સાવધાન : માત્ર મોંમાંથી નીકળતાં ડ્રોપલેટ્સથી જ નહીં, ધૂળના કણોથી પણ કોરોનાવાઈરસ ફેલાઈ શકે છે- અમેરિકન સંશોધકો

0
6

કોરોનાવાઈરસને લઈ દિવસેને દિવસે નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. એક ચોંકાવનારો ખુલાસો અમેરિકાના સંશોધકોએ કર્યો છે. અત્યાર સુધી એમ માનવામાં આવતું હતું કે કોરોનાવાઈરસ માત્ર ઉધરસ, છીંક કે બોલતી વખતે નીકળતાં ડ્રોપલેટ્સથી જ ફેલાય છે, પરંતુ હવે તમારે વધારે સજાગ બનવાની જરૂર છે. અમેરિકાના સંશોધકોનો દાવો છે કે તે હવામાં રહેલા ધૂળના કણો, ફાઈબર અને અન્ય સુક્ષ્મ કણોથી પણ શરીરમાં પ્રવેશ કરી શકે છે.

કેલિફોર્નિયા યુનિવર્સિટીનું રિસર્ચ
આ ચોંકાવનારો ખુલાસો અમેરિકાની કેલિફોર્નિયા યુનિવર્સિટીના સંશોધકોએ કર્યો છે. રિસર્ચના લીડર વિલિયમ રિસ્ટેનપાર્ટનું કહેવું છે કે, આ ખુલાસો વાયરોલોજિસ્ટ અને મહામારી નિષ્ણાતો માટે ચોંકાવનારો છે. કારણ કે, અત્યાર સુધી ડ્રોપલેટ્સથી જ વાઈરસ શરીરમાં પ્રવેશે છે તેવું માનવામાં આવતું હતું, હવે તેનું આખું ગણિત જ બદલાઈ જશે.

નિર્જીવ વસ્તુઓથી પણ સંક્રમણનું જોખમ
અગાઉ પણ અનેક રિસર્ચમાં પુરવાર થયું છે કે નિર્જીવ વસ્તુઓથી પણ કોરોનાવાઈરસ ફેલાય છે. તેથી લોકો સ્વાસ્થ્યને લઈ વધુ સજાગ બન્યા છે. લોકો દરવાજા ખોલવા માટે ટિશ્યૂનો ઉપયોગ કરી રહ્યા છે. નવાં રિસર્ચમાં આ જોખમને પણ વધારે ગંભીર બતાવાયું છે.

રિસર્ચ
નિર્જીવ પાર્ટિકલથી વાઈરસ અન્ય વ્યક્તિના શરીરમાં પ્રવેશ કરી શકે છે કે કેમ તે જાણવા માટે સંશોધકોએ કાગળ પર વાઈરસ છોડી તેને સૂકાવા દીધું. ત્યારબાદ તેના નાનાં પાર્ટિકલ કરવા માટે એક મશીનમાં નાખવામાં આવ્યું. મશીનમાંથી 900 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ પાર્ટિકલ્સને હવામાં છોડવામાં આવ્યાં. રિસર્ચમાં જોવા મળ્યું કે હવામાં રહેલાં આ સુક્ષ્મ પાર્ટિકલ પણ શ્વાસ મારફતે શરીરમાં પ્રવેશ કરી સંક્રમણ ફેલાવી શકે છે. આ પ્રયોગ ડુક્કરો પર કરવામાં આવ્યો હતો.

1 મહિના પહેલાં WHOએ એર બોર્ન ડિસીઝની વાત સ્વીકારી
WHOએ હવાનાં માધ્યમથી વાઈરસનાં સંક્રમણની વાત 1 મહિના પહેલાં સ્વીકારી હતી. જોકે તે પહેલાં WHO એ માનવા તૈયાર નહોતું કે કોરોના વાઈરસ એર બોર્ન ડિસીઝ છે. WHOનું માનવું હતું કે, કોરોના વાઈરસ હવાથી નહીં પરંતુ એરોસોલ અને 5 માઈક્રોનથી નાનાં ડ્રોપલેટ્સથી ફેલાય છે. 32 દેશોના 239 વૈજ્ઞાનિકોએ દાવો કર્યો હતો કે કોરોના વાઈરસ એર બોર્ન ડિસીઝ છે. આ તમામ વૈજ્ઞાનિકોએ WHOને પત્ર લખી તેમના દાવા અંગે વિચાર કરવા જણાવ્યું ત્યારબાદ WHOએ આ વાત સ્વીકારી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here