ક્રિકેટ : કોરોનાવાયરસના કારણે ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડને 3600 કરોડનું નુકસાન થવાની સંભાવના

0
6

કોરોનાવાયરસથી ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી) ને આશરે 3600 કરોડ (380 મિલિયન પાઉન્ડ) નું નુકસાન થવાની સંભાવના છે. ઇસીબીના ચીફ એક્ઝિક્યુટિવ ટોમ હેરિસને મંગળવારે સાંસદોને આ માહિતી આપી હતી.
હેરિસનના મતે, કોરોનાને કારણે 1 જુલાઇ સુધી દેશમાં પ્રોફેશનલ ક્રિકેટ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. ‘ધ હન્ડ્રેડ’ (100-100 બોલ ટૂર્નામેન્ટ) પણ આગામી વર્ષ માટે મુલતવી રાખવામાં આવી છે. લીગ આ વર્ષે 17 જુલાઈથી 15 ઓગસ્ટ સુધી યોજાવાની હતી. તે જ સમયે, લોકડાઉનને કારણે પ્રોફેશનલ ક્લબને 800 દિવસના ક્રિકેટનું નુકસાન થશે.

ઇસીબી ટેસ્ટ ક્રિકેટ રમીને નુકસાનની ભરપાઇ કરશે

ઇસીબીના ચીફે કહ્યું કે, આ વર્ષે લિમિટેડ ઓવર ક્રિકેટ થવાની સંભાવના બહુ ઓછી છે. જોકે અમે સમરમાં ટેસ્ટ ક્રિકેટ રમીને થતાં નુકસાનથી અમુક અંશે વળતર આપીશું. ઇંગ્લેન્ડે વેસ્ટ ઇન્ડીઝ અને પાકિસ્તાન સામે જુલાઈ અને ઓગસ્ટમાં ટેસ્ટ સિરીઝ રમવાની છે. આ ઉપરાંત આયર્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે વનડે સીરિઝ પણ કોરોનાથી પ્રભાવિત છે.

હન્ડ્રેડ ક્રિકેટ લીગ સફળ થશે

પહેલીવાર ઇંગ્લેન્ડમાં થનાર ‘ધ હન્ડ્રેડ’ લીગને કોરોનાના કારણે એક વર્ષ માટે મુલતવી રાખવામાં આવી છે. આ છતાં, ઇસીબી ચીફને તેની સફળતાની આશા છે. તેમણે કહ્યું કે આ ટૂર્નામેન્ટ માટે ઇસીબીએ 1 લાખ 70 હજાર ટિકિટ વેચી હતી, જ્યારે પ્રથમ વર્ષમાં લીગનું બજેટ લગભગ 376 કરોડ રૂપિયા (40 મિલિયન પાઉન્ડ) હતું. 1999 પછી પહેલીવાર બીબીસી પર લાઈવ ક્રિકેટ બતાવવાના હતા. આનાથી રોમાંચનો અંદાજ લગાવી શકાય છે.

પહેલા વર્ષે જ 103 કરોડ રૂપિયાના નફાનું અનુમાન

હેરિસને કહ્યું કે, એક અનુમાન પ્રમાણે લીગને પહેલા વર્ષે જ 103 કરોડ રૂપિયા (11 મિલિયન પાઉન્ડ)નો નફો થવાનો હતો. આનાથી ખબર પડે છે કે, આપણે કેટલી મજબૂત સ્થિતિમાં છીએ. ક્રિકેટ વર્લ્ડ કપને સિવાય અન્ય કોઈ ટૂર્નામેન્ટમાં આટલી ઝડપથી ટિકિટ વેચાણી નથી.

ક્રિકેટમાં દર્શકો વધારવાના પ્રયાસમાં સાચા માર્ગે

તેમણે કહ્યું કે, યુવાઓ ઉપરાંત પરિવારોએ પણ મોટી સંખ્યામાં ધ હન્ડ્રેડ લીગની ટિકિટ ખરીદી હતી. અમે દેશમાં ક્રિકેટ દર્શકો વધારવા જે પગલાં લીધા છે, તે એકદમ સાચા છે.

દરેક ફ્રેન્ચાઇઝમાં મહિલા અને પુરુષની ટીમ હશે

ધ હન્ડ્રેડ લીગમાં પુરુષો અને મહિલાઓની 8-8 ટીમોએ ભાગ લેવાનો હતો. ગયા વર્ષે ઓક્ટોબરમાં, લીગની 8 ટીમોએ ડ્રાફ્ટ દ્વારા પુરુષ ખેલાડીઓની પસંદગી કરી હતી, જ્યારે મહિલા ટીમ માટે ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા ચાલી રહી હતી. ઇસીબીએ ઉનાળાની રજાઓને ધ્યાનમાં રાખીને લીગ શરૂ કરવાની યોજના બનાવી હતી. દરેક ફ્રેન્ચાઇઝમાં મહિલા અને પુરુષની ટીમ હશે.