પાકિસ્તાનથી નેપાળ થઈને ભારત આવેલી અને સચિન મીના સાથે લગ્ન કરનાર સીમા હૈદરની મુશ્કેલીઓ વધી શકે છે. કોર્ટે સીમા હૈદર, પતિ સચિન મીના અને લગ્ન કરાવનાર પંડિતને નોટિસ પાઠવી છે.પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદરને તેના પહેલા પતિ ગુલામ હૈદરની અરજી પર જિલ્લા કોર્ટની ફેમિલી કોર્ટે સમન્સ જાહેર કર્યો છે. કોર્ટે સીમા હૈદર, પતિ સચિન મીના, વકીલ એપી સિંહ અને લગ્ન કરાવનાર પંડિતને સમન્સ જાહેર કર્યું છે. જણાવી દઈએ કે, આ કેસની આગામી સુનાવણી 27 મેના રોજ થશે.
આ કેસમાં અરજી સીમા હૈદરના પતિ ગુલામ હૈદરના વકીલ મોમિન મલિક વતી દાખલ કરવામાં આવી હતી. મોમિન મલિકે જણાવ્યું કે, તાજેતરમાં જ સીમા અને સચિન મીનાના લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી. જેને તેણે કોર્ટમાં પડકાર્યો છે. આ કાર્યક્રમમાં ભાગ લેનાર લોકોને પણ કેસમાં પક્ષકાર બનાવવામાં આવ્યા છે. લગ્ન સિવાય બાળકોને દત્તક લેવાની પ્રક્રિયા, ધર્મ પરિવર્તન વગેરેને કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. વકીલના મતે સીમાએ કોર્ટમાં સાબિત કરવું પડશે કે, તેણે ધર્મ પરિવર્તન ક્યારે કર્યો?
આ સિવાય સગીર બાળકોનો ધર્મ આ રીતે બદલી શકાય નહીં. જેમને સમન્સ આપવામાં આવ્યા છે તેઓએ સુનાવણીની તારીખે કોર્ટમાં હાજર રહેવું પડશે. જણાવી દઈએ કે, 3 જુલાઈ 2023ના રોજ હરિયાણાના બલ્લભગઢમાં સીમા હૈદરની ધરપકડ કરવામાં આવી હતી. સીમા હૈદર રાબુપુરાના રહેવાસી સચિન મીના સાથે નેપાળ થઈને ભારત આવી હતી. પાકિસ્તાનની સીમા હૈદર PUBG ગેમ રમતી વખતે ગ્રેટર નોઈડાના રબુપુરા ગામના રહેવાસી સચિન મીનાના સંપર્કમાં આવી હતી. તે તેના ચાર બાળકો સાથે નેપાળ થઈને ગેરકાયદેસર રીતે ભારત આવી હતી અને તેણે સચિન સાથે લગ્ન કર્યા હતા. આ બંને હાલ રબુપુરામાં રહે છે.