જૂનાગઢ : આરોપીને પકડવા ગયેલી પોલીસ પર કોર્પોરેટરનો હુમલો, ફરજમાં રુકાવટ

0
34

જૂનાગઢ નાં સુખનાથ ચોક વિસ્તારમાં આરોપીને પકડવા જનાર પોલીસ પર ત્રણ શખ્સોએ હુમલો કર્યા બાદ તેને પકડવા જનાર પીએસઆઇ સહિતના કાફલા પર કોર્પોરેટરે હુમલો કર્યો હતો. જૂનાગઢનાં એ ડિવીઝન પોલીસનાં અનાર્મ લોકરક્ષક નિલેશ ખીમાભાઇ વાઘેલા 4 ઓક્ટોમ્બર એ સાંજે 6:45 વાગ્યે ચોકી તરફ આવતા હતા ત્યારે સંઘાડીયા બજાર તરફથી તેની પાછળ સમીર ઉર્ફે કયામત મયુખદ્દીનભાઇ શેખ, અરબાજ મકરાણી અને માનીયા મામુભાઇ ગામેતી ત્રિપલ સવારીમાં આવતા હતા.

સમીર સામે જૂનાગઢની ચીફ કોર્ટનું પકડ વોરંટ હોઇ તેણે સમીરને રોક્યો હતો. અને વોરંટ વિશે કહેતા સમીર અને તેની સાથેના બે શખ્સોએ નિલેશભાઇ સાથે મારામારી અને ઝપાઝપી કરી હતી. દેકારો થતાં ચોકીમાંથી પીએસઆઇ કે. બી. લાલકા અને કોન્સ્ટેબલ મોહસીનભાઇ અબળા આવી ગયા હતા. અને સમીરને પકડી લઇ પોલીસ મથકે લાવ્યા હતા. તેની પુછપરછમાં નાસી ગયેલા શખ્સો અરબાજ મકરાણી અને માનીયા મામુભાઇ ગામેતી હોવાનું કહેતા અને તેઓ સુખનાથ ચોકમાં કવિતા ગેસ્ટ હાઉસની બાજુમાં બેઠા હોવાની બાતમી મળતાં પીએસઆઇ લાલકા સ્ટાફ સાથે બાકીના બંનેને પકડવા સુખનાથ ચોક ગયા હતા.

જ્યાં 100 થી 125 લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. એ વખતે એજ વોર્ડનાં કોર્પોરેટર અબ્બાસ ઇબ્રાહીમભાઇ કુરેશી ત્યાં પહોંચી ગયા હતા. અને મને પુછ્યા વિના તારાથી કેમ અવાય કહી તમે મારા ભાઇનું ફોર્મ પાછું ખેંચાવવા આવ્યા છો કહી પોલીસને ધક્કે ચઢાવી હુમલો કર્યો હતો. આ ઘટનામાં અરબાજ અને માનીયા નાસી ગયા હતા. પોલીસે અબ્બાસ કુરેશી સહિત 5 શખ્સોને રાઉન્ડ અપ કરી પોલીસ મથકે લાવી હતી. અેસપી સૌરભ સીંઘ પણ સુખનાથ ચોકમાં દોડી ગયા હતા. અને ફૂટ પેટ્રોલીંગ કરી કુલ 26 લોકોની અટક કરી પોલીસ મથકે લાવ્યા હતા.

26 સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ

અબ્બાસ કુરેશી ઉપરાંત અરબાજ મકરાણી, માનીયા મમુભાઇ ગામેતી, અક્રમ ઇબ્રાહીમભાઇ કુરેશી, મોઇન ઉર્ફે મોહસીન મીયાણો, શબ્બીર ઉર્ફે લેવલ, સોયેબ ઉર્ફે રાધે ગોલ્ડન, કરીમ અહેમદભાઇ સીડા, સોહીલ ઉર્ફે ગભરૂ કડીયા, જાકીર વહાબભાઇ કુરેશી, સોહીલ ઉર્ફે રોજડો, શાહરૂખ મુકરી, આદીલ બાદશાહ, ટીનુ ઉર્ફે કાલીયો, રીયાઝ હુસેન હીંગોરા, નાસીર ઉર્ફે મીની હીંગોરા, શાહરુખ જમાલવાડીવાળો, બહાદુર બશીર, નાસીરખાન બિસ્મીલ્લાહખાન, મોઇન ગુલામ મહંમદ, મહંમદ રઝાકભાઇ, કાદર અલીભાઇ, જહાંગીર હનીફમીયાં કાદરી, નવાજ મકવા અને સુમેર.

પોલીસ ફોર્મ પાછું ખેંચાવવા આવી : આક્ષેપ

મારા ભાઇ અસ્લમ ઇબ્રાહીમભાઇ કુરેશીએ ભાજપમાંથી વોર્ડ નં. 3 ની પેટા ચૂંટણીમાં ફોર્મ ભર્યું હોઇ તેને પાછું ખેંચાવવા પીએસઆઇ કે. બી. લાલકાએ ધમકી આપી હોવાનો આક્ષેપ કોર્પોરેટર અબ્બાસ કુરેશીએ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here