કોરોના અપડેટ વર્લ્ડ : 88 હજારના મોત, બ્રિટનમાં 24 કલાકમાં 938ના મોત, પ્રધાનમંત્રી બોરિસ જોનસનની તબીયત સ્થિર; હાલ ICUમાં છે

0
7
  • અમેરિકામાં 11 ભારતીયોના મોત, 16 પોઝિટિવ; 24 કલાકમાં 1973 લોકોના મોત
  • અમેરિકાના આરોગ્ય વિભાગનો અંદાજ કે અમેરિકામાં કોરોનાથી 61 હજાર લોકો મોતને ભેટશે
  • ચીનમાં બુધવારે કોરોનાના 63 કેસ નોંધાયા 

ન્યૂયોર્ક. વિશ્વભરમાં  15 લાખ 18 હજાર 719 કોરોનાના કેસ નોંધાયા છે. 88 હજાર 502 લોકોએ અત્યાર સુધીમાં જીવ ગુમવ્યા છે. ત્રણ લાખ 30 હજાર 600 લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અમેરિકાની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં અહીં 1973 લોકોના મોત થયા છે, બુધવારે પણ બે હજાર લોકોના મોત થયા હતા. બ્રિટનમાં 24 કલાકમાં 938ના મોત થયા છે. પ્રધાનમંત્રી બોરિસ જોનસનની તબીયત સ્થિર છે અને હાલ ICUમાં છે.

અમેરિકામાં મૃત્યુઆંક 15 હજાર નજીક

અમેરિકામાં 14795 મોત સાથે મૃત્યુઆંક 15 હજાર નજીક પહોંચી ગયો છે અને કુલ પોઝિટિવ કેસ 4 લાખ 35 હજાર 128 થયા છે. ન્યૂયોર્કમાં છેલ્લા 24 કલાકમાં 779 લોકોના મોત થયા છે, બુધવારે અહીં 731 લોકોના જીવ ગયા હતા. ન્યૂયોર્ક રાજ્યમાં મૃત્યુઆંક 6268 થયો છે. કોરોના વાઈરસથી અમેરિકામાં 11 ભારતીયોના મોત થયા છે, જ્યારે 16 ભારતીયો પોઝિટિવ છે.

ડોનાલ્ડ ટ્રમ્પે WHO ફરી આડેહાથ લીધું

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે પ્રેસ બ્રીફિંગ દરમિયાન કહ્યું કે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ આ મહામારી સામે ખોટી  રીતે લડ્યું છે. તેઓએ પોતાની પ્રાથમિકતા યોગ્ય રીતે નક્કી કરવી જોઈએ. બીસીસીએ પોતાના રિપોર્ટમાં ટ્રમ્પના હવાલાથી કહ્યું કે WHOને ફંડિગ આપવાનું ચાલું રાખવું કે નહીં તેના પર અમેરિકા અભ્યાસ કરીને વિચારશે.

નવા રિચર્સમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકામાં કોરોના વાઈરસ ફેબ્રુઆરીના મધ્યભાગમાં ન્યૂયોર્કમાં ફેલાવાનો શરૂ થઈ ગયો હતો. યુરોપથી પરત ફરેલા પ્રવાસી દ્વારા અહીં આ વાઈરસ આવ્યો હતો. અમેરિકામાં ન્યૂયોર્ક સૌથી વધારે પ્રભાવિત છે. ન્યૂયોર્કમાં 1.51 લાખ પોઝિટિવ કેસ છે. આ આંકડો સ્પેન, ઈટાલી અને જર્મનીના પોઝિટિવ કેસ કરતા પણ વધારે છે.

એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકામમાં કોરોનાની સૌથી વધારે અસર કાળા લોકોને થઈ છે. શિકાગોની કુલ વસ્તીના 30 ટકા લોકો આફ્રિકન-અમેરિકન છે.તેમાંથી 68 ટકાના મોત કોરોનાથી થયા છે.અમેરિકાના આરોગ્ય વિભાગનો અંદાજ કે અમેરિકામાં કોરોનાથી 61 હજાર લોકો મોતને ભેટશે.

સ્પેનમાં કુલ પોઝિટિવ કેસ એક લાખ 48 હજાર 220 થયા છે અને મૃત્યુઆંક 14 હજાર 792 થઈ ગયો છે. ઈટાલીમાં કુલ પોઝિટિવ કેસ એક લાખ 39 હજાર 422 છે અને મૃત્યુઆંક 17 હજાર 669 થયો છે. બેલ્જિયમ અને નેધરલેન્ડમાં પણ મૃત્યુઆંક ઝડપથી વધી રહ્યો છે. બન્ને દેશમાં 2200થી વધારે લોકો મોતને ભેટી ચૂક્યા છે.

