ત્રણ ત્રણ કેસ આવવા માંડ્યા

પાલિકા કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, રવિવારે ત્રણ કેસ પોઝિટિવ આવ્યા બાદ સોમવારે ફરી ત્રણ કેસ પોઝિટિવ આવ્યાં છે હવે આ વિષય સેન્સિટિવ થતો જાય છે.  દરરોજ કેસ ડબલ થઈ રહ્યાં છે, પહેલાં જે એક એક કેસ આવતો હતો, હવે ત્રણ ત્રણ આવવા માંડ્યા છે તેથી ગંભીરતા વધી ગઈ છે.