Monday, October 18, 2021
Homeકરજણ બેઠકની પેટાચૂંટણીની આવતીકાલે મતગણતરી, કોરોનાને લઈને તમામ તકેદારીઓ રાખવા વડોદરા જિલ્લા...
Array

કરજણ બેઠકની પેટાચૂંટણીની આવતીકાલે મતગણતરી, કોરોનાને લઈને તમામ તકેદારીઓ રાખવા વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારીની સૂચના

કરજણ બેઠકની પેટાચૂંટણીની મતગણતરી આવતીકાલે મંગળવારે શાંતિપૂર્ણ વાતાવરણમાં અને જરૂરી તમામ કોવિડ તકેદારીઓ સાથે કરાવવા ચૂંટણી અને પોલીસ તંત્ર સુસજ્જ છે. વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શાલિની અગ્રવાલે ચૂંટણી પંચના નિરીક્ષક જટાશંકર ચૌધરી સાથે મત ગણતરી માટેના ત્રણેય ખંડમાં CCTV સહિત સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની સાથે સચોટ મત ગણતરીની વ્યવસ્થાનું ઝીણવટભર્યું નિરીક્ષણ નાયબ પોલીસ કમિશનર દીપક મેઘાણી અને જિલ્લા પોલીસ વડા સુધીર દેસાઈ સાથે કર્યું હતું અને છેલ્લી ઘડીની સૂચનાઓ આપી હતી. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આર.પી.જોષી અને કરજણ બેઠકના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી કરજણ કે.આર.પટેલ દ્વારા સંકલિત રીતે મત ગણતરીની વ્યવસ્થાઓ કોવિડ તકેદારીઓને વણી લઈને કરવામાં આવી છે. જ્યાં મત ગણના થવાની છે એવા પોલિટેકનિક કોલેજના અંદરના વિસ્તારોમાં સતત સેનેટાઈઝેશન કરવામાં આવી રહ્યું છે.

CCTV અને વિડિયોગ્રાફીની નજર હેઠળ ગણતરી કરવામાં આવશે

મત ગણતરી કેન્દ્ર ખાતે ફરજ પરના સ્ટાફ અને ઉમેદવારો, તેમના એજન્ટ સહિત તમામ માસ્ક પહેરવો અનિવાર્ય છે એવી જાણકારી આપતાં જિલ્લા ચૂંટણી અધિકારી શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, EVMની મતગણતરી માટે 2 અને પોસ્ટલ મતોની ગણતરી માટે 1 મળીને કુલ ત્રણ ખંડમાં વ્યવસ્થા કરવામાં આવી છે. સોશિયલ ડિસ્ટન્સ જળવાય એ માટે એક ખંડમાં 7 અને બીજા ખંડમાં 4 તેમજ ટપાલ મતવાળા ખંડમાં 2 ટેબલ રાખવામાં આવ્યા છે. CCTV અને વિડિયોગ્રાફીની નજર હેઠળ ગણતરી કરવામાં આવશે. સેનેટાઇઝેશન તેમજ માસ્ક, ફેસ શિલ્ડ અને ગ્લોવ્ઝ પહેરીને ગણતરી કરનારાઓ મતગણના કરશે.

મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક ગેજેટ સાથે લાવવાની મનાઈ

આરોગ્ય તંત્ર દ્વારા મત ગણતરી સ્થળના પહેલા પ્રવેશ દ્વારે બે ટીમો રાખવામાં આવશે, જે થર્મલ ગનથી શરીરના તાપમાનની અને પલ્સ ઓક્સિમિટરથી ઓક્સિજન લેવલની ચકાસણી કરશે. દરેકે માસ્ક પહેરીને જ આવવાનું છે અને અંદર પણ પહેરી રાખવાનો છે. મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક ગેજેટ સાથે લાવવાની મનાઈ છે. આર.ઓ.દરેક રાઉન્ડમાં મળેલા મતો ચૂંટણી પંચની વેબસાઈટ પર અપલોડ કરવાની સાથે તેનું જાહેર પ્રસારણ કરાવશે.

મેટલ ડિટેક્ટર્સ દ્વારા ફ્રિસ્કિંગ, મોબાઈલ જમા લેવાની વ્યવસ્થા સહિતની બાબતોની ચર્ચા

ઇવીએમ લઈને આવનાર સ્ટાફ, મતગણતરી સ્ટાફ અને ઉમેદવાર તેમજ એજન્ટ માટે બેરિકેડિંગ દ્વારા મતગણતરી ખંડમાં પ્રવેશની અલાયદી વ્યવસ્થા રાખવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારીએ પ્રથમ અને દ્વિતીય પ્રવેશ દ્વારે મેટલ ડિટેક્ટર્સ દ્વારા ફ્રિસ્કિંગ, મોબાઈલ જમા લેવાની વ્યવસ્થા સહિત વિવિધ બાબતોની ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.

મુખ્ય પ્રવેશ દ્વારા નજીક વિશાળ લેડ સ્ક્રીન મૂકવામાં આવ્યો, રાઉન્ડ વાર અપલોડ થતાં પરિણામો જોઈ શકાશે

વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારીની સૂચનાથી પરિણામોની જાણકારી સરળતાથી મળી રહે તે માટે પોલિટેકનિક ખાતેના મત ગણતરી કેન્દ્રના મુખ્ય પ્રવેશ દ્વારે 12 બાય 10નો વિશાળ લેડ સ્ક્રીન મૂકવામાં આવ્યો છે. આર.ઓ. દ્વારા ગણતરીના પ્રત્યેક રાઉન્ડની જે વિગતો અપલોડ કરવામાં આવશે. તે આ સ્ક્રીન પર જોઈ શકાશે. જેના પગલે મત ગણતરીમાં પ્રગતિ અને ઉમેદવારોને મળેલા મતની સ્થિતિ કેન્દ્રની બહાર પણ સરળતાથી જોઈ શકાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments