ક્રિકેટ સ્ટેડિયમ પર બનતા અકસ્માતો ક્યારેક ખતરનાક સ્વરૂપ ધારણ કરી લે છે. તાજેતરમાં જ મહારાષ્ટ્રના પુણેમાં એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં 35 વર્ષીય ક્રિકેટર ઈમરાન પટેલનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. 28 નવેમ્બરના રોજ ગરવારે સ્ટેડિયમ ખાતે લકી બિલ્ડર્સ એન્ડ ડેવલપર્સ અને યંગ ઈલેવન વચ્ચે ક્રિકેટ મેચ રમાઈ રહી હતી. ઇમરાન પટેલ લકી બિલ્ડર્સ ટીમનો કેપ્ટન અને ઓપનિંગ બેટર હતો. મેચ દરમિયાન બેટિંગ કરતી વખતે ઈમરાનને છાતી અને હાથમાં ભારે દુખાવો થયો હતો.
લાઈવ મેચમાં ઈમરાન પટેલે છાતી દુખાવો થવાની જાણકારી અમ્પાયરોને આપી હતી. જે બાદ અમ્પાયરોએ તેને મેદાન છોડવાની મંજૂરી આપી, પરંતુ ઈમરાન પેવેલિયન તરફ જતા જ તે મેદાનમાં જ બેભાન થઈને પડી ગયો હતો. આ જોઇને તેની ટીમના સાથીઓ તેની તરફ દોડ્યા અને તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
ઇમરાનના નિધનથી તેના મિત્રો અને સાથી ખેલાડીઓ આઘાતમાં છે. ઈમરાન ઓલરાઉન્ડર હતો અને ખેલાડી તરીકે ઘણો ફિટ હતો. ઈમરાનના પરિવારમાં તેની પત્ની અને ત્રણ પુત્રીઓ છે. આ ઘટનાએ ફરી એકવાર ક્રિકેટમાં ખેલાડીઓની સુરક્ષા અને ફિટનેસ પર ધ્યાન આપવાની જરૂરિયાત ઉજાગર કરી છે. અગાઉ, ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ફિલિપ હ્યુજીસના મૃત્યુથી પણ રમતમાં સુરક્ષા સાધનોને મજબૂત કરવા તરફ મોટા ફેરફારો થયા હતા.