દેશમાં ઈમરજન્સી યુઝ માટે બે વેક્સિનને મંજૂરી મળી, વેક્સિનેશન 16 જાન્યુઆરીથી શરૂ, સરકારે શનિવારે આ અંગેની જાહેરાત કરી

0
6

દેશભરમાં કોરોના વેક્સિનેશન પ્રોગ્રામ 16 જાન્યુઆરીથી એટલે કે કમૂરતા પૂર્ણ થયા બાદથી શરૂ થશે. સરકારે શનિવારે આ અંગેની જાહેરાત કરી છે. શરૂઆતમાં આ વેક્સિન હેલ્થ વર્કર્સ અને ફ્રંટ લાઈન વર્કર્સને આપવામાં આવશે, જેની સંખ્યા 3 કરોડ છે. બીજા ફેઝમાં 50 વર્ષથી વધુની ઉંમરના લોકોને અને ત્રીજા ફેઝમાં ગંભીર બિમારીઓથી ત્રસ્ત 50 વર્ષથી નાની વયના લોકોને આપવામાં આવશે. બીજા અને ત્રીજા ફેઝમાં લગભગ 27 કરોડ લોકોનું વેક્સિનેશન થશે.

મોદીએ તૈયારીઓની માહિતી મેળવવા માટે મીટિંગ કરી

દેશમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે હાઈલેવલ મીટિંગ કરી. તેઓએ વેક્સિનેશન માટે રાજ્યોની તૈયારીઓની સમીક્ષા પણ કરી. બેઠકમાં કેબિનેટ સેક્રેટરી, પ્રિન્સિપલ સેક્રેટરી, હેલ્થ સેક્રેટરી અને બીજા સીનિયર અધિકારીઓ પણ સામેલ થયા હતા.

દેશમાં 2 વેક્સિનને મંજૂરી મળી છે

દેશમાં ઈમરજન્સી યુઝ માટે બે વેક્સિનને મંજૂરી મળી ગઈ છે. જેમાં સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)ની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિન સામેલ છે. બંને વેક્સિનને દેશના અલગ-અલગ વિસ્તારમાં પહોંચાડવા માટે સરકારે ટ્રાંસપોર્ટેશનની ગાઈડલાઈન જાહેર કરી દિધી છે.