કોરોના રાજકોટ : જંગલેશ્વરમાં વધુ બે મહિલાને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો, શાપર-વેરાવળમાં 600થી વધુ એકમો શરૂ કરવા મંજૂરી

0
14

રાજકોટ. રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધતી જાય છે. આજે 20 એપ્રિલના રોજ વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા છે. જંગલેશ્વરમાં રહેતી બે મહિલાને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. જેમાં તસલીમ અમીન ડોડીયા (ઉ.વ.27) અને નસીબબેન યુસુફભાઇ (ઉ.વ.42)નો સમાવેશ થાય છે. રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 39 થઇ છે. જેમાં 39માંથી 28 કેસ જંગલેશ્વરમાં જ નોંધાયા છે. રાજકોટમાં 62 સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં રાજકોટ શહેરના 52, ગ્રામ્યના 6 અને અન્ય જિલ્લાના 4ના દર્દીનો સમાવેશ થાય છે. રાજકોટ કલેક્ટર  રેમ્યા મોહન અને શાપર-વેરાવળ એસોસિએશનની બેઠક મળી હતી. જેમાં શરતોને આધિન 600થી વધુ એકમો શરૂ કરવાની મંજૂરી મળી છે. આ એકમોની જવાબદારી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની રહેશે. સામાજિક અંતર જાળવવું, માસ્ક પહેરવું, સેનેટાઇઝરનો ઉપયોગ સહિતના નિયમોનું પાલન કરવું પડશે તેવું કલેક્ટરે જણાવ્યું હતું.

બાંધકામ સાઈટ પર રહેલા પરપ્રાંતીય મજૂરો સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મનોવૈજ્ઞાનીક પરામર્શ

COVID-19 (કોરોના) વાઈરસને પ્રસરતો અટકાવવા સરકાર તરફથી તા. ૦૩/૦૫/૨૦૨૦ સુધી માટે દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરવામાં આવેલ છે. આ જાહેરાતના કારણે સમગ્ર રાજ્યમાં વિભિન્ન બાંધકામ સાઈટો પર રોકાયેલ પરપ્રાંતીય મજૂરો અટવાયેલ છે. આ મજૂરોને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે તે સાઈટના બિલ્ડર અત્રેના કામની એજન્સીઓ તથા સેવાભાવી સંસ્થાઓના સહયોગથી તેઓની આજીવિકા સરળ રહે તે હેતુથી રાશન કીટ, તૈયાર ભોજન તથા જરૂરિયાત મુજબ તબીબી સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી રહેલ છે. હાલ તમામ સાઈટો પર ઘણા સમયથી કામ બંધ હોય તેમજ શહેરની જુદી-જુદી સાઈટ પર મજુરી અર્થે આવેલા મોટાભાગના અટવાયેલા મજુરો પરપ્રાંતીય હોય, તેઓ પોતે પોતાના વતન તરફ જવા પ્રયત્નશીલ છે. આવી પરિસ્થિતિમાં સાઈટ પર રહેલા મજુરોનું મનોબળ જળવાય રહે તે હેતુસર રાજ્ય સરકારના ગૃહવિભાગ દ્વારા કાર્યરત કંટ્રોલરૂમ તરફથી આ લોકડાઉન દરમિયાન રોકાયેલ/સ્થળાંતર કરતા મજુરો માટે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મનોવૈજ્ઞાનિક પરામર્શ કરવા જણાવવામાં આવેલ છે. આ માટે નોડલ અધિકારી તથા મનોવૈજ્ઞાનિકની ટીમ ફોરેન્સિક સાયન્સ લેબ, ગાંધીનગર ખાતે નિયુક્ત કરવામાં આવેલ છે.

રાજકોટ માર્કેટ યાર્ડમાં ઘઉંની જ ખરીદી કરવામાં આવશે

રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે બેઠક મળી હતી. આવતીકાલથી યાર્ડમાં માત્ર ઘઉંની જ ખરીદી કરવામાં આવશે. રજીસ્ટ્રેશન કરાવવામાં આવેલા ખેડૂતો પૈકી 50 ખેડૂત પ્રતિ દિવસ બોલાવવામાં આવશે. હરાજીનો સમય સવારે 9 વાગ્યાનો રહેશે. સવારે 7થી 9 વાગ્યા સુધી એન્ટ્રી આપવામાં આવશે. વાહનચાલક અને ખેડૂત સિવાય અન્ય કોઇ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવશે નહીં. ઘઉંનો વેપાર કરતા વેપારી અને દલાલને એન્ટ્રી આપવામાં આવશે. કુલ 2 હજાર જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

હોટસ્પોટ જંગલેશ્વર વિસ્તારમાંથી એક વ્યક્તિ ભાગ્યો 

જંગલેશ્વરમાં કર્ફ્યુ લાગ્યો હોવા છતાં  52 વર્ષીય પરેશભાઇ નામનો વ્યક્તિ ભાગીને બીજા વિસ્તારમાં પહોંચી ગયો છે. શહેરના હોટસ્પોટ વિસ્તાર ગણાતા જંગલેશ્વર પાસે રહે છે. પોલીસને ચકમો આપી વ્યક્તિ ગાંધીગ્રામ વિસ્તારમાં પહોંચ્યો હતો. પોલીસને જાણ થતા પોલીસ ગાંધીગ્રામ વિસ્તારમાં પહોંચી હતી. ગાંધીગ્રામ વિસ્તારમાંથી વ્યક્તિને પથિક આશ્રમ ખસેડાયો છે. તેમજ તેના વિરૂદ્ધ જાહેરનામાન ભંગનો ગુનો પણ નોંધ્યો છે.

આરોગ્ય ટીમે 155 કિલો અખાદ્ય ચીજવસ્તુઓનો નાશ કર્યો

રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી ખાદ્યચીજોનું વેચાણ કરતા મોલ, સુપર માર્કેટ, જનરલ સ્ટોર્સ વગેરે જગ્યાએ એક્સપાયરી ડેટ વિતેલ ખાદ્યચીજો અંગે, સેનિટાઇઝેશન અંગે, સોશિયલ ડીસ્ટન્સ જાળવવા અંગે વગેરે કુલ 35 FBOની ચકાસણી કરવામાં આવી હતી. ચકાસણી દરમિયાન બિનઆરોગ્યપ્રદ તેમજ અખાદ્ય કુલ 155 કિ.ગ્રા. ખાદ્યપદાર્થનો નાશ કરવામાં આવ્યો હતો. તેમજ સ્થળ પર નોટિસ આપી લોકડાઉન દરમિયાન ગેરકાયદેસર રીતે વેંચાણ તેમજ કટીંગ થતી અંદાજીત 40 કિ.ગ્રા. સોપારી જપ્ત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here