WHOના મહાનિર્દેશકને જાનથી મારી નાખવાની ધમકી

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના મહાનિર્દેશક ટ્રેડોસ એડહોનમ ગેબ્રેયેસિયેસે બુધવારે ખુલાસો કર્યો હતો કે કોરોના સામેના લડાઈ અભિયાન દરમિયાન તેઓને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. તેમણે અમેરિકા અને ચીન સહિતના દેશોને કોરોના ઉપર રાજનીતિ ન કરવાની સલાહ આપી. તેમણે કહ્યું કે તેમને વ્યક્તિગત ટાર્ગેટ કરવામાં આવે તેની ચિંતા નથી. છેલ્લા ત્રણ મહિનામાં મને ઘણા પ્રકારના અપશબ્દો કહેવામાં આવ્યા છે. જાનથી મારી નાખવાની ધમકી તાઈવાનથી કોઈએ આપી હતી. કાર્યવાહી કરવાને બદલે તાઈવાનના અધિકારીઓ મારી ટિકા કરવા લાગ્યા.

તેમણે વધુમાં કહ્યું કે કોરોના દર મિનિટે લોકોનો જીવ લઈ રહ્યો છે. આપણે એક ન થયા તો સ્થિતિ ખરાબ થઈ શકે છે.કોરોના વિશે આપણને તમામ બાબતની જાણ નથી. આ નવો વાઈરસ છે, આપણને ખ્યાલ નથી કે આગળ જતા આ વાઈરસ ફેલાશે. એટલા માટે એક થવું જરૂરી છે.કોરોનાને એક અજ્ઞાત વાઈરસ જાહેર કર્યાને 100 દિવસ થયા છે અને આ 100 દિવસમાં તેણે સમગ્ર વિશ્વને બદલી નાખ્યું છે.

રશિયા વિદેશમાંથી બે દિવસમાં 1200 લોકોને પરત લાવ્યું

રશિયા છેલ્લા બે દિવસમાં વિદેશમાં ફસાયેલા તેના 1200થી વધારે નાગરિકોને પરત લાવ્યું છે. 20 માર્ચથી અત્યાર સુધીમાં વિદેશમાં રહેતા એક લાખ 64 હજાર 600 નાગરિકો રશિયા પરત આવી ચૂક્યા છે. રશિયામાં કુલ પોઝિટેલ કેસ 8,672 છે અને 63 લોકોએ જીવ ગુમાવ્યો છે.

દક્ષિણ આફ્રિકામાં લોકડાઉનનો ભંગ કરનાર મંત્રી બે મહિના માટે સસ્પેન્ડ

દક્ષિણ આફ્રિકામાં કોમ્યુનિકેશન મંત્રી સ્ટેલા અંદાબેનીને લોકડાઉનનો ભંગ કરવા બદલ બે મહિના માટે સસ્પેન્ડ કરી દેવાયા છે.તેમના ઉપર આરોપ છે કે તેઓ અમુક લોકો સાથે લંચમાં ગયા હતા અને સોશિયલ મીડિયામાં તેમની તસવીરો વાઈરલ થઈ હતી.  ત્યાર પછી રાષ્ટ્રપતિ સિરિલ રામફોસાએ તેમને બે મહિના માટે રજા ઉપર ઉતારી દીધા હતા.

પેરુમાં 26 એપ્રિલ સુધી ઈમરજન્સી લંબાવાઈ છે. પેરુમાં 4342 કેસ છે અને 121 લોકોના મોત થયા છે.

સર્બિયાના રાષ્ટ્રપતિ એલેક્ઝેન્ડર વુસિકે પોતાનો પુત્ર ડેનિલો કોરોના વાઈરસ સંક્રમિત હોવાની જાણ કરી હતી. સર્બિયામાં કુલ 2666 કેસ નોંધાયા છે અને 65 લોકોના મોત થયા છે.

ચીનમાં બુધવારે કોરોનાના 63 કેસ નોંધાયા છે, તેમાથી 61 દર્દી બહારથી આવ્યા છે. પાકિસ્તાનમાં કોરોનાના કુલ કેસ 4323 થયા છે અને 63 લોકોના મોત થયા છે.

કયા દેશમાં કોરોના વાઈરસની શુ સ્થિતિ છે તે જોઈએ

દેશ કેસ મોત
અમેરિકા 4,35,128 14,795
સ્પેન 1,48,220 14,792
ઈટાલી 1,39,422 17,669
જર્મની 1,13,296 2,349
ફ્રાન્સ 1,12,950 10,869
ચીન 81,865 3,335
ઈરાન 64,586 3,993
બ્રિટન 60,733 7,097
તુર્કી 38,226 812
બેલ્જિયમ 23,403 2,240
સ્વિત્ઝરલેન્ડ 23,280 895
નેધરલેન્ડ 20,549 2,248
કેનેડા 19,438 427
બ્રાઝીલ 16,188 820
પોર્ટુગલ 13,141 380
ઓસ્ટ્રિયા 12,942 273
દક્ષિણ કોરિયા 10,423 204
ઈઝરાયલ 9,404 73
રશિયા 8,672 63
સ્વિડન 8,419 687
આયરલેન્ડ 6,074 235
ઓસ્ટ્રેલિયા 6,052 50
નોર્વે 6,042 101
ભારત 5,916 178

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here