વડોદરા : સયાજી હોસ્પિટલના કોરોના વોરિયરનું કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ, 2 દિવસમાં 2 મેલ નર્સે જીવ ગુમાવ્યો

0
7

સયાજી હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાં ફરજ બજાવતા કોરોના વોરિયર બ્રધર (મેલ નર્સ) નિકુલ પટેલનું કોરોના વાઈરસથી આજે મૃત્યુ થયું હતું. આમ સતત બે દિવસમાં બે કોરોના વોરિયર્સે કોરોનાની બીમારીથી જીવ ગુમાવ્યો છે.

કોરોના વોરિયરનો કોરોનાએ ભોગ લીધો

વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાં ફરજ બજાવતી વખતે બ્રધર નિકુલ પટેલ કોરોના સંક્રમિત થયા હતા અને ઓક્સિજન લેવલ ઓછુ થઇ જતા ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું છે. જેને પગલે સયાજી હોસ્પિટલના કોરોના વોરિયર્સમાં શોકની લાગણી પ્રસરી છે.

સયાજી હોસ્પિટલના કોરોના વોરિયરે જીવ ગુમાવ્યો હતો

આ ઉપરાંત દયારામ વસાવા મેલ નર્સિંગ આસિસ્ટન્ટ તરીકે સયાજી હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા અને તેમને સરકાર તરફથી સૂચના મળતાં તેઓએ અમદાવાદ ખાતે કોવિડ કેર સેન્ટરમાં ફરજ બજાવી હતી અને ત્યાર બાદ વડોદરાની સયાજી હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાં ફરજ બજાવી રહ્યા હતા, તે દરમિયાન તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર માટે હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા હતા. તે સમયે અચાનક તેઓને શ્વાસ લેવા તકલીફ પડતા 108 એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ, સયાજી હોસ્પિટલ ખાતે પહોંચે તે પહેલા જ તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આજે આજે વધુ એક કોરોના વોરિયરનું મૃત્યુ થયું છે.