કોરોના અપડેટ વડોદરા : 62 વર્ષની મહિલાનું કોરોના વાઈરસથી મોત, વડોદરામાં મૃત્યુઆંક 2 થયો

0
5

વડોદરા. વડોદરામાં કોરોના વાઈરસથી આજે વધુ એક મોત થયું છે. શ્રીલંકાનો પ્રવાસ કરનાર કોરોના વાઈરસથી પીડિત મહિલાનું મોત થયું છે. જેથી વડોદરામાં અત્યાર સુધીમાં 2 લોકોના મોત થયા છે.

મહિલા 18 માર્ચે હોસ્પિટલમાં દાખલ થયા બાદ કોરોના પોઝિટિવ આવ્યો હતો

વડોદરા જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે જણાવ્યું કે, વડોદરા શહેરના 62 વર્ષની ઉંમરના કોરોનાગ્રસ્ત મહિલાનું આજે સવારે સારવાર દરમિયાન સયાજી હોસ્પિટલમાં મરણ થયું હતું. આ મહિલા શ્રીલંકાના પ્રવાસેથી પાછા ફર્યા પછી 18 માર્ચે તેઓ હોસ્પિટલમાં દાખલ થયા પછી કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા તેમની સારવાર કરવામાં આવી રહી હતી. જો કે આજે સવારે તેમનું મોત થયું છે.આ સાથે વડોદરામાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસથી અગાઉ એક પુરુષનું મોત થયું હતુ અને આજે એક મહિલાનું મોત થયું છે.

રવિવારે કોરોનાએ વડોદરામાં 54 વર્ષીય આધેડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને પગલે વડોદરા આરોગ્ય તંત્ર દોડતુ થઇ ગયું હતું. રાત્રે 75 લોકોના સેમ્પલ લેવાયા હતા અને તમામ લોકોને ક્વોન્ટીન કરવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રાલય સાથે વીડિયો કોન્ફરન્સ બાદ વડોદરામાં અન્ન સેવા બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, જેને પગલે આજે વહેલી સવારે ચાની સેવા આપતી સંસ્થાઓ પહોંચી ન શકતા લોકોનો દિવસ ચા-નાસ્તા વગર શરૂ થયો હતો.

વડોદરામાં અત્યાર સુધી 10 કેસ નોંધાયા, 5 રિકવર થયા

વડોદરા શહેરમાં અત્યાર સુધીમાં 10 કોરોના વાઈરસના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 5 લોકો રિકવર થયા છે. જ્યારે એકનું મોત થયું છે. અને 5 લોકો હજી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. જેમાંથી પણ 2 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જેથી તેઓને જલ્દી જ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.