કોરોનાનું સંક્રમણ વધતા આરોગ્ય અગ્રસચિવે રાજકોટમાં યોજી બેઠક, કહ્યું- ડરવાની નહીં સાવચેતી રાખવાની જરૂર

0
9

રાજકોટઃ ભારત સહિત વિશ્વભરમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. ગુજરાતમાં પણ કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોનાને અંકુશમાં લેવા માટે આજે રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતી રવિ રાજકોટ ખાતે દોડી આવ્યા છે. રાજકોટ કલેક્ટર કચેરી ખાતે તેમણે રાજકોટ મહાનગરપાલિકા કમિશનર ઉદિત અગ્રવાલ, કલેક્ટર રેમ્યા મોહન અને આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

બેઠક પૂર્ણ થયા બાદ તેમણે એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી, જમાં તેઓએ જણાવ્યું હતું કે, સરકારે આપેલી સૂચનાઓના અમલથી મૃત્યુદરમાં ઘટાડો થયો છે. લોકોએ ડરવાની નહીં સાવચેતી રાખવાની જરૂર છે.

જયંતી રવિએ વધુમાં જણાવ્યું હતું કે, શહેરમાં 30 ટકા લોકો હોમ આઇસોલેટમાં છે. તે લોકોને સારી સારવાર મળી રહી છે. ધન્વંતરી રથ ઘણા ઉપયોગી સાબિત થઈ રહ્યા છે.

રાજકોટમાં છેલ્લા 12 કલાકમાં 9 લોકોના કોરોનાથી મૃત્યુ નિપજ્યા છે. જ્યારે શહેરમાં કુલ 1570 કેસ પોઝિટિવ નોંધાયા છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોના કેસમાં સતત વધારો થયો છે. તેની સાથે મૃત્યઆંક પણ વધ્યો છે. ગઈકાલે રાજકોટ જિલ્લામાં એક તબીબ સહિત 90 કેસ પોઝિટિવ નોંધાયા હતા. જ્યારે 67 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. રાજકોટમાં 516 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામાં કુલ પોઝિટિવનો આંક 2374 પર પહોંચ્યો છે.