અમદાવાદ : કોરોનાના ડરે DPSમાં ધોરણ 10-12ના ક્લાસ ઓનલાઈન લીધા

0
10

અમદાવાદઃ કોરોનાના ચેપના જોખમને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીના હિતમાં ડીપીએસ બોપલે વર્ષ 2020-21ના ધો.10 અને 12ના ક્લાસ ઓનલાઇન કર્યા છે. વિદ્યાર્થીઓને પુસ્તકો, પરિણામ ઓનલાઈન મળશે. ડીપીએસ- બોપલે વિદ્યાર્થીઓને બને ત્યાં સુધી કેમ્પસમાં આવવાનું ટાળવા સલાહ આપી છે. સ્કૂલે વાર્ષિક કલા પ્રદર્શન પણ મોકૂફ રાખ્યું છે.

એક શિક્ષક 300 વિદ્યાર્થીને ઇનવાઇટ કરશે

દરમિયાન રાજ્ય સરકારના હેલ્થ વિભાગે વધુ સંખ્યામાં લોકો એકત્ર થતાં હોય તેવા કાર્યક્રમ ટાળવા એડવાઈઝરી બહાર પાડી છે. સ્કૂલો પણ બાળકોમાં જાગૃતિ માટેના પગલા લઇ રહી છે. ડીપીએસ બોપલે વિદ્યાર્થીઓ ઘરે રહીને અભ્યાસ કરે તે માટે ઓનલાઇન કોર્સ શરૂ કર્યા છે. વિદ્યાર્થીઓ ઝુમ ઓનલાઇન ટેકનોલોજીથી ઘરે જ ધો.10 અને 12ના ક્લાસ એટેન્ડ કરશે. ડીપીએસ-બોપલના પ્રિન્સિપાલ સુરેન્દ્ર સચદેવાએ જણાવ્યું કે, વિદ્યાર્થીઓ ઘેર બેઠા જ અભ્યાસ કરે તે માટે દરેક શિક્ષક એક એપ્લિકેશન ડાઉનલોડ કરશે. તે 300 વિદ્યાર્થીને ઇનવાઇટ કરશે. આ 300 વિદ્યાર્થી ઘેર બેઠા સ્ક્રીન પર શિક્ષક જે લખશે તે જોઇ શકશે અને તે પ્રમાણે અભ્યાસ કરશે. આ નિર્ણય બે અઠવાડિયા સુધી લાગુ રહેશે. ડીપીએસ, બોપલમાં ધો.10 અને 12માં મળીને કુલ 750 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

સ્કૂલો વાર્ષિક પરીક્ષા પછી તરત જ વેકેશન આપી શકે છે

ખાનગી સ્કૂલોનું સંચાલક મંડળ બેઠક યોજીને વાર્ષિક પરીક્ષા બાદ સ્કૂલો બંધ રાખવાનો નિર્ણય કરી શકે છે. 20 એપ્રિલથી નવા સત્ર માટે સ્કૂલો શરુ થશે ત્યારબાદ મે મહિનાથી વેકેશન રહેશે. પરંતુ સંચાલક મંડળ નિર્ણય લઇ શકે છે કે 20 એપ્રિલ પછી સ્કૂલો બંધ રહેશે. જૂન મહિનામાં જ વેકેશન પૂરુ થતાં સ્કૂલો ખુલશે.

ઘરે બેઠા કંટાળેલા વિદ્યાર્થીઓને ઉદગમ સ્કૂલે પ્રવૃત્તિઓ સૂચવી

ઉદ્દગમ સ્કૂલે કોરોનાના ચેપથી બચવા વિદ્યાર્થીઓને ઘરે જ રહેવા જણાવ્યું છે. પરંતુ બાળકો ઘેર બેઠા યોગ્ય પ્રવૃત્તિ કરે તે માટે સ્કૂલના 150થી વધુ શિક્ષકો પાસેથી મંતવ્ય લઈ પસંદ કરાયેલા મંતવ્યોને વાલીને ઇ-મેઇલથી મોકલાયા હતા. જેમાં વિદ્યાર્થીઓને વર્ડ ગેમ રમવા, ગાર્ડનિંગ, પેરેન્ટ્સ સાથે ટાઇમ વિતાવવો, ઘરની સફાઇ કરવી વગેરે બાબતો કરવા જણાવ્યું છે. સ્કૂલે આ તમામ પ્રવૃત્તિ એટલા માટે વાલીઓને મોકલી છે કારણ કે ઘણા બાળકો ઘરે કંટાળો આવવાની ફરિયાદ કરતા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here