કપાસિયા તેલમાં વધ્યા ભાવથી ઘટાડો જોવાયો; સનફલાવરના ભાવમાં પ્રત્યાઘાતી નરમાઈ દેખાઈ

0
2

મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે નવી માગ પાંખી હતી. સિંગતેલના ભાવ વધતા અટકી ઉંચા મથાળે ઉછાળો પચાવી રહ્યા હતા. કપાસિયા તેલમાં વધ્યા ભાવથી ઘટાડો જોવાયો હતો. આયાતી ખાદ્યતેલોમાં સનફલાવરના ભાવમાં પ્રત્યાઘાતી નરમાઈ દેખાઈ હતી જ્યારે પામતેલ તથા સોયાતેલ વધ્યા મથાળે અથડાતા રહ્યા હતા.

મુંબઈ હાજર બજારમાં સિંગતેલના ભાવ ૧૦ કિલોના રૂ.૧૫૯૦ રહ્યા હતા. જ્યારે કપાસિયા તેલના ભાવ રૂ.૧૩૧૦ તથા મસ્ટર્ડના રૂ.૧૨૪૦ રહ્યા હતા. ઉત્પાદક મથકોએ સિંગતેલના ભાવ રૂ.૧૫૫૦ તથા ૧૫ કિલોના રૂ.૨૪૫૦થી ૨૪૬૦ જ્યારે કોટન વોશ્ડના રૂ.૧૨૫૫થી ૧૨૬૦ રહ્યાના સમાચાર હતા.

મુંબઈ બજારમાં આયાતી પામતેલના ભાવ રૂ.૧૨૩૦ જ્યારે ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના રૂ.૧૧૫૦ વાળા રૂ.૧૧૫૫ રહ્યા હતા. વાયદા બજારમાં આજે સાંજે સીપીઓના ભાવ ધીમા ઘટાડા વચ્ચે રૂ.૧૧૨૮ રહ્યા હતા જ્યારે સોયાતેલ વાયદાના રૂ.૯ ઘટી રૂ.૧૨૭૪.૫૦ બોલાઈ રહ્યા હતા. યુએસ.ના બજારોમાં આજે પ્રોજેકશનમાં સાંજે સોયાતેલના ભાવ ૧૭થી ૧૮ પોઈન્ટ પ્લસમાં રહ્યા હતા.

મુંબઈ હાજર બજારમાં સનફલાવરના ભાવ રૂ.૧૦થી ૨૦ ઘટી રૂ.૧૭૫૦ તથા રિફાઈન્ડના રૂ.૧૮૦૦ રહ્યા હતા. જ્યારે સોયાતેલના ભાવ ડિગમના વધી રૂ.૧૨૫૫થી ૧૨૬૦ તથા રિફાઈન્ડના રૂ.૧૨૮૦ રહ્યા હતા. દરમિયાન વિશ્વ બજારમાં મલેશિયા ખાતે પામતેલનો વાયદો વધી છેલ્લે ૩૦, ૪૯, ૩૮,૩૩ પોઈન્ટ પ્લસમાં બંધ રહ્યો હતો જ્યારે ત્યાં પામ પ્રોડકટના ભાવ ૨.૫૦થી ૭.૫૦ ડોલર વધ્યા હતા.

મલેશિયાથી નિકાસ થતા ક્રૂડ પામ ઓઈલ સીપીઓ પરનો ટેક્સ ટનદીઠ જે હાલ ૭૮.૮૮ ડોલર છે તે એપ્રિલ માટે વધીને ૮૪.૧૭ ડોલર કરાયો હોવાના નિર્દેશો મળ્યા હતા. અમેરિકાના કૃષી બજારોમાં ઓવરનાઈટ ટ્રેડમાં સોયાબીનના ભાવ ૩૬ પોઈન્ટ વધ્યા હતા જ્યારે સોયાતેલના ભાવ દૂરની ડિલીવરીના ૧૧થી ૨૦ પોઈન્ટ નરમ હતા. ત્યાં સોયાખોળના ભાવ ૩૬ પોઈન્ટ તથા કોટનના ૨૦ પોઈન્ટ વધ્યા હતા.

બ્રાઝીલમાં વરસાદ વધતાં સોયાબીનના વાવેતર પર અસર પડયાના સમાચાર હતા. ચીનના બજારોમાં આજે સોયાતેલ, પામતેલ તથા સોયાબીનના ભાવ જોકે ઘટાડા પર રહ્યા હતા. ભારતમાં આજે સોયાબીનની આવકો મધ્ય-પ્રદેશ ખાતે ૪૦ હજાર ગુણી, મહારાષ્ટ્રમાં ૩૦ હજાર તથા રાજસ્થાનમાં ૮ હજાર ગુણી આવી હતી તથા ઓલ ઈન્ડિયા આવકો ૮૫ હજાર ગુણી નોંધાઈ હતી. મધ્ય-પ્રદેશ ખાતે બજાર ભાવ કિવ.ના રૂ.૫૪૦૦થી ૫૬૦૦ તથા પ્લાન્ટ ડિલીવરીના રૂ.૫૬૦૦થી ૫૭૦૦ રહ્યા હતા.

દરમિયાન કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ અમુક કેન્દ્રોમાં રૂના ભાવ ખાંડીદીઠ રૂ.૨૦૦ જેટલા વધાર્યાની ચર્ચા બજારમાં સંભળાઈ હતી. મુંદ્રા-હઝીરા ખાતે ૨૧ માર્ચ સુધીના ભાવ પામતેલના રૂ.૧૨૩૫થી ૧૨૪૫ તથા સનફલાવરના રૂ.૧૮૩૫થી ૧૮૪૦ રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here