કોરોના અપડેટ વડોદરા :વડોદરામાં સગર્ભા મહિલા કોરોના મુક્ત થતાં હોસ્પિટલમાંથી રજા અપાઇ, અત્યાર સુધી 3 દર્દી સાજા થયા

0
7

વડોદરા. વડોદરામાં સગર્ભા મહિલા કોરોના મુક્ત થતાં હોસ્પિટલમાંથી રજા અપાઇ છે. અત્યાર સુધી વડોદરા શહેરમાં 3 દર્દીને સાજા થયા બાદ રજા આપવામાં આવી છે અને 14 દિવસના હોમ ક્વોરન્ટન પર રાખવામાં આવ્યા છે.

વડોદરામાં 3 દર્દી કોરોના મુક્ત થયા

વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવેલી વધુ એક મહિલા દર્દી સંપૂર્ણ સાજી થઇ જતા આજે સવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ સાથે 2 મહિલા અને 1 પુરુષ મળીને વડોદરામાં 3 દર્દી કોરોના મુક્ત થયા છે.

22 માર્ચે મહિલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો

કલેક્ટર શાલિની અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે, 29 વર્ષની ઉંમરની આ મહિલા દર્દી 21મી માર્ચના રોજ શંકાસ્પદ કોરોનાના લક્ષણો સાથે દાખલ કરવામાં આવી હતી અને 22 માર્ચના રોજ તેમનું સેમ્પલ પોઝિટિવ આવ્યું હતું. આઇસોલેશન વોર્ડમાં તેમની નિર્ધારિત મેડિકલ ગાઈડ લાઈન પ્રમાણે કરવામાં આવેલી સારવાર કારગર નીવડી છે. આ મહિલા સગર્ભા હોવાથી આકસ્મિક સંજોગોમાં કોઈ જરૂરિયાત ઉદભવે તે વાતને ધ્યાનમાં રાખીને તેમના વોર્ડની નજીક પ્રસૂતિની તમામ તબીબી સુવિધા ઊભી કરવામાં આવી હતી. આ મહિલા સાથે 9 પોઝિટિવમાંથી 3 સંપૂર્ણ સાજા થયા છે. એકનું મૃત્યુ થયું છે અને 5 દર્દી સારવાર હેઠળ છે.

મહિલાને નિરીક્ષણ હેઠળ 14 દિવસ હોમ ક્વોરેન્ટીનમાં રખાશે

દવાખાનામાંથી રજા આપતાં પહેલા એમનો રિ-ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે નેગેટિવ આવતા તમામ નિર્ધારિત પ્રોટોકોલ અનુસરી એમને રજા આપવામાં આવી છે. હવે તેઓ નિરીક્ષણ હેઠળ 14 દિવસ હોમ ક્વોરેન્ટીનમાં રખાશે.
છેલ્લા 7 દિવસમાં કોરોના વાઈરસનો એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી

વડોદરા શહેરમાં છેલ્લા 7 દિવસમાં કોરોના વાઈરસનો એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. વડોદરામાં અત્યાર સુધી કોરોના વાઈરસ પોઝિટિવ 9 કેસ સામે આવ્યા છે. જે પૈકી 3 દર્દીને કોરોના વાઈરસથી સાજા થઇ જતા તેઓને રજા આપવામાં આવી છે. જ્યારે બુધવારે 52 વર્ષીય એક દર્દીનું મોત થયું હતું અને હજુ 5 લોકો કોરોના વાઈરસની સારવાર લઇ રહ્યા છે. આ ઉપરાંત ગોધરાના એક 78 વર્ષીય દર્દીનું શુક્રવારે કોરોના વાઈરસથી વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.

કોરોના વાઈરસથી મૃતકની દીકરી સાજી થઇ, પત્ની, પુત્ર અને પુત્રવધુ સારવાર હેઠળ

કોરોના વાઈરસથી પીડિત વધુ એક મહિલા દર્દી ગુરૂવારે પૂર્ણતઃ સાજા થતા તેઓને રજા આપવામાં આવી છે. આ અંગે જાણકારી આપતાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ઉદય ટીલાવતે જણાવ્યું કે, 27 વર્ષની ઉંમરના આ મહિલા દર્દીને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા 21મી માર્ચના રોજ દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા નિયમાનુસાર સઘન સારવાર આપવામાં આવી હતી. જેને સફળતા મળતા તેઓ હવે કોરોના મુક્ત થયા છે. નિયમ અનુસાર કરવામાં આવેલા રિ-ટેસ્ટમાં પણ તેઓ નેગેટિવ જણાતા તકેદારીની તમામ પ્રક્રિયાઓ પૂરી કરી તેમને આજે રજા આપવામાં આવી છે.

14 દિવસ હોમ ક્વોરન્ટીન હેઠળ રખાશે

તકેદારી રૂપે તેમને હમણાં 14 દિવસ હોમ ક્વોરન્ટીન હેઠળ રખાશે. આ મહિલા બુધવારે કોરોના વાઈરસથી મૃત્યુ પામનાર વડોદરાના શૈલેન્દ્ર દેસાઇની દીકરી છે. હજુ તેમના પત્ની અને પુત્ર કોરોના વાઈરસની સારવાર લઇ રહ્યા છે. તેમની પત્ની બંને રિપોર્ટ નેગેટિવ આવતા આજે રજા આપવામાં આવે તેવી શક્યતા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here