ગાંધીનગર : કોરોનાના કેસ વધતાં ટેસ્ટ સેન્ટર વધારવા માટે ઉગ્ર રજૂઆત, લાઈન જોઈ ડે. મેયરનો મ્યુ. કમિશનરને પત્ર

0
9

દિવાળીના પર્વ પછી કોરોના કેસમાં વધારો થતા લોકોએ પણ ટેસ્ટ કરાવી લેવા માટે લાઈનો લગાવી છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા હાલ સેક્ટર-2 અને સેક્ટર-21 અર્બન હેલ્થ સેન્ટર ખોલવામાં આવ્યા છે. ત્યારે સે-2 ખાતે શુક્રવારે સવારે આવી જ લાઈનો જોવા મળી હતી. આ સમયે ડેપ્યુટી મેયર નાજાભાઈ ઘાંઘરે આ દ્રશ્યો જોઈને મ્યુનિસિપલ કમિશનરને આ અંગે પત્ર લખ્યો હતો.તેમણે આ અંગે રજૂઆત કરી હતી કે સેક્ટર-24માં શોપિંગ સેન્ટર પાસે નવું સેન્ટર ઉભુ કરવા માંગણીઓ આવેલી છે.

આ ઉપરાંત ગાંધીનગર મહાનગરપાલિકામાં સમાવાયેલા રાયસણ, કુડાસણ, સરગાસણ જેવા વિસ્તારોમાં નવા સેન્ટર્સ ઉભા કરવા તેઓએ માંગણી કરી છે. આ બાબતે ડેપ્યુટી મેયરે મહાનગરપાલિકામાં કોરોના કેસોની ગંભીરતાને લઈને પ્રજા હિતમાં તાત્કાલિક આ સેન્ટર્સ શરૂ કરવામા આવે તેવી પણ માગણી કરી છે. ઉલ્લેખનીય છે કે મનપા વિસ્તારમાં ગુરૂવાર સુધીમાં કોરોનાના કુલ 2270 નોંધાયેલા છે. તેમાં પણ નવા વિસ્તારોના લોકોને કોરોના ટેસ્ટ માટે ગાંધીનગર શહેર કે મોટા હોસ્પિટલમાં જવું પડે છે ત્યારે ડેપ્યુટી મેયર દ્વારા નવા વિસ્તારોમાં પણ સેન્ટર્સ શરૂ કરવાની માંગ કરાઈ છે.

કારણ કે છેલ્લા બે ત્રણ દિવસથી સેક્ટર-2 અને સેક્ટર-21 સેન્ટર ખાતે મોટી સંખ્યામાં લોકો ટેસ્ટ માટે પહોંચી રહ્યાં છે, જેને પગલે લાંબી લાઈનો થતાં લોકોને કલાકો સુધી ઉભા રહેવું પડે છે.સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવેન્દ્રસિંહ ચાવડાએ પણ મ્યુ કમિશનરને પત્ર લખ્યો છે. તેમણે રજૂઆત કરી છે કે કોરોના વધી રહેલાં કેસો વચ્ચે ફરી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ ચલાવાય તે જરૂરી છે. જેમાં માસ્ક, સેનિટાઈઝર અને હેન્ડ વોશ કરવા ઝુંબેશ ચલાવીને લોકો જાગૃત કરવા રજૂઆત કરી છે.