વડોદરા : દેશી દારૂના બુટલેગરે વિદેશી દારૂ વેચનારના માથામાં તલવાર ઝીંકી દીધી

0
0

વડોદરાઃમોડી સાંજે પાણીગેટ વિસ્તારમાં દેશી અને વિદેશી દારૂનો ધંધો કરતા બે બુટલેગરો સમાધાન માટે ભેગા થયા હતા. સમાધાન દરમિયાન બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેમાં દેશી દારૂનો ધંધો કરતા બુટલેગરે વિદેશી દારુનો ધંધો કરતા બુટલેગરના માથમાં તલવારી ઝીંકી દીધી હતી. મામલો પોલીસ મથકમાં પહોંચતા બુટલેગર જૂથો પોલીસ મથકમાં પણ આમને-સામને આવી ગયા હતા.

મીઠાની ફેક્ટરીએ ભેગા થયેલા

પાણીગેટ કહાર મહોલ્લામાં રહેતા રાકેશ જગદીશ કહાર અને નરેશ ઉર્ફ લાલો પપૈયો કહાર વચ્ચે છેલ્લા કેટલાંક સમયથી દારૂના ધંધાની હરીફાઇમાં ઝઘડા ચાલતા હતા. રાકેશ વિદેશી દારૂનો અને નરેશ ઉર્ફ લાલો દેશી દારૂનો ધંધો કરે છે. છેલ્લા કેટલાંક સમયથી બંને વચ્ચે ચાલતા ઝઘડાનો અંત લાવવા માટે બંનેએ સમાધાન કરવાનું નક્કી કર્યું હતું. અને કહાર મહોલ્લા પાસે આવેલ મીઠાની ફેક્ટરી પાસે ભેગા થયા હતા. બુટલેગરોની સાથે તેઓના પરિવાર તેમજ તેમના સાગરીતો પણ ભેગા થયા હતા.

સમાધાનની જગ્યાએ સામ-સામે આવ્યાં

સમાધાનની ચર્ચાએ એકાએક ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. બંને જૂથ ઝપાઝપી ઉપર આવી ગયું હતું. જેમાં નરેશ ઉર્ફ લાલાનો સાગરીત સન્ની ઉર્ફ સોલંકી ઘરેથી તલવાર લઇ આવ્યો હતો. અને રાકેશ કહારના માથામાં ઝીંકી દીધી હતી. આ ઉપરાંત નરેશ ઉર્ફ લાલા કહાર તેમજ તેના જુથના રવિ શિતલ કહાર, નરેશ ઉર્ફ લાલાની માતા ટીનાબહેન તેમજ તેની પત્ની રાકેશ કહારને માર માર્યો હતો.

પોલીસે કાર્યવાહી શરૂ કરી

તલવારથી ઇજા પામેલ રાકેશ કહાર પોતાના જૂથ સાથે નજીકમાંજ આવેલા પાણીગેટ પોલીસ મથકમાં પહોંચી ગયો હતો. જ્યાં નરેશ ઉર્ફ લાલો કહારનું જૂથ પણ પહોંચી ગયું હતું. પોલીસ મથકમાં પણ બંને જૂથ વચ્ચે ઝપાઝપી થઇ હતી. બુટલેગર જૂથોએ પાણીગેટ પોલીસ મથકને માથે લઇ લીધું હતું. મામલો ઉગ્ર બને તે પહેલાં પોલીસે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મામલો થાડે પડ્યો હતો.દરમિયાન ઇજાગ્રસ્ત રાકેશ જગદીશ કહારે હુમલાખોર નરેશ ઉર્ફ લાલો ઉર્ફ પપૈયો કહાર, ભૈયલુ કહાર, સન્ની ઉર્ફ સોલંકી, રવિ શીતલ કહાર, નરેશ ઉર્ફ લાલો કહારની માતા ટીનાબહેન કહાર અને તેની પત્ની સામે પાણીગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

પાણીગેટમાં અડ્ડાઓ ધમધમે છે

પોલીસ તંત્રની રહેમ નજર હેઠળ પાણીગેટ પોલીસ મથક વિસ્તારમાં દેશી-વિદેશી દારૂના ધંધાએ માઝા મુકી દીધી છે. પાણીગેટ વિસ્તારમાં દેશી-વિદેશી દારૂના અડ્ડા ધમધમી રહ્યા હોવા છતાં, પાણીગેટ પોલીસ તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. મોડી સાંજે બનેલ બનાવ પણ દારૂના ધંધાની હરીફાઇને કારણેજ થયો છે. એતોઠીક પોલીસ મથકમાં પણ બુટલેગરો બાખડ્યા હોવા છતાં, પોલીસ તંત્ર મુક પ્રેક્ષક બનીને તમાશો જોતી રહી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here