દેશને ભ્રષ્ટાચાર મુક્ત કરવા માટે કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે ત્યારે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (CVC)નો ભ્રષ્ટાચાર અંગેનો અહેવાલ ચોંકાવનારા પરિણામો દર્શાવે છે. એન્ટિ ગ્રાફ્ટ વૉચડૉગ સેન્ટ્રલ વિજિલન્સના જણાવ્યા મુજબ ગયા વર્ષે સૌથી વધુ રેલવેના કર્મચારીઓના હાથ લાંચ રુશવત અને ભ્રષ્ટાચારથી ખરડાયા હતા. રેલવેનાં કર્મચારીઓ સામે ભ્રષ્ટાચાર આચરવાની સૌથી વધુ ફરિયાદો નોંધાઈ હતી.
આ પછી બીજી ક્રમે દિલ્હી લોકલ બૉડીનાં કર્મચારીઓ પણ ભ્રષ્ટાચાર આચરવામાં અવ્વલ રહ્યા હતા. ભ્રષ્ટાચાર આચરવામાં સરકારી બેન્કોનાં અધિકારીઓ તેમજ કર્મચારીઓ પણ પાછળ રહ્યા ન હતા. એક અંદાજ મુજબ 2023માં જુદીજુદી કેટેગરીનાં કુલ 74,203 અધિકારીઓ તેમજ કર્મચારીઓ સામે ભ્રષ્ટાચાર આચરવામાં આવી હોવાની ફરિયાદો મળી હતી. જેમાંથી 66,373નો નિકાલ કરાયો હતો જ્યારે 7,830 ફરિયાદો પેન્ડિંગ હતી.
રિપોર્ટમાં મુજબ રેલવેનાં સૌથી વધુ 10,447 કર્મચારીઓ સામે ભ્રષ્ટાચારની ફરિયાદો કરવામાં આવી હતી. જ્યારે બીજા નંબરે દિલ્હી લોકલ બૉડીનાં 7,665 કર્મચારીઓ સામે ભ્રષ્ટાચારની ફરિયાદો કરાઈ હતી. જેમાં GNCTD એટલે કે ગવર્નમેન્ટ ઓફ નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હીના કર્મચારીઓનો સમાવેશ થતો ન હતો.
કેન્દ્રનાં કોલસા મંત્રાલયનાં 4,420 કર્મચારીઓ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરવામાં આવી હતી. જ્યારે લેબર મંત્રાલયનાં 3,217 કર્મચારીઓ, પેટ્રોલિયમ મંત્રાલયનાં 2,749 કર્મચારીઓ, દિલ્હી પોલીસ સહિત ગૃહમંત્રાલયનાં 2,309 કર્મચારીઓ સામે ભ્રષ્ટાચારની ફરિયાદો નોંધાઈ હતી. સંરક્ષણ મંત્રાલયનાં 1,861 કર્મચારીઓ, સીબીડીટીનાં 1,828, ટેલિકોમ મંત્રાલયનાં 1,457 અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સનાં 1,205 કર્મચારીઓ, સરકારી વીમા કંપનીઓનાં 960, પાવર મિનિસ્ટ્રીનાં 930 અને ગ્રાહક બાબતો તેમજ અનાજ પુરવઠો વિભાગના 929 કર્મચારીઓ સામે સકંજો કસાયો હતો. પર્સોનલ મંત્રાલયના 889 કર્મચારીઓ પણ ભ્રષ્ટાચાર આચરતા ઝડપાયા હતા.
દિલ્હી સ્ટેટ ઇન્ડસ્ટ્રિયલ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પો, લિ, દિલ્હી જળ બોર્ડ, દિલ્હી ટૂરિઝમ એન્ડ ટ્રાસન્પોર્ટ ડેવલપમેન્ટ કોર્પો, દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન, દિલ્હી ટ્રાન્સ્કો લિમિટેડ, દિલ્હી અર્બન શેલ્ટર ઈમ્પ્રૂવમેન્ટ બોર્ડ, ઈન્દ્રપ્રસ્થ પાવર જનરેશન તેમજ દિલ્હી મ્યુનિસિપલ કોર્પો અને ન્યૂ દિલ્હી મ્યુનિસિપલ કોર્પો.નો સમાવેશ થાય છે.