વડોદરા : ગૌ રક્ષા કાર્યકરોએ 70થી 80 ગૌ વંશ ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યું, 5 શખ્સો નાસી છૂટ્યા

0
21

વડોદરાના ગૌ રક્ષા કાર્યકરોએ દેણા ચોકડીથી પીછો કરી હૈદરાબાદ કતલખાને લઈ જવાઈ રહેલા 70થી 80 ગૌ વંશ ભરેલા બંધ બોડીના કન્ટેનરને હાઇવે પર L&T કંપની પાસેથી ઝડપી પાડ્યું હતું. દાહોદ, વડોદરા, બારડોલી અને રાજસ્થાનના ગૌ રક્ષાના કાર્યકરોને ચોક્કસ માહિતી મળી હતી કે, હરિયાણા પાર્સિંગવાળા કન્ટેનરમાં ગૌ વંશ ભરી રાજસ્થાનથી હૈદરાબાદ લઈ જવામાં આવી રહ્યું છે. જેથી તેઓએ નેશનલ હાઇવે નંબર 8 પર દેણા ચોકડી પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન એક હરિયાણા પાર્સિંગનું બંધ બોડીનું કન્ટેનર આવતાં તેને ગૌ રક્ષાના નેહા પટેલ સહિતના કાર્યકરોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો.

ટ્રાફિક જામ થતા કન્ટેનરને મુકી 5 શખ્સો નાસી છૂટ્યા હતા
જોકે, પકડાઈ જવાની બીકે કન્ટેનરના ચાલકે કન્ટેનરને તેઓની ઉપર નાખી દેવાના પ્રયાસ સાથે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઈ ગૌ રક્ષાના કાર્યકરોએ દેણા ચોકડીથી કન્ટેનરનો પીછો કર્યો હતો. તેવામાં L&T કંપની પાસે ટ્રાફિક જામને લઈ આગળ પસાર નહીં થવાતા કન્ટેનરને ત્યાંજ મુકી 5 શખ્સો નાસી છૂટ્યા હતા. અને ગૌ વંશને બચાવી લેવામાં આવ્યું હતું.

કન્ટેનરમાં 70થી 80 જેટલા ગૌ વંશ ભરીને આવ્યા હતા
આ બનાવની જાણ કરવામાં આવતા પી.સી.આર વાન સાથે પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી. કન્ટેનરમાં તપાસ કરતા તેમાંથી ડબલ પાટેશનમાં ઠસોઠસ ભરીને 70થી 80 જેટલા ગૌ વંશ મળી આવ્યા હતા. જેને પાંજરાપોળ ખાતે મોકલી પોલીસે કન્ટેનર મૂકી નાસી ગયેલ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

કન્ટેનરને નહીં અટકાવતા કાર્યકરોએ પથ્થરમારો પણ કર્યો હતો
ઉલ્લેખનીય છેકે, ગૌ રક્ષાના વડોદરાના નેહા પટેલ સહિતના ગૌરક્ષાના કાર્યકરોએ દેણા ચોકડીથી કન્ટેનરનો પીછો કર્યો હતો, જેમાં તેઓ પર ગાડી ચઢાવી દેવાનો પણ પ્રયાસ કર્યો હતો. તેમ છતાં તેઓએ કન્ટેનરને નહીં અટકાવતા પથ્થરમારો પણ કર્યો હતો. બાદમાં ના છૂટકે L&T કંપની પાસે હાઇવે પર કાર્યકરોએ ટ્રાફિક જામ કરી કન્ટેનરનો ઝડપી પાડી ગૌ વંશને બચાવી લીધું હતું. જોકે, કન્ટેનરના ચાલક સહિત 5 ઈસમો ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા.આ અંગે પોલીસે આગળની તપાસ હાથધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here